દેશો એકબીજાને ગળી જવા માગે છેઃ શાંતિ કોઈને ખપતી નથી
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- લોકમાતાઓ વિફરી છે, પણ સામાન્ય માણસને સવાર-સાંજ સમયસર દાલ-રોટી મળી રહે એમાં રસ છે
અય લોરેન્સ, કમ ઓવર હીયર... એક બુલંદ કંઠે બૂમ પડી. આ બૂમમાં એવી શક્તિ હતી કે પસાર થઇ રહેલા ઘણા યાત્રાળુ ચમકી ગયા. આશરે છ ફૂટ બે ઇંચ લાંબી, કસેલી કદાવર કાયા, કંકુવરણી રતુમડી આંખો, કમરથી પણ નીચે સુધી પહોંચતા લાંબા જટાના શ્વેત વાળ, છાતી સુધી લંબાયેલાં એવાંજ શ્વેત દાઢી-મૂછ... વ્યાઘ્રચર્મ પર બેઠેલા એ તાંત્રિક કે કાપાલિકના અવાજમાં એવું કંઇક હતું કે જે બાજુમાંથી પસાર થનારા વશ થઈ જાય. જેના નામે બૂમ પડી હતી એ લોરેન્સ (નામ બદલ્યું છે) એક અમેરિકન પત્રકાર હતો.
વાત આ વર્ષના જાન્યુઆરીના ઉત્તરાર્ધની છે. અલાહાબાદ કહેતાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો હતો. દુનિયાભરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો આ મહાકુંભમાં હાજરી આપવા આવ્યા હતા. દરેક પત્રકારને બીજા કરતાં કંઇક જુદા અનુભવની અપેક્ષા હતી. આ લેખક પણ ત્યાં હાજર હતો. રોજ લાખો લોકોની અવરજવર હતી. દશનામ સાધુ સંપ્રદાય ઉપરાંત વિવિધ અખાડાના સાધુ-સંતો-સિદ્ધ પુરુષો પોતપોતાની છાવણી નાખીને બિરાજમાન હતા.
લોરેન્સ નામનો એ પત્રકાર પોતાને બોલાવનારા સાધુ પાસે ગયો. એના ચહેરા પર વિસ્મય હતું. આ સાધુ મારું નામ શી રીતે જાણી ગયા? સાધુની સામે ધૂણી ધખતી હતી. થોડી થોડી વારે સાધુ એમાં કોઇ સુગંધી પદાર્થ નાખી રહ્યા હતા. સાધુએ આંગળીના ઇશારે એ પત્રકારને બેસવાનું કહ્યું. ઘડીક વિચારીને પેલો સાધુ પાસે બેઠો. સાધુનો કોઇ ચેલો લોરેન્સને એક પ્યાલામાં મસાલા દૂધ આપી ગયો. પ્રસાદ હૈ, લે લો, સાધુએ આદેશ આપ્યો. થોડી ઇધર ઉધર કી વાતચીત પછી અચાનક સાધુએ કહ્યું, તુમ્હારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કા દિમાગ ખરાબ હો ગયા હૈ, વો ખૂદ ભી ડૂબેગા ઔર પૂરે મુલ્ક કો ભી ડૂબાયેગા... લોરેન્સ નામનો એ પત્રકાર ચોંકી ઊઠયો. સાધુ આ શું કહી રહ્યા હતા? અમેરિકી પત્રકાર સામે અસ્ખલિત અંગ્રેજીમાં બોલી રહેલા એ સાધુના કથનનો સાર એટલો જ હતો કે ટ્રમ્પ અમેરિકાને બરબાદ કરી નાખશે.
એક સમય હતો જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય માટે કહેવાતું કે સન નેવર સેટ્સ ઇન ધ બ્રિટિશ એમ્પાયર... (બ્રિટિશ સામ્રાજ્યમાં કદી સૂર્યાસ્ત થતો નથી). આજે બ્રિટિશ સામ્રાજ્ય ગોત્યું જડતું નથી. એ પછી અમેરિકા અને રશિયા મહાસત્તા ગણાતા રહ્યા. રશિયાનું વિસર્જન થયું. આજે ટ્રમ્પ ફરી દુનિયા પર રાજ કરવાના અભરખા સેવે છે. ફલાણા દેશ પર આટલા ટકા ટેરિફ અને ઢીંકણા દેશ પર આટલા ટકા ટેરિફ... નાનકડા દેશોને દબાવવા અને મોટા દેશો સામે મૌન સેવવું એ ટ્રમ્પની ગેમ છે.
પ્રયાગરાજમાં અમેરિકી પત્રકાર સમક્ષ સાધુએ ભવિષ્યવાણી ભાખી એ પહેલાં આંતરરાષ્ટ્રીય કક્ષાના જ્યોતિષીઓએ પણ એવી આગાહી કરી હતી કે ટ્રમ્પ અમેરિકાને કળ ન વળે એટલું નુકસાન કરી નાખશે. રશિયાની જેમ અમેરિકાની વગ પણ ઘટી જશે અને ચીન મહાસત્તા થશે. જોકે જ્યોતિષી-ભુવાની આગાહી અને સાધુસંતોની વાણી વચ્ચે આસમાન-જમીનનો ફરક હોય છે. માનવું ન માનવું દરેકની પોતાની મરજી. એક વાત નક્કી કે ટ્રમ્પની ડાગળી ચસકી હોય એવું છેલ્લા થોડા સમયથી એનાં વાણી-વર્તનમાં જોવા મળ્યું છે. એનાં વાણી-વર્તનમાં ક્યાંય લોજિક (તર્કશાસ્ત્ર) કે વિઝન (દૂરંદેશિતા) જોવા નથી મળ્યાં. અમેરિકાને ટ્રમ્પ શાસનથી કેટલા લાભહાનિ થાય છે એ તો આવનારો સમય કહેશે.
અત્યારે સમય ઘણો નાજુક છે. ઇઝરાયેલ કોઇ પણ ભોગે પેલેસ્ટાઇનને ખતમ કરવા માગે છે. રશિયાને યુક્રેન કબજે કરવું છે. પાકિસ્તાનમાં છૂપાઇ બેઠેલા આતંકવાદી આગેવાન હાફિઝ સૈયદને ભારતમાં ગઝવા-એ-હિંદ સર્જવું છે. ચીન તાઇવાનને ગળી જવા માગે છે. આ બધી લમણાફોડમાં કોઇને શાંતિ ખપતી નથી. કુદરત પણ રૂઠી હોય એમ અમેરિકા અને ફ્રાન્સનાં જંગલોમાં ભીષણ દાવાનળ ફાટી નીકળ્યો છે. ભારતમાં ઠેર ઠેર ભયાનક પૂર આવ્યાં છે, ભેખડો ધસી પડે છે. લોકમાતાઓ વિફરી છે. સામાન્ય માણસને આ બધાંમાં રસ નથી. એને સવારસાંજ સમયસર દાલ-રોટી મળી રહે એમાં રસ છે.