- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
આપણે ઘેર રોજ આવતાં અખબારોમાં અઠવાડિયે બે ત્રણવાર અખબાર સાથે ફરફરિયાં, ચોપાનિયાં પણ આવે છે. એવા મોટા ભાગનાં ચોપાનિયાં જે તે કોચિંગ ક્લાસના કે અમુક તમુક સ્કૂલનાં હોય છે. અમારે ત્યાં ટયુશન લેનારાં બાળકો ૯૮થી ૯૯ ટકા માર્ક્સ લાવે છે એવો દાવો મોટા ભાગના કોચિંગ ક્લાસનો હોય છે. જો કે ઘણીવાર ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો પણ ૯૮ ટકા ગુણ લાવે છે એટલે માર્ક્સની ટકાવારી કોઇ ક્લાસની શ્રેષ્ઠતા સાબિત કરતા નથી. વાસ્તવમાં આ કોચિંગ ક્લાસ આજે એક ખાસ્સો મોટો ઉદ્યોગ બની ગયો છે. એક અંદાજ મુજબ દેશનો કોચિંગ ઉદ્યોગ વરસે ૬૦,૦૦૦ કરોડનું ટર્ન ઓવર કરે છે. આ આંકડો ફરી વાંચો. ૬૦,૦૦૦ કરોડનું ટર્ન ઓવર.
આમ થવાનાં બે કારણો ગણી શકાય. જે તે સ્કૂલમાં પૂરેપૂરી નિષ્ઠાથી ભણાવવામાં આવતું નથી એ એક કારણ, બીજુ્ં કારણ જી, નીટ, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ સારો દેખાવ કરવા માટે ટયુશન લેવું જરૂરી છે એવી માબાપોમાં પ્રવર્તતી ગેરસમજ. કેટલીક સ્કૂલોમાં શિક્ષકો પૂરેપૂરી સમર્પિતતાથી ભણાવતા નથી. પોતાની આવડત અને લોકપ્રિયતા વટાવી ખાવા પ્રાઇવેટ ક્લાસ શરૂ કરીને ધૂમ કમાણી કરે છે. કેટલીકવાર સ્કૂલનો પણ આવા પ્રાઇવેટ ક્લાસમાં ભાગ હોય છે. જેમ યુનિફોર્મ, પાઠયપુસ્તકો અને પગરખાં અમુકજ દુકાનેથી લેવા એવો આગ્રહ સ્કૂલો રાખે તેમ અમુક શિક્ષકો સ્કૂલનાં બાળકોને કહે કે સારા માર્ક્સ લાવવા હોય તો ફલાણા સરના ક્લાસમાં જાઓ. એ તમને વધુ માર્ગદર્શન આપશે. એકલા અમદાવાદમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કોચિંગ ક્લાસીસ કરે છે. ભાવિ પેઢીના સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે ગુજરાત રાજ્યમાં કોચિંગ ક્લાસ રજિસ્ટર કરાવવાનું કાયદેસર રીતે ફરજિયાત નથી.
આ બધી વાતો અત્યારે યાદ આવવાનું કારણ બિહારના પાટનગર પટણામાં બનેલી હિંસક ઘટના છે. પટણામાં એક અંદાજ મુજબ ત્રણ હજારથી વધુ કોચિંગ ક્લાસીસ છે. એવા બે ક્લાસીસ ખાન સર અને રોશન સર વચ્ચે તાજેતરમાં જોરદાર અથડામણ થઇ ગઇ. અથડામણ વિશે જાતજાતની વાતો થાય છે. એક વર્ઝન મુજબ ખાન સરની લોકપ્રિયતા જોઇને રોશન સરના વિદ્યાર્થીઓએ ખાન સરના ક્લાસ પર હિંસક હુમલો કર્યો. સૌથી વધુ આઘાતજનક વાત હવે આવે છે. ખાન સરના ક્લાસની બહાર બે હથિયારધારી ચોકીદારો હોય છે. એમાંના એક ચોકીદાર પર કહેવાતો હિંસક હુમલો થતાં એ ચોકીદારે પોતાની પાસેની ગનમાંથી ત્રણ ચાર ફાયરીંગ હવામાં કર્યા. દેખીતી રીતે જ ચારેબાજુ ખળભળાટ થઇ ગયો. કોચિંગ ક્લાસના દરવાજે ગોળીબાર?
પોલીસે ચોકીદારની ધરપકડ કરી તેમ ખાન સરની પણ ધરપકડ કરી. ખાન સરે કરેલી ફરિયાદના આધારે પોલીસે રોશન સરની ધરપકડ કરી એ સાથેજ વિદ્યાર્થીઓ સડક પર આવી ગયા અને રોશન સરને છોડી દેવાની માગણી કરી. વિદ્યાર્થીઓ આક્રમક થઇ ગયા. બની શકે કે સત્ય આ બંને સરને બદલે ત્રીજે ક્યાંય છૂપાયેલું હોય. પણ કોચિંગ ક્લાસીસ વચ્ચેની સ્પર્ધા એટલી હદે વધી ગઇ કે ક્લાસના સંચાલકે હથિયારધારી ચોકીદાર રાખવા પડે? જો કે ઉત્તર ભારતમાં મોટાભાગનાં રાજ્યોમાં કેળવણીનું સ્તર સાવ ખાડે ગયેલું છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતેજ હથિયાર લઇને આવતાં હોય છે. પરીક્ષકો કે સુપરવાઇઝર ચૂં કે ચાં કરી શકતા નથી. પરીક્ષામાં થતી ચોરી વિશે તસવીરો સહિત અહેવાલો પ્રગટ થતા રહ્યા છે. પરંતુ તેથી કોઇ ફરક પડયો જણાતો નથી.
ક્યારેક વિચાર કરવો ઘટે કે ટયુશન ક્લાસીસ કે કોચિંગ ક્લાસીસની ખરેખર જરૂર છે ખરી? આજનું શિક્ષણ ખૂબ મોંઘું અને બાળકની કમર ભાંગી નાખે એટલું ભારદસ્ત બની ગયું છે. મોંઘવારીને પહોંચી વળવા પતિપત્ની બંને કામ કરતાં હોય અને ઘરમાં દાદા-દાદી ન હોય ત્યારે બાળકને એના અભ્યાસમાં મદદ કરનાર કોણ એવો પણ સવાલ થાય. સંજોગવશાત્ માબાપે પેટ પર પાટા બાંધીને બાળકને ટયુશન ક્લાસમાં મોકલવું પડે. એ સંજોગોનો લાભ લેવા કોચિંગ ક્લાસના સંચાલકો કેટલીકવાર એક દસ બાય દસના ઓરડામાં વીસ પચીસ બાળકોને ખડકી દે છે. કોચિંગ ક્લાસ અંગે કોઇ ચોક્કસ ધારાધોરણ કે નિયમ તો નથી.
સંચાલકો વચ્ચે સ્પર્ધા વધે ત્યારે ખાન સર-રોશન સર જેવી ઘટનાઓ બને છે. એમાંય તાજેતરમાં એક કરતાં વધુ વખત નીટની પરીક્ષાના પેપર્સ ફૂટી જવાની બનેલી ઘટનાએ વિદ્યાર્થીઓને એક તરફ હતાશ (એક ટીનેજર બાળાએ આપઘાત કર્યો) અને બીજી તરફ આક્રમક બનાવી દે છે. આપણને ગમે કે ન ગમે, કોચિંગ ક્લાસ આજનું અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે.


