For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પંચમહાભૂતના બનેલા શરીરના સ્વાસ્થ્ય પર ધરતીનું પણ મહામૂલું પ્રદાન છે...!

Updated: Aug 10th, 2021

Article Content Image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- ઘણા લોકો પશ્ચિમનું અનુકરણ કરીને ઘરમાં પણ સ્લીપર પહેરીને ફરે છે એટલે ધરતી સાથે સંપર્ક રહેતો નથી

અધ્યાત્મના અભ્યાસીઓ કહે છે કે શરીર પંચમહાભૂતનું બનેલું છે- ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. ધરતીના ણને આપણે સૌએ યાદ રાખવાની જરૂર છે. સાવ નાનકડા દાખલાથી શરૂ કરીએ.  રહેવા માટેનાં મકાનો, કારખાનાં, વાહન વ્યવહાર માટેની સડકો, વૃક્ષો વગેરે ધરતીનો એક હિસ્સો છે. આપણા પૂરતી વાત કરીએ તો દિવસભર પરિશ્રમ કરીને સાંજે થાકીને ચૂર થઇ જઇએ. રાત્રે પલંગ પર કે ભોંય પર ગાદલું નાખીને સુઇ જઇએ ત્યારે સૃષ્ટિની તમામ ઊર્જા આપણા થાકને દૂર કરીને બીજે દિવસે સવારે સ્ફૂત અને તાજગી સાથે ઊઠાડે છે.

ક્યારેક વિચારી જો જો. ટ્રેનમાં કે વિમાનમાં ઊંઘી જઇએ ત્યારે ઘરના ગાદલા પર સુતાં હોઇએ એવી તાજગીનો અનુભવ થતો નથી. અરે, ઘરમાં આરામ ખુરસી પર બપોરે એકાદ ઝોકું ખાઇએ ત્યારે પણ પરોઢિયા જેવી તાજગીનો અહેસાસ થતો નથી.

એનું એક કારણ એ કે ઘરમાં સુતાં હોઇએ ત્યારે ધરતી સાથે આપણા શરીરનું સંતુલન સધાય છે. અધ્યાત્મની ભાષામાં કહીએ તો સુઇ જાઓ ત્યારે અહંકારનું સંપૂર્ણ વિસર્જન થઇ જાય છે. ઊંઘ દરમિયાન આપણે પ્રકૃતિ સાથે એક થઇ જઇએ છીએ. બલ્ગેરિયાના એક વિજ્ઞાાની ડોક્ટર લોરેંઝોએે ઊંઘ વિશે અને એની શરીર પર થતી અસર વિશે સરસ સંશોધન કર્યું છે.

ખરી વાત હવે આવે છે. એક આંતરરાષ્ટ્રીય તબીબી પરિષદમાં ડોક્ટર લોરેંઝોને પૂછવામાં આવ્યું કે આ વિચાર તમને કેવી રીતે આવ્યો ? ડોક્ટર લોરેંઝોએ જવાબ આપ્યો કે ભારતીય યોગવિદ્યામાં આવતા 'શવાસન' પરથી મને આ વિચાર આવ્યો. શવાસન એટલે ધરતીને માનવ શરીરનું સંપૂર્ણ સમર્પણ. શરીરને એકદમ ઢીલું છોડીને શેતરંજી પર પડયા રહો. ગણતરીની સેકંડોમાં ઘસઘસાટ ઊંઘી જશો. અન્ય એક વિજ્ઞાાની ડોક્ટર રોબર્ટ પાવલીટા લોરેંઝો કરતાં પણ આગળ ગયા છે. હાઇપર ટેન્શન, સ્ટ્રેસ, હાઇ બ્લડ પ્રેસર વગેરે બીમારી ધરાવતા લોકોને એક તંદુરસ્ત ગાય પાસે લાવે છે. ગાયના ચાર પગ વચ્ચે બે ચાર દિવસ રોજ પાંચ પાંચ મિનિટ સુવડાવે છે. કોઇ દવા ઇંજેક્શન વિના લોકો સાજા થઇ જાય છે. ચોપગા જીવોનું ધરતી સાથેનું સંતુલન ચમત્કાર સર્જે છે. 

બગીચામાં ચાલવા જાઓ ત્યારે પણ ખુલ્લા પગે લીલોતરી પર ચાલવાનો અનેરો મહિમા છે. ઘણા લોકો પશ્ચિમનું અનુકરણ કરીને ઘરમાં પણ સ્લીપર પહેરીને ફરે છે એટલે ધરતી સાથે સંપર્ક રહેતો નથી. આપણે ત્યાં ગાયમાં ૩૩ કરોડ દેવીદેવતા હોવાની વાતો થાય છે પરંતુ ગાયોને રઝળતી મૂકી દેવાથી સડક પર ટ્રાફિક જામ કરે છે અથવા પેટ ભરવા ઊકરડા ચૂંથતી હોય છે.

મૂળ વાત ધરતી સાથેના સંબંધની હતી. અધ્યાત્મના અભ્યાસીઓ કહે છે કે ચોપગા જીવો અર્થાત્ પશુ પક્ષીઓનું ધરતી સાથેનું સંતુલન આજે પણ અકબંધ છે. માણસ બે પગ પર ટટાર ઊભો રહેતો થયો એટલે એનો બૌદ્ધિક વિકાસ ખૂબ થયો પરંતુ પ્રકૃતિ સાથેનો સહવાસ નામશેષ થઇ ગયો. માણસે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જોડવાની આજે સૌથી વધુ જરૂર છે. સ્વાધ્યાય પરિવારનાં બાળકોને એક સૂચના સાથે એક શ્લોક ખાસ શીખવવામાં આવે છે. સવારે પથારીમાંથી જમીન પર પગ મૂકતી વખતે એ શ્લોક બોલવાનો હોય છે, એનો સાર એટલો જ કે હે ધરતી માતા, મારા પગ વડે હું તમારા પર જાણ્યે અજાણ્યે પ્રહાર કરી રહ્યો છું, માટે મને માફ કરજો. એ શ્લોક આ રહ્યો-  સમુદ્રવસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદ: સ્પર્શં ક્ષમસ્વ મે...

ક્યારેક વિચારી જો જો. કુદરતે આપણને ઊંઘ નામનું એક અમોધ વરદાન તદ્દન મફત આપ્યું છે. કેટલાક સામ્યવાદી દેશોમાં વિરોધીઓને ઊંઘવા નહીં દેવાની સજા કરવામાં આવે છે. અત્યંત પાવરફૂલ સ્પોટ લાઇટનો પ્રકાશ રાત્રે એના પર છોડવામાં આવે છે. સતત ઘોંઘાટ કરવામાં આવે છે. ઠંડા પાણીની છાલક મારવામાં આવે છે. 

થોડા દિવસો સુધી ઊંઘવા ન મળે ત્યારે માણસના દિમાગની સમતુલા ખોરવાઇ જાય છે. એ પાગલ થઇ જાય છે. બીજી બાજુ આપણે રોજ મીઠ્ઠી નીંદર માણીને બીજી સવારે તાજામાજા થઇ જઇએ છીએ. એ માટે આપણે ધરતીમાતાના ઋણી છીએ.

Gujarat