For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્સવોની ઊજવણી કરવાના આવેશમાં પણ સારાસારનો વિવેક જરૂરી છે

Updated: Jan 9th, 2023

Article Content Image

- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

છેલ્લા થોડા દિવસથી અખબારોમાં સતત એવા સમાચાર પ્રગટ થતા રહ્યા છે કે કાચની લૂગદી પાયેલા ચાઇનીઝ (દોરા) માંજાને કારણે ગળું કપાઇ જતાં અમુક તમુક વ્યક્તિનું મરણ થયું. આવી ઘટના એકલદોકલ નથી. ગુજરાતની વડી અદાલતે આ મુદ્દે રાજ્ય સરકારનો ખુલાસો પણ માગ્યો. ઉત્તરાયણ દરેક વ્યક્તિ માટે ખુશીનો અને ઊજવણીનો અવસર છે. ઉત્સવ ઊજવવાનો દરેકને અધિકાર છે. સાથોસાથ પોતાની ઊજવણીથી અન્ય કોઇને નુકસાન ન થાય એ જોવાની દરેકની કાયદેસરની ફરજ પણ છે. છેલ્લાં થોડાં વરસથી ઉત્સવોની ઊજવણીમાં જાનહાનિ થવાની ઘટનાઓ વધતી રહી છે.

ચીન આપણી સાથે અવળચંડાઇ કરતું હોય ત્યારે ચીની બનાવટના ફટાકડા ફોડવા કે ચીની દોરા વડે પતંગો ચગાવવી એ પણ એક પ્રકારનો દેશદ્રોહ ગણાય. દેશદ્રોહ શબ્દ થોડો ભારે છે, પરંતુ એ વાપરવાની ફરજ પડે એવી ઘટનાઓ વધી રહી છે. આ વાત માત્ર મકર સંક્રાંતિ પૂરતી મર્યાદિત નથી. એક કરતાં વધુ ઉત્સવોમાં આવું બનતું રહ્યું છે. એવા બે ચાર દાખલા ખૂબ જાણીતા છે. દિવાળીમાં ચીની ફટાકડા ફોડવાના ઉત્સાહમાં ક્યાંક આગ લાગે છે તો ક્યાંક ફોડનાર પોતે કે એ ઊજવણી માણનાર અન્ય કોઇ દાઝી જાય છે. ક્યારેક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ કે વડીલોને ડિસ્ટર્બ થાય એ રીતે ફટાકડા ફોડવાની ઘટના બને છે.

ઉત્સાહના અતિરેકનો બીજો દાખલો જન્માષ્ટમીનો છે. મૂળ જે પ્રકારની ઊજવણી મહારાષ્ટ્રમાં થતી એ રીતે હવે ઠેકઠેકાણે ગોવિંદા અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજાય છે. એ પ્રસંગે પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે સરેરાશ સાત આઠ ટીનેજર્સ જાન ગુમાવે છે. મહારાષ્ટ્રમાં કેટલેક સ્થળે બળદગાડાંની રેસ યોજાય ત્યારે પણ બે ચાર અકસ્માત અચૂક થાય છે અને સ્પર્ધકો જાન ગુમાવે છે.

બીજા બે પ્રસંગો પણ ધાર્મિક ઊજવણીના છે. દર વરસે ભાદરવામાં ધામધૂમથી ગણેશોત્સવ ઊજવાય છે. મોટા મોટા મંડપો અને સંગીત-નૃત્ય સાથે આ ઉત્સવ રંગ જમાવે છે, પરંતુ ગણેશ વિસર્જન ટાણે લગભગ દરેક રાજ્યમાં બે ચાર તરુણો નદી-સરોવર કે દરિયામાં ડૂબી જાય છે. એવું જ ગુજરાત-રાજસ્થાનમાં દશામાની પ્રતિમાના વિસર્જન ટાણે થાય છે. જે તરુણો જાન ગુમાવે છે એમના પરિવારની સ્થિતિ કેવી થતી હશે એની કલ્પના કરવા જેવી છે. ખાસ કરીને એકનો એક પુત્ર હોય અને એ આવી દુર્ઘટનામાં ખપી જાય ત્યારે ઉત્સવ આક્રંદમાં પલટાઇ જાય. હકીકત એ છે કે ઊજવણીની સાથોસાથ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવી ઘટે જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને.

ઉત્તર ભારતમાં હોળીની ઊજવણીના નામે જૂના વેરઝેર જાગ્રત થાય છે અને બદલો લેવાની ભાવનાને કારણે જીવલેણ હુમલા થાય છે. ભાંગ પીને ગાળાગાળીથી શરૂ થાય છે. ત્યારબાદ એકબીજા પર સશસ્ત્ર હુમલા થાય છે. ઉત્સવ ઉત્સવના ઠેકાણે રહે છે અને કરુણ ઘટના સર્જાય છે. કેટલેક સ્થળે રાસાયણિક રંગોને કારણે થતી ઉજવણી સંબંધિતોને તબીબી સારવાર લેવાની ફરજ પાડે છે.

દરેક રાજ્ય અને દરેક જ્ઞાાતિ-જાતિના પોતાના ઉત્સવ છે. કેટલાક ઉત્સવો રાષ્ટ્રીય બની ચૂક્યા છે. એની ઊજવણી કરવા મહિનાઓ અગાઉથી જોરદાર તૈયારીઓ ચાલતી હોય છે.ઉત્સવ ઊજવવાના ઉત્સાહનો અતિરેક થાય ત્યારે ન બનવાનું બની જાય છે. થોડો સમય મિડિયા દેકારો મચાવે છે. પછી આખી વાતને ભૂલી જવામાં આવે છે. વરસોવરસ આવું બનતું રહે છે. ટોળાવાદને કારણે સતત દુર્ઘટનાઓ થતી રહે છે. આપણે જાગતાં નથી.

બરાબર ચાર દિવસ પછી ઉત્તરાયણ છે. પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડીને ઢગલાબંધ ચાઇનીઝ દોરાના બંડલો કબજે કર્યા છે. ખરેખર તો આ બાબતમાં પોલીસ કે સરકારની દરમિયાનગીરીની જરૂર નથી. આપણામાં સહેજ પણ દેશદાઝ હોય તો ચાઇનીઝ દોરા વિના પણ પતંગ ચગાવી શકાય છે. જીવલેણ ચાઇનીઝ દોરાની શી જરૂર છે? દેશી દોરાથી પણ પતંગ ચગાવી શકાય. આ આપણા સૌની સહિયારી જવાબદારી છે. થોડામાં કહ્યું છે, ઝાઝું સમજીને વાંચજો અને વિચારજો.


Gujarat