- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીત માટે વિશ્વવિખ્યાત ગણાતા પશ્ચિમ બંગાળમાં આખરે ભગવો લહેરાયો. છેક છેલ્લી ઘડી સુધી દેશ અને દુનિયામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વિશે ઉત્કટ ઉત્કંઠા હતી. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારથી પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોની તુલનાએ તદ્દન અલગ પ્રકારનું રાજકારણ જોવા મળેલું. ૧૯૪૭થી શરૂ કરીને સતત બે દાયકા સુધી એટલે કે ૧૯૬૭ સુધી અહીં કોંગ્રેસની સરકાર હતી. એ દરમિયાન એક તબક્કે ઇંદિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી આંતરિક કટોકટીનો નકશો ઘડનારા સિદ્ધાર્થ શંકર રેની સરકારે રાજ કર્યું. કટોકટી પછી કેન્દ્રમાં મોરારજી દેસાઇની જનતા સરકાર રચાઇ ત્યારે પશ્ચિમ બંગાળમાં ૧૯૭૭થી લગભગ એક દાયકો ગઠબંધનની સરકારો રચાઇ અને રાષ્ટ્રપતિ શાસન પણ જોવા મળ્યું. ત્યારબાદ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની સરકાર આવી. જ્યોતિ બસુની આ સરકાર ૧૯૭૭થી શરૂ કરીને છેક ૨૦૧૧ સુધી શાસન કરતી રહી.
આ સમયગાળામાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે તળિયેથી ટોચ સુધી અર્થાત્ ગ્રામ પંચાયતથી માંડીને રાજ્ય વિધાનસભા સુધી તમામ વહીવટી તંત્રમાં માથાભારે પરિબળો - સાચું પૂછો તો ગુંડા તત્ત્વોને ગોઠવી દીધા. પોલીસ તંત્ર, તાર-ટપાલ ખાતું, શિક્ષણ, કલાક્ષેત્ર- જ્યાં જુઓ ત્યાં ડાબેરી પરિબળોનું વર્ચસ્વ. આ સમયગાળામાં ઘણા વેપારી-ઉદ્યોગપતિઓએ બંગાળને કાયમ માટે રામ રામ કરી દીધા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની વગ દરેક ક્ષેત્રમાં એટલી સખત હતી કે પૂછો ન વાત.
એક તબક્કે એવું લાગતું હતું કે પશ્ચિમ બંગાળમાં હવે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ સિવાય કોઇ કદી સરકાર રચી નહીં શકે. એવા સમયે મમતા બેનરજીનો ઉદય થયો. ૨૦૧૧થી મમતા રાજ સ્થપાયું. શરૂઆતમાં એમણે એવી છાપ પાડી હતી કે એ ઉમદા વ્યક્તિ અને સક્ષમ વહીવટકર્તા છે. આરંભે મમતા પણ કોંગ્રેસ પક્ષમાં હતાં. બહુ જલદી એમનો કોંગ્રેસ વિશેનો ભ્રમ ભાંગી ગયો અને એમણે તૃણમૂલ કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો. મમતાએ પહેલી મુદતમાં સરસ કામ કર્યું, પરંતુ સમયના વહેવા સાથે એમને સમજાઇ ગયું કે લઘુમતી મતદારોને હાથમાં રાખવાથી પોતાને લાભ છે. લઘુમતી મતદારો પોતાને વિધાનસભાની ચૂંટણીમાં સહેલાઇથી વિજેતા બનાવી શકે છે.
મમતાએ બાંગ્લાદેશી અને મ્યાંમારથી આવતા કહેવાતાં નિરાશ્રિત લઘુમતી જૂથોને પંપાળવાનું શરૂ કર્યું. જોતજોતાંમાં સમગ્ર રાજ્યમાં લઘુમતી માથાભારે પરિબળોની ધાક વધવા માંડી. હિન્દુ પરિવારો પર અત્યાચારો થવા માંડયા. હિન્દુ યુવતીઓ પર ગેંગરેપના કિસ્સા વધતા ચાલ્યા. સંદેશખલી વિસ્તારમાં બળાત્કારોનો ઘટનાક્રમ અને ત્યારબાદ કાર હોસ્પિટલની તબીબી વિદ્યાથની પર ગેંગરેપ અને હત્યાની ઘટના બની. બહુમતી હિન્દુઓ પરના અત્યાચારોની એ પરાકાષ્ઠા હતી. અપરાધીઓ સામે કડક હાથે પગલાં લેવાને બદલે મમતાએ તદ્દન નિષ્ઠુરપણે એવી જાહેરાત કરી કે યુવતીઓએ સાંજે અમુક સમય પછી બહાર નીકળવું ન જોઇએ.
આ સંજોગોમાં ભાજપ જેમ જેમ વિસ્તરતો ચાલ્યો તેમ તેમ મમતા વિફરતાં ગયાં. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કર્યો એટલે મમતાની ડાગળી ચસકી. ભાજપના કાર્યકરો તથા નેતાઓની હત્યાઓ થવા માંડી. મમતા પોતાના અપરાધી સાથીદારો પર મુસ્તાક હતાં. જોકે લોકો હવે સમજી ગયા હતા કે લાંબો સમય મમતા સત્તા પર રહેશે તો હિન્દુ પરિવારોએ કાયમ માટે પશ્ચિમ બંગાળ ગુમાવી દેવું પડશે. એવા સમયે ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી આવી. મતદારોએ મમતાને દરવાજો દેખાડી દીધો. ગ્રેસફૂલી ચૂંટણી પરિણામો સ્વીકારીને મમતાએ રાજીનામું આપી દેવાની જરૂર હતી. એને બદલે અહંકારી મમતાએ એવી જાહેરાત કરેલી કે હું રાજીનામું નહીં આપું. એમણે કોઇ મોટી ધાડ મારી હોય એવું દેખાડતાં સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે કોલકાતા જઇને મમતાને શાલ ઓઢાડીને પોતે હાંસીપાત્ર ઠર્યા. આપણામાં કહે છે, વાર્યા ન વળેરે. વિધાનસભાની મુદત પૂરી થઇ ગયેલી એટલે રાજીનામાં વગર પણ મમતા કોડીનાં થઇ ગયાં. સડક પર આવી ગયાં. અત્યારે તો એમની રાજકીય કારકિર્દી અસ્તાચળે ગયેલી જણાય છે. કલ કી કિસકો ખબર!


