For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુવાન હૈયાંને પ્રેમોન્મત્ત કરે એવાં બે પર્વ આવતી કાલે માણવાના છે

Updated: Feb 13th, 2024


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઇ નથી પગલાં વસંતનાં, મલયાનિલોની પીંછી ને રંગો ફૂલના લઇ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના... કાઉન્ટ ડાઉન પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું છે. યુવાન હૈયાંને પ્રેમોન્મત્ત કરે એવી વસંત રૂતુ આંગણે આવી ઉભી છે. 

આવતી કાલે બુધવારે ૧૪મી ફેબ્રુઆરીએ એક નહીં, બબ્બે પર્વ આંગણે આવી ઊભાં છે. રોજબરોજની રૂટિન ભૂલીને બે ઘડી આનંદ કરી લેવાનો અવસર છે. પહેલું પર્વ છે વસંત પંચમીનું. શારદા પૂજનનું. ઉપવનો અને જંગલો નષ્ટ થવાથી મહાનગરના રહેવાસીઓને વસંતનાં પગલાં ન સંભળાયાં હોય એવું બન્યું હોઇ શકે. એ સિવાય મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ કેમ પૂછવું પડયું હશે, કહેવું પડે કવિ કોકિલાએ, કે પંચમી આવી વસંતની...

વસંત પંચમી વિદ્યાની દેવી સરસ્વતીની વંદનાનું પર્વ છે. અન્ય કવિની કલ્પના છે- શું કરું ને શું નહીં, એની સમજ પડતી નથી, હે શારદા, તારી કૃપા વિણ કલમ ઉપડતી નથી... સરસ્વતી વિદ્યાની દેવી છે. કોઇ પણ વિદ્યાશાખા એ પુસ્તકિયું કે ગોખેલું જ્ઞાન નથી. 

આપણે ત્યાં મોટા ભાગની વિદ્યા ગુરુમુખ વિદ્યા હતી. ઉપનિષદ શબ્દનો અર્થ જ એ છે- ગુરુ ચરણે બેસીને પ્રાપ્ત કરવું. એટલે જ વડીલો કહેતા, ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. 

સ્કૂલ-કોલેજમાં જતા વિદ્યાર્થી પૂરતી આ વાત મર્યાદિત નથી. જીવનની દરેક પ્રવૃત્તિ કંઇક નવું શીખવે છે. શીખનારમાં સાચું કુતૂહલ હોય, નવું કશુંક પામવાની ઉત્કંઠા હોય તો ડગલે ને પગલે કંઇક શીખી શકે છે. આજે તો ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઇ છે કે આગલે દિવસે શીખેલું બીજે દિવસે આઉટ-ઓફ-ડેટ થઇ જાય. સતત જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી રહી છે. સમયની સાથે માણસે વહેતા રહેવાનું છે. નવું આત્મસાત કરવાનું છે. એનો અર્થ એ પણ ન કરવો કે જૂનું બધું ભૂલી જવાનું છે.   

વસંત પંચમીનો મર્મ જ એ છે. 

કવિવર રવીન્દ્રનાથ ઠાકુર કહેતા કે જીવનના અંતિમ શ્વાસ સુધી માણસે કંઇક  શીખતાં રહેવું જોઇએ. જે દિવસે માણસમાં રહેલી વિદ્યાર્થીવૃત્તિ મરી પરવારે ત્યારે એ માણસ યંત્ર જેવો બની જાય છે. એનામાં કંઇક કરવાનો તરવરાટ રહેતો નથી. યંત્રવત્ જીવ્યે જાય છે. 

સવારે ઊઠયા, નાહ્યા-ધોયા, ચા-નાસ્તો કર્યો, કામ ધંધે ગયા, સાંજે પાછા ઘેર આવ્યા, જમ્યા, ટેલિવિઝન પર ધૂળ જેવી કોઇ સિરિયલ જોઇ, સુઇ ગયા. વાત પૂરી. આવો માણસ વસંત પંચમી ઊજવે તોય શું અને ન ઊજવે તો ય શું!

બીજું પર્વ એટલે વેલેન્ટાઇન ડે. સંત વેલેન્ટાઇન ફિસ્ટ તરીકે વિદેશોમાં ઊજવાતું આ પર્વ આપણે પણ છેલ્લાં ઘણાં વરસોથી ઊજવતા થયા છીએ. પ્રેમીજનો માટેનું આ પર્વ છે. પ્રેમ એટલે વિજાતીય આકર્ષણ નહીં. પ્રેમ એટલે એકબીજા માટે ખપી જવાની ફનાગીરી. સમર્પણની તૈયારી હોય તો પ્રેમ ફળે. સોહની મહિવાલ કે લયલા મજનુ જેવી પ્રેમકથાઓ આ વાતને પુરવાર કરે છે. ઇતિહાસમાં પણ કેટલીક એવી સરસ કથાઓ છે.

 સેંકડો રાજાઓ વચ્ચેથી પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાને હરી ગયો હતો. મૂળ વાત પ્રેમની છે. એને વિદેશી દેખાદેખી માની લેવાની જરૂર નથી. વર્ષમાં એકવાર પ્રેમનો ઉત્સવ ઊજવાય એમાં કશું ખોટું નહીં.

જોકે ચોખલિયાઓ અને પોતાને હિન્દુવાદી ગણાવતા કેટલાક દોઢડાહ્યા છેલ્લાં થોડાં વરસોથી આ પર્વની ઊજવણીનો વિરોધ કરતા રહ્યા છે. એવા લોકોને યાદ કરાવવું જોઇએ કે વિશ્વનો પહેલો પ્રેમપત્ર ભારતમાં લખાયો હતો.

 રુક્ષ્મણીએ ભગવાન કૃષ્ણને પ્રેમપત્ર લખ્યો હતો કે મારો ભાઇ રુક્મિ મને મારી ઇચ્છા વિરુદ્ધ (શિશુપાલ સાથે) પરણાવી દેવા માગે છે. હું તનમનથી તમને વરી ચૂકી છું. મારું અપહરણ કરી જાઓ. કૃષ્ણ બેધડક રુકિમની હાજરીમાં રુક્ષ્મણીને હરી ગયા હતા. પાછળ રુકિમ હોકારા પડકારા કરતો ધસી આવતો હતો. જેવો હતો તેવો પણ પોતાનો સાળો થવાનો હતો એટલે કૃષ્ણે એને જવા દીધો, નહીંતર રુકિમ જીવતો પાછો ન ફરી શક્યો હોત.

શરીરથી તમે ભલે યુવાન ન હો, મનથી યુવાન હો તો આ બંને પર્વ ઉમળકાથી ઊજવજો. ગમતાંનો કરીએ ગુલાલ!

Gujarat