પ્રચારને ધ્યાનમાં લીધા વિના અંતરાત્માને પૂછીને મતદાન કરવું


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષના પ્રચાર પડઘમ જોરશોરથી ગાજી રહ્યાં છે. આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે અને જ્યોતિષીઓ એવો દાવો કરે છે કે આ ગ્રહણ બહુ અશુભ પરિણામો સર્જશે. કુદરતી આપત્તિઓ આવશે, સત્તા પરિવર્તનનો યોગ છે અને આમ આદમી હેરાન પરેશાન થઇ જાય એવી પરિસ્થિતિ સર્જાશે. જ્યોતિષીઓ દરેક વખતે એકસો ટકા સાચા પડતા નથી એવો આપણા સૌનો અનુભવ છે. વડીલો તો કહે છે કે ભગવાન રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત ભગવાન વશિે પોતે કાઢયું હતું અને છતાં ભગવાન રામને ચૌદ વર્ષ વનવાસ વેઠવાનો યોગ સર્જાયો હતો. એ પછી એવું કાવ્ય રચાયું કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે...

દરમિયાન, પ્રસાર માધ્યમો અને સોશિયલ મિડિયા પર જાતજાતના સંદેશા વહેતા થયા છે. એમાં એક સંદેશો ખાસ ધ્યાન ખેંચે એવો છે. કપાળે આઠ આની (પચાસ પૈસા) જેવડો લાલ ચાંલ્લો અને ગળે સોનાનું મંગળસૂત્ર પહેરેલી એક મહિલા પોતાને દિલ્હીવાસી ગણાવે છે. આ બહેને પોતાની વિડિયો ક્લિપમાં કોઇ પક્ષ કે નેતાનું નામ લીધા વિના એક જાહેર અપીલ કરી છે. બહેન કહે છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતના કરોડો મતદારોને મારે એક જ વિનંતી કરવી છે. દરેક ઉમેદવાર દ્વારા અપાતાં વચનોને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખજો. એટલે કે વચનોને નર્યો વાણીવિલાસ ગણી લેજો, કારણ કે વચન આપ્યા પછી કોઇ કહેતાં કોઇ ઉમેદવાર એનું પાલન કરતો નથી. 'અમે અત્યારે નર્ક જેવી સ્થિતિમાં દેશના પાટનગર દિલ્હીમાં રહીએ છીએ. અમને આપવામાં આવેલા એક પણ વચનનું પાલન રાજ્ય સરકારે કર્યું નથી. હું કોઇ પક્ષની સમર્થક કે ટેકેદાર નથી, પણ અમારા પર અત્યારે જે વીતી રહી છે એને લઇને હિમાચલ પ્રદેશ અને ગુજરાતના મતદારોને સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છું કે મત આપતાં પહેલાં એકસો વખત વિચાર કરજો. એકવાર મત આપી દીધો પછી પસ્તાવાનો કોઇ અર્થ નહીં રહે....'

દેશ અને દુનિયાના મિડિયામાં રોજેરોજ સમાચાર આવે છે કે દેશનાં તમામ શહેરોમાં દિલ્હી અત્યારૈ સૌથી વધુ પ્રદૂષિત છે. લોકો શ્વાસમાં ઝેરી હવા લઇ રહ્યા છે અને જતે દિવસે કેન્સર જેવા કેસ વઘી જાય તો નવાઇ નહીં.

છેલ્લા થોડા સમયથી રેવડી શબ્દ ખૂબ વપરાતો થયો છે. ચૂંટણી લડી રહેલો ઉમેદવાર જે રેવડીની લાલચ આપે છે એ ખરેખર આકર્ષક હોય છે. હું તમને મફત વીજળી આપીશ, હું તમને મફત પીવાયોગ્ય પાણી આપીશ, હું તમને ફલાણું મફત આપીશ અને ઢીંકણું મફત આપીશ એવી રેવડીની લ્હાણી અત્યારે બેફામ થઇ રહી છે. ચૂંટણી પક્ષ નહોર વિનાના વાઘ જેવું છે. કશું નક્કર કરી શકે એમ નથી. વાસ્તવમાં જાગૃત નાગરિકોએ ઉમેદવારને પૂછવું જોઇએ કે તમે આ બધું મફત આપવાનું વચન આપો છો એે સારી વાત છે, પરંતુ તમે કેવી રીતે આ બધું મફત આપશો એ પણ જરા સ્પષ્ટ કરો તો સારું. તમારી પાસે એવું કયું સાધન છે જેના દ્વારા તમે આ બધું મફત આપશો એ જરા જાહેર કરો તો સારું.

હવે તો દૂરના ગામડામાં રહેતો જણ પણ સમજે છે કે મ્યુનિસિપાલિટી કે વિધાનસભાની ચૂંટણી લડવા માટે મિનિમમ બે-ત્રણ કરોડ રૃપિયા જોઇએ. ગરીબ મતદારોને તો દેશી દારૃની પોટલી અને દસ-વીસ રૃપિયા રોકડા આપીને તમે એમનો મત ખરીદી લઇ શકો, પરંતુ બધા મતદારો એ રીતે ખરીદી શકાતા નથી. આજે ઇન્ટરનેટ અને વૈશ્વિક ટીવી ચેનલ્સના જમાનામાં મતદારો બધું જાણતા સમજતા થયા છે એટલે તમે કહો એ બધું આંખો મીંચીને માની લે નહીં. એક સિનિયર રાજનેતાના વિધાનને ટાંકું તો અમારી પાસે કોઇ જાદુઇ લાકડી નથી કે અમે રાતોરાત તમામ સમસ્યાઓનું નિરાકરણ કરી શકીએ. આ વાત દરેક સમજુ મતદાતાએ યાદ રાખવાની છે અને પૂરેપૂરી સ્વસ્થતા અને શાંતિથી વિચાર કરીને પછી પોતાનો મત આપવાનો છે. 

કેટલાક પોલિટિકલ સમીક્ષકો કહે છે કે આ તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર છે. હશે. પણ લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સમસ્યાઓ ચર્ચાનો મુદ્દો બને છે જ્યારે અહીં સ્થાનિક સમસ્યા કેન્દ્રમાં રહે છે. ગુજરાત રાજ્યની સમસ્યાઓ કઇ છે એ આપણે સૌ જાણીએ છીએ. સમજુ કો ઇશારા કાફી હૈ...

City News

Sports

RECENT NEWS