FOLLOW US

અકળ મતદારોએ જબરદસ્ત આંચકો આપ્યો...

Updated: Dec 13th, 2022


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

એક્ઝિટ પોલની આગાહીઓ અને જ્યોતિષીઓના વર્તારાને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દે એ રીતે ફરી એકવાર મતદારોનું અકળ મન વિજેતા નીવડયું. એક અખબાર સમૂહે તો ભાજપને માત્ર ૯૦થી ૧૨૦ બેઠકોનો વર્તારો પ્રગટ કર્યો હતો. વાસ્તવમાં ફક્ત ગુજરાતના નહીં, સમગ્ર દેશના મતદારો કાયમ અકળ રહ્યા છે. ૧૯૭૫ના જૂનમાં ત્યારનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી ૧૯૭૭માં એમના જ ગુપ્તચરોએ ચૂંટણી કરવાની સલાહ આપી હતી. એ સલાહ માનીને કોંગ્રેસે ચૂંટણી યોજી. એ ચૂંટણીમાં ઇંદિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષ હાર્યો હતો. 

મતદારોના મનને સમજવાની કોઇ રાજકીય સમીક્ષકની ક્ષમતા હોતી નથી. મોટે ભાગે ટીવી ચેનલો પર બોલનારા વક્તાઓ બહુ ચબરાક હોય છે. આમ પણ થઇ શકે અને આમ પણ થઇ શકે એવી ગોળ ગોળ વાતો કરીને છટકી જતાં હોય છે. ગુજરાતની ચૂંટણીમાં શાસક પક્ષને પ્રચંડ બહુમતી આપનારા મતદારોએ હિમાચલ પ્રદેશમાં એટલી જ નિષ્પક્ષતાથી શાસક પક્ષને ઘેર બેસાડી દીધો. એવી જ સ્થિતિ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શાસક પક્ષની થઇ.

હવે એક મુદ્દાની વાત. ભાજપની નેતાગીરીએ બીજી હરોળના કાર્યક્ષમ નેતાઓની હરોળ તૈયાર કરવા માટે સંનિ પ્રયાસો આજથી જ શરૂ કરી દેવા જોઇએ. કોંગ્રેસ પક્ષની દુર્દશા પરથી અન્ય પક્ષોએ બોધપાઠ લેવાનો છે. કોંગ્રેસમાં છેલ્લાં ઘણા વરસોથી એવો ભ્રમ પ્રવર્તી રહ્યો હતો કે ગાંધી પરિવાર સિવાય કદી કોઇ ચૂંટણી જીતી શકાય નહીં. 

એ જ રીતે ભાજપ પાસે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જ અચૂક ચૂંટણી જીતાડી આપી શકે એવો ભ્રમ ઘર કરી જાય તો નવાઇ નહીં. અલબત્ત, યોગી આદિત્યનાથને પણ સબળ નેતા ગણી શકાય. પરંતુ માત્ર એકાદ બે નેતા પર આખા દેશની ચૂંટણી જીતવાનો આધાર રાખીને બેસી રહી શકાય નહીં. એટલા માટે પણ ભાજપે બીજી હરોળના શક્તિશાળી નેતાઓની એક ટુકડી તૈયાર કરવી જોઇએ. ગુજરાતીન ચૂંટણીમાં આમ આદમીને સ્પર્શે એવા મુદ્દા ઘણા હતા. મતદારોને ઉશ્કેરી શકે એવા વક્તાઓ પણ આપ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુન મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)માં હતા. પરંતુ પેલી લોકોક્તિ છેને, સુનો સબ કી, કરો અપને મન કી.  મતદારોએ સાંભળ્યા બધાને, સભાઓમાં ભીડ પણ જમાવી, તાળીઓ પણ પાડી. પરંતુ મત પોતાની રીતે આપ્યા. મતદારો જ ખરા વિજેતા છે એે પુરવાર  કરી આપ્યું. સૌથી વધુ કફોડી સ્થિતિ ભાજપના બળવાખોરોની થઇ. ચૂંટણી જીતી ન શક્યા અને બીજી બાજુ વડા પ્રધાનનો વિશ્વાસ પણ ગુમાવ્યો. ગોળા સંગાથે ગોફણ પણ જવા જેવો ઘાટ થયો.

સતત સાતમી વાર સત્તા પર આવનારો ભાજપ બીજો પક્ષ બન્યો. ૧૯૭૭માં એક તરફ ઇંદિરા ગાંઘી સંસદીય ચૂંટણીમાં પરાજિત થયાં ત્યારે બીજી તરફ  પશ્ચિમ બંગાળમાં ડાબેરી યુગ શરૂ થયો. જ્યોતિ બસુ મુખ્ય પ્રધાન બન્યા અને એક બે નહીં પૂરી પાંચ ટર્મ સુધી એટલે કે પચીસ વર્ષ સત્તા પર રહ્યા. ત્યાર બાદ બે ટર્મ સુધી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે સત્તા ભોગવી. આમ ડાબેરીઓએ પાંત્રીસ વર્ષ પશ્ચિમ બંગાળમાં પોતાની મોનોપોલી જાળવી રાખી. ત્યારબાદ મમતાએ ડાબેરીઓના ગઢના કાંગરા ખોરવી નાખ્યા.

આ વખતના ગુજરાતનાં ચૂંટણી પરિણામોએ લગભગ તમામ વિપક્ષોને ચોંકાવી દીધાં હશે. કોંગ્રેસનો તો શતમુખ વિનિપાત થયો છે. એ હજુ પણ ગાંધી પરિવારને પકડી રાખશે તો કદાચ નામશેષ થઇ જશે. હવે શું એવો વિચાર કરીએ તો મમતા બેનરજી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, લાલુ યાદવનાં સંતાનો, ફારુખ અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી વગેરે હાથ મિલાવવા તૈયાર થશે. અત્યારથી ૨૦૨૪ની સંસદીય ચૂંટણી માટે ગઠબંધન કરવાના પ્રયાસો કરશે. આમ તો લગભગ બધા વિરોધ પક્ષો એક વાતે સંમત રહ્યા છે કે મોદી હટાવ. પરંતુ ખાટલે મોટી ખોડ કે વગદાર કહી શકાય એવા દરેક વિપક્ષી નેતા પોતાને જ વડા પ્રધાનપદ માટે સૌથી વધુ યોગ્ય ગણે છે એટલે તેમનો સંઘ દ્વારકા અર્થાત્ નવી દિલ્હી  સુધી પહોંચતો નથી. સદભાગ્યે કે દુર્ભાગ્યે દેશમાં વડા પ્રધાન એક જ હોઇ શકે. બંધારણમાં એથી વધુ કોઇ સુવિધા હોત તો વિપક્ષો એક એક વર્ષ માટે વારાફરતી વડા પ્રધાનપદ ભોગવવા સંમત થઇ જાય ખરા.

Gujarat
News
News
News
Magazines