- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આથક દ્રષ્ટિએ દેશની સૌથી શ્રીમંત અને વહીવટની દ્રષ્ટિએ કદાચ (યસ, કદાચ) સૌથી નબળી મુંબઇ મ્યુનિસિપાલિટીની ચૂંટણીનું મતદાન ગુરુવારે ૧૫મી જાન્યુઆરીએ થવાનું છે. પોતાની જાત અને સત્તાની ખુરસી સિવાય કોઇને વફાદાર ન હોય એવા તમામ રાજકીય પક્ષો અને નેતાઓનું બ્લડ પ્રેશર એકદમ હાઇ થઇ ગયું જણાય છે. કારણ? મતદારોને આ ચૂંટણીમાં જરાય રસ નથી. મતદારો ઉદાસીન છે. લોકોને કાતિલ મોંઘવારીમાં પરિવારનું પેટ ભરવાની ચિંતા છે. ગુરુવારે રાજ્ય સરકાર રજા જાહેર કરે તો પણ મોટા ભાગના લોકો કામ પર જવાનું પસંદ કરશે.
બહુ જૂની વાત નથી. ગઇ કાલનો ઇતિહાસ છે. મુંબઇની સડકો રોજ સવારસાંજ ફાયર બ્રિગેડ દ્વારા ધોવામાં આવતી. જોકે એ દિવસોમાં ઘોડાગાડી (ટાંગા) અને બળદગાડાંની બોલબાલા હતી. આજે વસતિ કરતાં વાહનો વધુ છે. સડકો કેવી છે એ પૂછતાં જ નહીં. દુનિયાના કોઇ દેશમાં આવી ઉબડખાબડ સડકો નહીં હોય. સડકો સારી ન હોય ત્યારે એક કરતાં વધુ રીતે નુકસાન થાય છે. વાહનો એકધારી સ્પીડ પર દોડી શકતાં નથી. વારેવારે ટ્રાફિક અટકી જાય છે એટલે એક તરફ પેટ્રોલ-ડિઝલ-સીએનજી જેવાં ઇંધણનો વેડફાટ થાય, બીજી તરફ વાહનના શોક એબ્સોર્બરને નુકસાન થાય અને વાહનની આવરદા ઓછી થાય. એ બધાં કરતાં વધુ તો સમય વેડફાઇ જાય. આટલું ઓછું હોય તેમ ગમે ત્યાં સુધરાઇના માણસો સડક ખોદીને કામ કરતા દેખાય. કીડી કરતાંય ઓછા વેગે કામ કરે એટલે નિર્ધારિત સમયે કામ પૂરું થાય નહીં. આમ આદમીનો સમય અને શક્તિ વેડફાયા કરે. કોઇ કહેતાં કોઇને નાગરિકોની અગવડની લગીરે પરવા નથી.
લગભગ દોઢ અબજની વસતિમાં અર્ધાથી વધુ વસતિ ગંધાતી ઝૂંપડપટ્ટીમાં રહે છે. વીજળી અને પાણી કરદાતા નાગરિકોની પાઇપ લાઇનમાંથી ચોરી લેવાની. પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં બીઝીબી તરીકે ઓળખાતા પત્રકાર બહેરામ કોન્ટ્રેક્ટરે મુંબઇને સ્લમ્બઇ એટલે કે ઝૂંપડાંનગરી ગણાવેલી. ઔર એક તેજસ્વી તંત્રીએ લખેલું કે મુંબઇ સિલાઇએથી ફાટ ફાટ થાય છે. આજે તો સિલાઇ લગભગ ચારે બાજુથી ફાટી ચૂકી છે. દરેક કહેતાં દરેક પક્ષને ઝૂંપડપટ્ટી પોતાની વોટબેંક લાગે છે એટલે કોઇ પક્ષ કે નેતા ઝૂંપડપટ્ટી ખસેડવા તૈયાર નથી. મોટા ભાગની ઝૂંપડપટ્ટી ગંદા પાણીના નિકાલ માટેનાં નાળાં કે ગટરની લાઇન પર છે. વળી, મહાનગરની ચારે બાજુ મહાસાગર છે એટલે બે કે અઢી ઇંચ વરસાદમાં મુંબઇ પાણી-પાણી થઇ જાય છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવાના બંગલામાં પાણી ભરાઇ જતું હોય તો આમ આદમીની હાડમારીની કલ્પના કરી શકાય છે.
મ્યુનિસિપાલિટી વ્હીલ ટેક્સ, રોડ ટેક્સ વગેરે જાતજાતના કરવેરા વસૂલ કરે છે. એના પ્રમાણમાં નાગરિકને મળવી જોઇતી લઘુતમ સુવિધાનો ઘોર અભાવ છે. ઉનાળામાં તો ઘણીવાર ગંધાતું પીવાનું પાણી મળે છે. મુંબઇનું નસીબ સારું કે અહીં ઇંદોર જેવી દુર્ઘટના સર્જાઈ નથી. મુંબઇગરો ખરેખર અત્યંત સહનશીલ છે, નહીંતર ક્યારની હિંસા ફાટી નીકળી હોત. મુંબઇનું આકર્ષણ દેશભરના લોકોને છે, કારણ કે આ મહાનગરમાં પરસેવો પાડનારને રોટલો મળી રહે છે, ઓટલો મળતો નથી. પોલિટિશિયનો અને બિલ્ડરોની ભાઇબંધીથી આડેધડ ટાવરો ઊભાં થઇ રહ્યાં છે, પરંતુ ફ્લેટના ભાવ એવા કે મધ્યમવર્ગી નોકરિયાત કે નાના દુકાનદારો ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. મુંબઇમાં હવે વિકાસની શક્યતા સાવ ઓછી છે. આઠ નાનકડાં ટાપુમાંથી મહાનગર બનેલા મુંબઇને હવે ખરા અર્થમાં સ્વચ્છ અને કાર્યક્ષમ વહીવટકર્તાની તાતી જરૂર છે. એવો વહીવટ કોણ આપી શકશે? સત્તાના ફેવિકોલે સગવડિયા કજોડાં જેવા શંભુમેળા ભેગા કર્યા છે. આ એક ગુંદર એવો છે કે ભલભલા પક્ષો અને નેતાઓ ગમે તેની સાથે સહશયન કરવા તૈયાર થઇ જાય. કોઇને નક્કર કામ કરવાની ઇચ્છા નથી. વચનો તો તોડવા માટે જ અપાય છે. આ સંજોગોમાં નાગરિકો મતદાન કરવા બહાર ન પડે તો દોષ કોનો? જોકે મતદાન નહીં કરવાથી સૌથી વધુ નુકસાન પણ ન નાગરિકોને જ થાય છે. મતદાન માત્ર આપણો જન્મસિદ્ધ હક નથી, બહુ મોટી જવાબદારી છે એટલું વાલકેશ્વરથી નરીમાન પોઇન્ટ સુધી રહેતા શ્રીમંતો પણ સમજી જાય તો બહુ સારું.


