આખોય મનોરંજન ઉદ્યોગ હિન્દી ભાષા પર નભે છે, એનું કેમ કરશો?
- ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ
વિચાર વિનિમય અને સંદેશ વ્યવહારનું અનિવાર્ય સાધન ભાષા છે. સાથોસાથ ભાષા દંભ અને ડોળનું માધ્યમ છે. એક અછાંદસ કાવ્યનો ઉપાડ છે- આ ઘણું મોટું શહેર, ટાઇપ કરેલા પત્ર જેવા માણસો, સ્મિતનુંય પૃથક્કરણ કરવું પડે.... સામેથી અણગમતી વ્યક્તિ આવતી હોય ત્યારે મનમાં એને ગાળ આપીનેય વ્યક્તિ ખોટ્ટું મલકીને પૂછે છે, કેમ છો બિરાદર? આમ ક્યારેક ભાષા દંભનું માધ્યમ બની જાય છે.
અત્યારે દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાના મુદ્દે તદ્દન બિનજરૂરી વિવાદ સર્જાયો છે. બંને પક્ષે ભૂલ છે. નર્યો અહંક્લેશ છે. કેન્દ્ર સરકારે હિન્દી ભાષા ભણાવવાનું ફરજિયાત કરવાનો નિર્ણય કયા કારણે કર્યો એ સમજાતું નથી. હિન્દી સાહિત્ય કહ્યું હોય તો સમજી શકાય. મહાદેવી વર્મા, દિનકરજી, હજારીપ્રસાદ દ્વિવેદી, ભગવતીચરણ વર્મા, મીરાં, અજ્ઞોયજી, સૂરદાસ, તુલસી, રસખાન, બચ્ચનજી વગેરેને ભણવા એ તો અનેરા આનંદની વાત બની રહે. હિન્દી ભાષા કહીએ તો શું હિન્દી ભાષાનું વ્યાકરણ ભણવાનું છે, જોડણીના નિયમો ભણવાના છે, વિરામચિહ્નો અને અનુસ્વારના નિયમો ગોખવાના છે? આ તમામ સવાલોનો જવાબ હકારમાં હોય તો કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ થવો જ ઘટે.
આપણા બંધારણના આઠમા શેડયુલમાં બાવીસ ભાષાઓ કાયદેસર રીતે સ્વીકારાયેલી છે. પરંતુ આપણે ત્યાં નાની મોટી ૧૬૦૦ (સોળસો) ભાષા અને બોલી વપરાય છે. દરેક રાજ્યની પોતાની એક રાજ્યભાષા છે. દરેક પ્રજાની પોતાની એક માતૃભાષા કે બોલી છે. દરેકને પોતાની માતૃભાષા વહાલી હોય એ સમજી શકાય છે. પોતાની માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે લડવાનો દરેકને બંધારણીય અધિકાર છે.
પરંતુ ખાટલે મોટી ખોડ એ કે અંર્ગ્રેજી માધ્યમની શાળામાં પોતાના સંતાનને ભણાવવાની લાહ્યમાં લગભગ દરેક સ્થાનિક ભાષાની સદંતર અવગણના થઇ રહી છે. મુંબઇ મહાનગરપાલિકાની તોળાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં હિન્દીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. એ વિરોધી પરિબળોને ફક્ત બે સવાલ પૂછવા છે. એક, મુંબઇ અને મહારાષ્ટ્રમાં મરાઠી માધ્યમની કેટલી સ્કૂલો છેલ્લાં પાંચ વર્ષમાં બંધ થઇ? એનું પુનરાવર્તન ન થાય એ માટે તમે કેવાં અને કેટલાં પગલાં લીધાં? મહારાષ્ટ્રના કેટલા પોલિટિશ્યનો અને સાહિત્યકારોનાં બાળકો મરાઠી માધ્યમની શાળામાં ભણે છે?
સવાલ નંબર બે, પાંત્રીસથી ચાલીસ લાખ લોકોને રોજીરોટી પૂરી પાડતો આખોય મનોરંજન ઉદ્યોગ હિન્દી ભાષા પર નભે છે. એનું કેમ કરશો? વધુ સ્પષ્ટ કરીએ તો હિન્દુસ્તાની અને ઊર્દૂ ભાષા મિશ્રિત ભાષા રંગભૂમિ, ટેલિવિઝનના કાર્યક્રમો અને ફિલ્મોમાં વપરાય છે. ૭૦થી ૮૦ ટકા અદાકારો, ગાયકો, સંગીતકારો, સાજિંદાઓ બહારથી મુંબઇમાં આવેલા છે. એમની માતૃભાષા જુદી છે. વ્યવસાયની ભાષા હિન્દી છે. આ મનોરંજન ઉદ્યોગનું મરાઠીકરણ શક્ય છે? એકલો ફિલ્મોદ્યોગ વરસે અબજો રૂપિયાની લેવડદેવડ કરે છે. એ બધો વ્યવહાર હિન્દી ભાષામાં થાય છે. એનું કેમ કરશો?
આ જ મુદ્દો કેન્દ્ર સરકારના ધ્યાનમાં લાવવો છે. છેલ્લાં એકસો વરસમાં અંગ્રેજ રાજથી શરૂ કરીને આજ સુધી હિન્દી ભાષાનો સૌથી વધુ પ્રચાર હિન્દી ફિલ્મોએ કર્યો છે. સાવ નાનકડો દાખલો આપું તો અમર ગાયક કુંદનલાલ સાયગલ કે પંકજ મલિકે મુંબઇ આવીને હિન્દી ફિલ્મો માટે ગાયું એ પછી જ દેશના ખૂણે ખૂણે એમનો કંઠ પહોંચ્યો હતો. એ જ વાત લતા મંગેશકર અને મુહમ્મદ રફીને લાગુ પડે છે. જેમની માતૃભાષા હિન્દી નથી એવા લોકો પણ હિન્દી ફિલ્મોનાં ગીતો ગાય છે. એમના ઉચ્ચારો કદાચ જુદા પડી જતા હશે એ વાત જુદી છે.
ઉચ્ચારની વાત કરીએ ત્યારે ઉત્તર દક્ષિણના લોકોના અંગ્રેજી ભાષાના ઉચ્ચારો પણ જુદા પડી જતાં અનુભવાય છે. સાઉથનો યુવાન કહેશે, વ્હોટ ઇઝ યોર નેઇમ ત્યારે નોર્થનો યુવાન કહેશે, વ્હાટ ઇઝ યોર નેમ... ઘણા અદાકારોના ઉચ્ચારોના કારણે એમના ડાયલોગ્સ અન્ય કલાકાર પાસે ડબ કરાવવા પડયા છે. કેન્દ્ર અને રાજ્યોના પોલિટિશ્યનો આટલું સમજે તો ભયો ભયો... મતભેદ રહેતો જ નથી. અહંક્લેશ ટાળીને આટલી સરળ વાત સમજી લેવામાં આવે તો બિનજરૂરી ઉશ્કેરાટ ટાળી શકાય.