- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
તામિલનાડુના ગણવેશધારી પોલીસ તંત્રના નવ જવાનોને ગયા સપ્તાહે મદ્રાસની કોર્ટે ગયા અઠવાડિયે મોતની (ફાંસીની) સજા ફટકારી તેથી કોઇને નવાઇ નહીં લાગી હોય. એકવાર પોલીસ તમને ખરાખોટા કેસમાં પકડી લે પછી ભગવાન જ તમને બચાવી શકે. છેક બ્રિટિશ જમાનાથી પોલીસની મથરાવટી મેલી રહી છે. સમાજ સામે બહારવટે ચડેલા જગજિત સિંઘ ઉર્ફે જગ્ગા ડાકુની જીવનકથા વાંચો તો થથરી જવાય. છત પર કેદીને ઊંધો લટકાવીને એના પગની પાનીઓ પર દંડા ફટકારવા, એને કેટલીય રાત દરમિયાન સુવા ન દેવો, એને પોલીસ જવાનોનો પેશાબ પીવડાવવો કે મળમૂત્ર ખાવાની ફરજ પાડવી, બરફની પાટ પર સુવડાવી રાખવો, કેદીના મળમાર્ગમાં લાકડી ઘુસાડવી વગેરે કેટલીક સજાઓ છે.
મહારાષ્ટ્રના એક કુખ્યાત ટપોરીએ કહેલું કે જેલ માણસને સુધારવા માટે નહીં, એને રીઢો ગુનેગાર બનાવવા માટે હોય છે. આ એનો જાતઅનુભવ હતો. મદ્રાસની કોર્ટનો કેસ સમજો તો ખ્યાલ આવે કે પોલીસનું વર્તન કેવું રાક્ષસી હતું. કોરોનાકાળ હતો ત્યારે એક પિતા-પુત્રે પોતાની દુકાન ખુલ્લી રાખી હતી. એને દંડાનો ડર દેખાડીને દુકાન બંધ કરાવી શકાઇ હોત. આ કંઇ એવો ગંભીર અપરાધ નહોતો કે આખી રાત એ બે જણને સતત મારપીટ કરવી પડે. પણ પોલીસ કોનું નામ. બંનેને એવા ફટકાર્યા કે બીજા દિવસની સવાર જોવા એ જીવતા રહ્યા નહીં. માનવ અધિકાર પંચનો વાર્ષિક રિપોર્ટ વાંચો તો ખ્યાલ આવે કે આ કોઇ એકલદોકલ કિસ્સો નથી. આવું આઝાદી પછી સતત બનતું રહ્યું છે. દેશ ભલે આઝાદ થયો હોય, પોલીસના વર્તનમાં કશો ફેરફાર થયો નથી.
મદુરાઇના કિસ્સામાં પિતા-પુત્ર કાચા કેદી હતા. હજુ તેમને કોર્ટમાં રજૂ કરાયા નહોતા. જેમની સામે ગુનો હજુ પુરવાર થયો નથી એવા કેદીઓને કાચા કેદી કહેવાય. તમને યાદ હોય તો બિહારના ભાગલપુરમાં ઓછામાં ઓછા ૩૧ કાચા કેદીઓની આંખમાં એસિડ રેડીને એમને આંધળા કરી દેવાની ઘટના ૧૯૭૯-૮૦માં બની હતી. એ પોલીસ જવાનોને કેટલી અને કેવી સજા થઇ એની વિગતો ત્યારબાદ કદાચ જાહેર થઇ નહોતી.
પોલીસ ભ્રષ્ટ છે એ વાત તો હવે ખૂબ જૂની થઇ ગઇ. લગભગ દરેક પોલીસ કે પોલીસ અધિકારી એક યા બીજી રીતે ફેરિયા, શાકભાજીવાળા કે સડક પર ચાની લારી ચલાવતા લોકો પાસેથી બેધડક હપ્તા ઊઘરાવે છે એ હકીકત હવે ધાવણું છોકરુંય જાણે છે. યશ ચોપરાની ફિલ્મ 'શક્તિ' કે રોહિત શેટ્ટીની 'સિંઘમ' જોઇએ ત્યારે થિયેટરના અંધારામાં પોલીસ અધિકારીને બિરદાવતાં આપણે તાળીનો ગડગડાટ કરીએ છીએ. વાસ્તવ જીવનમાં એવો પોલીસ અધિકારી આખાય પોલીસ તંત્ર અને પોલિટિશિયનોની આંખમાં કણાની જેમ ખૂંચતો હોય છે. એના પર સતત માનસિક અત્યાચાર કરાય છે. કાં તો એ પોલીસ અધિકારી કંટાળીને નોકરી છોડી દે છે કે પછી આપઘાત કરી લે છે. આજના સમયમાં કોઇને વાસ્તવ જીવનમાં સિંઘમ ગમતો કે જોઇતો નથી.
વાત કાચા કેદીની હતી. માનવ અધિકાર પંચની માહિતી મુજબ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સૌથી વધુ કસ્ટોડિયન ડેથ થાય છે એટલે કે આ રાજ્યોની પોલીસ વધુ ઘાતકી છે. આ તો માત્ર ચાર રાજ્યની વાત છે. દેશના અન્ય રાજ્યોની પોલીસ કેવી છે એ આપણે જાણતા નથી. તાજેતરમાં પશ્ચિમ બંગાળની પોલીસને સુપ્રીમ કોર્ટે ઠમઠોરી હતી. ગમે તેવી મામૂલી બાબતમાં પોલીસ દંડાવાળી કરી નાખે છે. માનવ અધિકાર પંચના એક અહેવાલ મુજબ દર વરસે સરેરાશ સત્તરસો કસ્ટોડિયલ ડેથ થાય છે. બીજી બાજુ લાલુ યાદવ કે આઝમ ખાન જેવા કેદીઓ જેલમાં પણ મહેલ જેવી સગવડો ભોગવતા હોય છે. એમને પોલીસ પહેલા ખોળાના દીકરાની જેમ સાચવે છે. સામાન્ય માણસને કીડામંકોડા જેવા સમજીને પોલીસ એની સાથે અમાનવીય વર્તન કરે છે. મદ્રાસ કોર્ટે આપેલા ચુકાદાને તો હાઇકોર્ટમાં અને જરૂર પડયે સુપ્રીમ કોર્ટમાં પડકારાશે. ત્યારબાદ આપણને જાણ થશે કે ખરેખર આ પોલીસ જવાનોને સજા થઇ કે એ 'અપૂરતા પુરાવાના અભાવે' છૂટી ગયા.


