Updated: Mar 14th, 2023
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- ક્ષમતા ન હોય એેટલે કોલેજના પહેલાં વર્ષમાં જ સંતાન બે-ત્રણ વખત નિષ્ફળ થાય છે. એવા સમયે એને ડિપ્રેશનથી બચાવવા માતાપિતાએ પ્રયાસો કરવા ઘટે
વરસો પહેલાં એક રમૂજી ટુચકો વાંચેલો. નાનકડો એક છોકરો એેના પિતાની સામે ઊભો છે. પિતાના હાથમાં માર્કશીટ છે. એ ગુસ્સો કરીને તાડૂકે છે- 'આ શું, ફલાણા વિષયમાં આટલા ઓછા માર્ક? અને આ વિષયમાં તો એનાથી પણ ઓછા માર્ક છે... આખું વરસ રખડી ખાધું, ભાઇબંધ દોસ્તારો સાથે મોજ મજા કરી...'પિતાને વચ્ચેથી અટકાવતાં છોકરાએ કહ્યું, 'એક મિનિટ પપ્પા, એ મારું રિઝલ્ટ નથી, તમારું છે. મમ્મી કબાટ સાફ કરતી હતી એમાંથી તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારની આ માર્કશીટ મળી છે...' ટુચકો પૂરો.
બહુ ધારદાર વ્યંગ છે. આજની પરિસ્થિતિમાં પણ ફિટ બેસે છે. કેવી રીતે આ ટુચકો આજે ફિટ બેસે છે એની વાત આપણે કરી રહ્યા છીએ. પોલીસના રેકર્ડ પ્રમાણે ટીનેજર્સમાં આપઘાતના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. મોટા ભાગના કેસમાં બાળક પોતાની જોડે એક ચિઠ્ઠી મૂકે છે- 'પપ્પાએે અપેક્ષા રાખી હતી એટલા માર્ક હું લાવી શક્યો નથી એટલે જીવન ટૂંકાવું છું....' ક્યારેક શબ્દફેર હોય કે 'પપ્પાના ગુસ્સાના ડરથી આપઘાત કરું છું...'
આવી ચિઠ્ઠીઓ આપઘાતનાં કારણોની બીજી બાજુ છે. મનોચિકિત્સકો કહે છે કે મોટા ભાગનાં બાળકોને પરીક્ષાનો ડર સતાવતો હોય છે એવી માન્યતા સો ટકા સાચી નથી. પરીક્ષા તો વરસમાં ત્રણ ચાર વખત આવતી હોય છે. એટલે પરીક્ષાનો ડર આપઘાતનું મુખ્ય કારણ ગણી શકાય નહીં. હકીકતમાં માતાપિતાની અપેક્ષા સંતોષી નહીં શકવાની હતાશા બાળકને આપઘાત કરવા તરફ લઇ જાય છે. વાત વિચારવા જેવી છે.
સોમાંથી એંસી ટકા માતાપિતા પોતે જે સિદ્ધ નહોતાં કરી શક્યાં એ બાળક સિદ્ધ કરે એવી અપેક્ષા રાખતાં હોય છે. તારે તો ડોક્ટર જ થવાનું છે... કે પછી તારે તો તારા કાકાની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ થવાનું છે... એવું વારંવાર કહીને માબાપ પોતાની અબળખા સાકાર થાય એવી અપેક્ષા રાખીને સંતાનનું ટેન્શન અનેકગણું વધારી નાખે છે.
અહીં એક વાત સમજવા જેવી છે. બાળકની ક્ષમતા કેટલી છે અને એને કયા વિષયમાં રસ છે એ પહેલાં જાણી લેવું જરૂરી છે. ત્યારબાદ માતાપિતાએ પોતાના મનની વાત એને ગળે ઊતારવી જોઇએ. બાળક માતાપિતાની ઇચ્છા સંતોષવા તૈયાર હોય તો એને સતત પ્રોત્સાહન આપવું જોઇએ અને જે વિષય નબળો હોય એમાં વધુ મહેનત કરાવવી જોઇએ. એક સંગીત શિક્ષક સાથે વાત થતી હતી ત્યારે એમણે કહ્યું કે, 'ઘણીવાર માતાપિતા બાળકને લઇને આવે કે આને સંગીત શીખવો. હું માતાપિતાને એક ઓરડામાં બેસાડીને બાળકને પ્રેમથી પૂછું છું કે તને સંગીતમાં રસ છે? તમે નહીં માનો, બાળક ના પાડે છે અને કહે છે કે અમારી સોસાયટીનો એક છોકરો ટીવી પર ગાવા ગયેલો એટલે મમ્મી મને કહે છે કે જો આ કેવો ગાય છે... તારે પણ ગાતાં શીખવું જોઇએ અને ટીવી પર જવું જોઇએ. તો સોસાયટીમાં આપણો વટ પડે. મને સંગીતમાં નહીં, ડ્રોઇંગમાં રસ છે. સંગીત શિક્ષકે તરત માતાપિતાને સમજાવ્યાં કે તમારાં સંતાનને સંગીતમાં રસ નથી એટલે પરાણે શીખવો નહીં. એને જે વિષયમાં રસ છે એમાં આગળ વધવા દ્યો. કેટલાક માતાપિતા મારી વાત સાંભળીને નારાજ થઇ જાય છે. પરંતુ હું કોઠું આપતો નથી.'
તો વાત આ છે. આડોશપાડોશની દેખાદેખીથી માતાપિતા કેટલીક વાર બાળક પર પોતાની ઇચ્છા ઠોકી બેસાડે છે. કેટલીક વાર ભાઇબંધ-દોસ્તોની દેખાદેખીથી બાળક વિજ્ઞાાન કે કોમર્સ શાખામાં જવા લલચાય છે. ક્ષમતા ન હોય એેટલે કોલેજના પહેલાં વર્ષમાં જ બે-ત્રણ વખત નિષ્ફળ થાય છે. એવા સમયે એને ડિપ્રેશનથી બચાવવા માતાપિતાએ પ્રયાસો કરવા ઘટે. એને બદલે કેટલીક વાર માતાપિતા બાળકને હડધૂત કરે છે. પરિણામે બાળકની હતાશા બેવડી થઇ જાય છે અને ક્યારેક એ અંતિમ પગલું ભરી બેસે છે. બહેતર છે, એને એની રીતે આગળ વધવાનું પ્રોત્સાહન આપો. તમારા વિચારો અથવા તમે જે નથી કરી શક્યા એ કરી બતાવવાની એને ફરજ ન પાડો. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો, બોસ!