Updated: Feb 14th, 2023
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
બઢતી (પ્રમોશન) મેળવીને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂત તરીકે જઇ રહેલા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે એક ખૂબ મહત્ત્વની ટકોર કરી. તેમણે કહ્યું કે ત્રીસ-ત્રીસ વર્ષ જૂના સેંકડો કેસ પેન્ડિંગ છે એ જોઇને સહેજ દુ:ખ અનુભવીને હું જઇ રહ્યો છું. તેમના વક્તવ્યનો એક મુદ્દો એવો પણ હતો કે વકીલો મુદત પર મુદત માગ્યા કરતાં હોય છે પરિણામે બંને પક્ષના અસીલોને સહેવું પડે છે.
દેશ આઝાદ થયા પછીના આઠમા દાયકે ડિસેમ્બર ૨૦૨૨ના આંકડા મુજબ દેશની વિવિધ અદાલતોમાં પાંચ કરોડ કેસ પેન્ડિંગ એટલે કે ઊભા છે. નિવેડો આવતો નથી. તમને યાદ હોય તો પાંચ-સાત વર્ષ પહેલાં એક હાઇકોર્ટમાં થાકેલા હતાશ થયેલા એક વડીલે પત્રકારોને કહ્યું હતું કે છેલ્લાં પચાસ વર્ષથી અમારો કેસ પેન્ડિંગ છે. મારો પૌત્ર પ્રૌઢ થાય એ પહેલાં નિવેડો આવશે કે કેમ એ હું જાણતો નથી.
પાંચ કરોડમાંના ૮૫ ટકા કેસ તો જિલ્લા કોર્ટસમાં છે. આમ થવાનું એક કારણ એ પણ ખરું કે મોટા ભાગની અદાલતોમાં સક્ષમ ન્યાયાધીશો નથી. મબલખ આવક રળતા ટોચના વકીલોને ન્યાયાધીશોની ખુરસીમાં બેસવામાં રસ નથી. જે વકીલો જજ બને છે એ જાણતા હોય છે કે મુદતો પાડવામાં કેવાં કેવાં ગતકડાં કરવામાં આવે છે. ફિલ્મી અદાલતોમાં અભિનેતા સની દેઓલ જેવા બૂમબરાડા પાડી શકે છે કે મુદત પર મુદત, મુદત પર મુદત... વાસ્તવિક અદાલતોમાં આવું બનતું નથી. કોલકાતામાં પોતાને ગમતું એક કાર્ટૂન સોશિયલ મિડીયા પર મૂકનારા પ્રોફેસરને દસ વર્ષથી અદાલતોના ધક્કા ખાવા પડે છે અને એ યુનિવસટીમાંથી રજા લઇને કોર્ટમાં જાય ત્યારે ત્યાં ખબર પડે કે આજે એમનો કેસ નીકળવાનો નથી. આ માત્ર એકલદોકલ કેસની વાત નથી, હજારો કેસમાં આવું બને છે જ્યારે અસીલને જાણ હોતી નથી કે એના વકીલે મુદત માગી લીધી છે.
એક મુદ્દો આપણી સહનશક્તિનો છે. હજારો કેસ સાવ મામુલી વાતના હોય છે. એ અદાલતનો સમય અને શક્તિ વેડફી નાખે છે. અખબારોમાં એવા કેસ આવે છે જ્યારે ન્યાયમૂતએ અરજદારને ખખડાવ્યો હોય અને સાવ વાહિયાત મુદ્દા પર કેસ કરવા બદલ દંડ કર્યો હોય. ઘણા મુદ્દા એવા હોય છે જ્યારે સમાજના પાંચ-સાત મોવડીઓ આવા વિવાદને ઘરમેળે પતાવી શકે. કોઇ જ્ઞાાતિ-જાતિના મોવડીઓએ આવી પહેલ કરીને દાખલો બેસાડવો જોઇએ.
જજોની જગ્યા ખાલી પડેલી હોય ત્યારે પણ કેસનો ભરાવો થઇ પડતો હોય છે. સરકારની નિષ્ક્રિયતા અથવા પોતાની પસંદગીના જજ નીમવાની તદ્દન પક્ષપાતી નીતિના કારણે સરવાળે આમ આદમીને સહન કરવું પડતું હોય છે. અત્યારે કેન્દ્ર સરકાર અને કોલેજિયમ વચ્ચે આ મુદ્દે મૈં-મૈં-તૂ-તૂ થઇ રહ્યું છે. જે અદાલતમાં જજ હોય ત્યાં કેટલીક વાર અદાલતી સ્ટાફ ઓછો હોય છે. એમાં એકાદ બે સ્ટાફ મેમ્બર રજા પર હોય એટલે કામ લંબાયા કરે.
૨૦૨૨ના ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને સૂચના આપી હતી કે બંને પક્ષોની દલીલબાજીમાં મહિનાઓ વેડફાઇ જાય એ ઉચિત નથી. ઓછામાં ઓછા સમયમાં દલીલોની સુનાવણી થઇ જવી જોઇએ.
ખાટલે મોટી ખોડ એ કે કેટલાક કિસ્સામાં (યસ, કેટલાક કિસ્સામાં) વકીલો અંદર અંદર સંપી જઇને કેસ લંબાવ્યે રાખે છે. એમના ગજવાં ભરાય અને અસીલો ખુવાર થયા કરે. ખરેખર તો અદાલતોને બદલે બાર કાઉન્સિલોએ વકીલોને તાકીદ કરવી જોઇએ કે કેસનો ચોક્કસ મુદતમાં નિવેડો આવી જવો જોઇએ, આમ નહીં થાય તો તમારો પ્રેક્ટિસ કરવાનો પરવાનો કે સનદ રદ કરવામાં આવશે. એ જ રીતે પોલીસ તંત્રમાં પણ થોડી સ્ફૂત લાવવાની જરૂર છે. કાચા કામના એટલે કે જેમની સામે કોઇ ગુનો પુરવાર નથી થયો એવા લાખો કાચા કેદીઓ દાયકાઓથી જેલમાં સબડે છે. એને માટે પોલીસ તંત્ર જવાદાર ગણાય.
વિદાય લઇ રહેલા ગુજરાતના ચીફ જસ્ટિસે કરેલી ટકોર પહેલીવારની નથી. અગાઉ પણ કેટલાક વિદ્વાન જજોએ આવી ટકોર કરી છે. પરંતુ આગુ સે ચલી આતી હૈ...ની જેમ અદાલતોમાં પરીકથાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલા કેસ રાત્રે વધે છે. આ બાબતમાં આપણે સૌ નાગરિકોએ પણ થોડા જાગવાની જરૂર છે. આપણા વિસ્તારના લોકપ્રતિનિધિ (કાર્પોેરેટર, ધારાસભ્ય અને સંસદસભ્ય) પર દબાણ લાવવું જોઇએ કે આપણા વિસ્તારની અદાલતોમાં પેન્ડિંગ પડેલા કેસનો ઝડપી નિકાલ આવે એવાં પગલાં લો. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો, દોસ્તો!