'માનવઅધિકાર' શબ્દની એક કાયમી વ્યાખ્યા હવે થઇ જવી જોઇએ
- ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ
- સિક્યોરિટી દળોના જવાનો કે આમ આદમીના માનવ અધિકારો કેમ કોઇને દેખાતાં નથી ?
આખરે ધાર્યું હતું એવું જ થયું. ઉત્તર પ્રદેશના ડોન વિકાસ દૂબેની માતા સરલા દેવીએ વ્યક્ત કરેલી ઇચ્છાનુસાર વિકાસનું 'એન્કાઉન્ટર' થઇ ગયું. એના થોડા કલાકો પહેલાંજ કોઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી હતી કે વિકાસને પોલીસ ઠાર મારે એવી શક્યતા છે. વિકાસ ઠાર થયાના સમાચાર પ્રગટ થતાં જ માનવ અધિકારવાદીઓએ કાગારોળ મચાવી દીધી. હવે સુપ્રીમ કોર્ટમાં પોલીસ પર માછલાં ધોવાશે. આવી ઘટનાઓ છેલ્લાં થોડાં વરસથી સતત બનતી આવી છે. રીઢા આતંકવાદીઓ અને અંધારી આલમના દાદાઓ-ગુંડાઓ પોલીસ સાથેની અથડામણમાં માર્યા જાય એટલે તરત માનવ અધિકારવાદીઓ કલ્પાંત કરવા માંડે છે - જુઓ, જુઓ, ફલાણાના માનવ અધિકારની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી. મરી ગ્યા, બાપલિયા રે મરી ગ્યા, યોર ઓનર માઇબાપ, આ લોકોના માનવ અધિકારની રક્ષા કરો પ્લીઝ..
સૌથી વધુ કરુણ વાત એ છે કે આ રીઢા આતંકવાદીઓ કે અસામાજિક તત્ત્વોએ જે બેગુનાહ લોકોની હત્યા કરી હોય એમના માનવ અધિકારોની ચિંતા કોઇ કરતું નથી. રતાંધળા માણસને જેમ રંગોની ઓળખ ન થાય એમ આ માનવ અધિકારવાદીઓને ફક્ત આતંકવાદીઓ અને અસામાજિક તત્ત્વોના માનવ અધિકારો દેખાતાં હોય છે. સિક્યોરિટી દળોના જવાનો કે આમ આદમીના માનવ અધિકારો કેમ કોઇને દેખાતાં નથી ? જો કે આમ આદમી હવે બદ્ધું સમજતો થઇ ગયો છે. દંભ ખુલ્લો પડી ગયો છે. વિકાસના ગામના લોકોએ કઇ ખુશીમાં મીઠાઇ ખાઇને આનંદ વ્યક્ત કર્યો ? એ વિચારવા જેવું છે.
થોડાં વરસો પહેલાં ઘણું કરીને તેજાબી કાનૂનવિદ રામ જેઠમલાણીએ એક ઇન્ટરવ્યૂમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે પાકિસ્તાની લશ્કરના ગુલામની જેમ રહીને કંટાળી ગયેલા દાઉદ ઇબ્રાહિમે એેક નેતાને ફોન કરીને કહેલું કે મારે સ્વદેશ પાછા આવવું છે. પરંતુ મારી એક શરત છે. મને મોતની સજા નહીં કરવાની, આજીવન કેદ કરાવો તો મને મંજૂર છે. નેતાએ આ ઓફર સ્વીકારી નહોતી. એનું કારણ સ્પષ્ટ છે.
જીવતો હાથી લાખનો મૂવો સવા લાખનો. દાઉદ ઇબ્રાહિમ હોય કે વિકાસ દૂબે, જીવતો રહે અને મોઢું ખોલે તો ભલભલા પોલિટિશ્યનની કારકિર્દીનો અકાળે સૂર્યાસ્ત થઇ જાય. એટલે કાં તો દાઉદની શરતનો અસ્વીકાર કરવો અથવા એન્કાઉન્ટર કરાવી નાખવું. વિકાસને એવા કારણથી જ પતાવી દેવાયો હશે. ભલે એણે આત્મસમર્પણ કર્યું હોય, એ જીવતો રહે તો અગાઉ એને સાથ આપનારા તમામ રાજકીય પક્ષો અને નેતાઓની પોલ ખુલી જાય. તમે મારો કેસ લડશો કે એવી દાઉદની પૃચ્છાના જવાબમાં જેઠમલાણીએ હા પાડી હતી.
તમને ચંદનચોર વીરપ્પન યાદ છે ? દક્ષિણ ભારતનાં ચચ્ચાર રાજ્યોની સીમા ફરતેનાં જંગલોમાં એની એકચક્રી આણ પ્રવર્તતી હતી. અબજો રૂપિયાનું ચંદન એણે ચોર્યું અને દક્ષિણ ભારતની બહાર મોકલ્યું હતું. આ અપરાધ બેચાર વરસ નહીં, સતત ત્રીસ વરસો સુધી ચાલ્યો. ચાર રાજ્યોના સીમાડા વિસ્તારનો એ બેતાજ બાદશાહ બની રહ્યો હતો. એક નીડર પત્રકારે એનો વિશ્વાસ જીતી લીધો અને એના વિશે સ્ટોરીઓ પ્રગટ કરી ત્યારે પોલિટિશ્યનો ચોંકી ઊઠયા હતા.
તેમને થયું કે ક્યારેક વીરપ્પન અમારા વિશે કંઇ બોલી નાખશે તો ! પોલિટિશ્યનોના આ ડરે વીરપ્પના એન્કાઉન્ટરની પૂર્વભૂમિકા તૈયાર કરી હતી. આખરે વીરપ્પનને ઠાર કરાયો. હકીકતમાં પોલીસે અને નેતાઓએ ધાર્યું હોત તો વીરપ્પનનો ક્યારનો ઘડો લાડવો થઇ ગયો હોત.
પરંતુ ચારેચાર રાજ્યોના નેતાઓએ વીરપ્પનને ચંદનચોરી કરવા દીધી અને પોતે મલાઇનો ભાગ ખાતા રહ્યા. જ્યારે એવો ડર પેદા થયો કે પત્રકાર સાથેની વીરપ્પનની દોસ્તી ક્યારેક અમારા માટે જોખમી બની શકે ત્યારે વીરપ્પન ઠાર થયો. ત્યારે પણ એના માનવ અધિકારની વાતો થઇ હતી.
માનવ અધિકાર શબ્દોની હવે વન્સ ફોર ઓલ કાયમી વ્યાખ્યા થઇ જવી જોઇએ એવું નથી લાગતું ? સમય પાકી ગયો છે.