- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ગુજરાતી ભાષાનાં વરસો જૂનાં પાઠયપુસ્તકોમાં એક કાવ્ય ભણાવતા- 'સગાં દીઠાં મેં શાહ આલમના ભીખ માગતાં શેરીએ...' ગઇ કાલ સુધી જે નેતાના બિહારમાં ડંકા વાગતા હતા અને જે માણસ છાતી કાઢીને ચાલતો હતો એની આજે કેવી સ્થિતિ છે? વ્હીલચેર પર બેઠેલો એક ઉદાસ ચહેરો દૂર ક્ષિતિજમાં શૂન્ય દ્રષ્ટિએ નિહાળી રહ્યો છે. એણે કાવાદાવા કરીને ઊભો કરેલો પત્તાનો મહેલ છેલ્લી વિધાનસભા ચૂ્ંટણીએ ધરાશાયી કરી દીધો છે. યસ, આ વાત લાલુ યાદવની છે. કટોકટી કાળમાં ઇંદિરા ગાંધી અને એમના મહત્ત્વાકાંક્ષી પુત્ર સંજય ગાંધીએ સમગ્ર ઉત્તર ભારતમાં ''હમ દો હમારે દો'નો સખત હાથે અમલ કરાવ્યો હતો ત્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણની આંગળી ઝાલીને રાજકારણમાં આવેલા લાલુ યાદવે બાળકોની એક આખી ક્રિકેટ ટીમ ખડી કરી દીધેલી.
કેવો વટ હતો લાલુનો! પ્રિન્ટ મિડિયામાં લાલુ ગાય દોહતાં હોય એવી તસવીરો છપાતી, લાલુ ઓસરીમાં લોટો લઇને દાતણ કરતાં હોય એવો ફોટો પ્રગટ થતો હોય, લાલુ સાઇકલ ચલાવતાં હોય એવી તસવીરો પ્રગટ થતી. અરે, કોઇ ચાપલુસિયા કવિએ લાલુ ચાલીસા લખીને તાળીઓ પડાવેલી. અને આજે...
તાજેતરની બિહાર વિધાનસભાની ચૂંટણી પછી સૌથી વધુ અંગત નુકસાન લાલુ યાદવને થયું. એનો આખો પરિવાર વિખેરાઇ ગયો. પરિવારની એકતા પોકળ નીવડી. ઔર તો ઔર, લાલુ યાદવની બંને કિડની ફેલ થતાં એને પોતાની એક કિડની ભેટ આપનારી પુત્રી રોહિણી આચાર્યે માતાપિતાનું ઘર ત્યજી દીધું. એટલેથી અટકી નહી, 'હવે હું પોલિટિક્સમાં નહીં પડું' એવી જાહેરાત પણ કરી દીધી. રોહિણીના પગલે એની બહેનોએ પણ મહિયર ત્યજી દીધું. કટોકટી કાળમાં જન્મેલી એટલે જેનું નામ મીસાભારતી પાડેલું એ ડોક્ટર પુત્રી, રાગિણી, ચંદ્રા અને રાજલક્ષ્મીએ પણ ગૃહત્યાગ કર્યો.
આજે કારમી મોંઘવારી છે. નાના મોટા દરેકને દૈનિક જીવનમાં એક સાંધતાં તેર તૂટે એવું લાગે છે ત્યારે લાલુનો ઠાઠ જોવા જેવો હતો. સાત દીકરી અને બે દીકરા. દીકરાની વાત પહેલાં કરો તો તેજપ્રતાપ બારમી પાસ છે અને મુખ્ય પ્રધાન બનવાનાં સપનાં સેવતો તેજસ્વી દસમી ફેલ છે. દીકરીઓએ સરસ શિક્ષણ મેળવ્યું છે. બધા જમાઇઓ હાઇલી ક્વોલિફાઇડ છે. કોઇ ડોક્ટર, કોઇ એન્જિનીયર, કોઇ વકીલ. અત્યારે તો બધી દીકરીઓ પિયર છોડીને પોતપોતાને ઘેર ચાલી ગઇ છે. દીકરાઓ તો પહેલેથી જ ટેડા-મેડા રહ્યા છે. સીધી ચાલ ચાલવાનું એ બંનેને ફાવતું નથી.
પડે છે ત્યારે સઘળું પડે છે એમ કહેવાય છે. સંતાનો માબાપને રઝળતાં કરી રહ્યાં છે ત્યારે લાલુને પ્રાણપ્રિય એવો બંગલો ખાલી કરવાની નોટિસ આવી. આ બંગલામાં લાલુએ છેલ્લાં વીસ વરસથી અડ્ડો જમાવ્યો છે. આ બંગલો બિહારના મુખ્ય પ્રધાન માટે ફાળવવામાં આવ્યો છે. લાલુને ચારા કૌભાંડ અને અન્ય ગોટાળા માટે જેલમાં જવાનું આવ્યું ત્યારે બિહાર પોતાના બાપદાદાની જાગીર હોય એમ પત્ની રાબડીને મુખ્ય પ્રધાનપદ સોંપીને લાલુ જેલમાં ગયા. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી વિજેતા થયો એટલે રાજ્ય સરકારને ભાઇબાપા કરીને આ બંગલામાં પડયાપાથર્યા રહ્યા.
હવે બંગલો ખાલી કરવાનો આવ્યો ત્યારે પહેલાં તો લાલુ અને તેજસ્વીએ હુંકાર કર્યો કે આ બંગલો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નું વડું મથક છે. થાય તે કરી લો. અમે ખાલી નહીં કરીએ. નીતિશ કુમારે દેખીતી રીતે જ કેન્દ્રના ઇશારે લાલુને સાનમાં સમજાવી દીધું કે સીધી રીતે નહીં સમજો તો યોગીવાળી થશે.
યોગીવાળી એટલે? બુલડોઝર આવશે. બંગલો જમીનદોસ્ત કરી નાખશે. હવે લાલુ ગભરાયા. હવે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર તો નથી. કોંગ્રેસ પોતે મૃતઃપ્રાય છે. બુલડોઝર આવે તો તો લાલુના પરિવારની રહી સહી ઇજ્જત ધૂળમાં મળી જાય. એટલે હવે સામાન ફેરવવાની તૈયારી થઇ રહી છે. એક પણ દીકરીએ માતાપિતાને સંઘરવાની તૈયારી વિવેક ખાતર પણ કરી નથી. બાપાના અપલખણ આ બધીયે બરાબર જાણે છે. એટલે કોઇ જોખમ લેવા તૈયાર નથી. બિચારા લાલુ!


