ધન્ય છે અદાલતોના વિદ્વાન જજોની ધીરજ અને સહનશક્તિને... ચિત્રવિચિત્ર કેસ પણ હાથ ધરે છે !


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ક્યારેક એવો વિચાર આવે છે કે દેશના વિદ્વાન ન્યાયમૂર્તિઓને આદરપૂર્વક સલામ કરવી જોઇએ. કેવા કેવા ચિત્રવિચિત્ર કેસ તેમની સમક્ષ આવે છે. એમની ધીરજ અને સહનશક્તિની સતત કસોટી થતી રહે છે. હવે આ સંસ્કૃત ભાષાનો મુદ્દો જ લ્યો. સુપ્રીમ કોર્ટમાં ઓગસ્ટ ૨૦૨૨ના આંકડા મુજબ ૭૧,૪૧૧ કેસ પેન્ડીંગ છે. એમાં સિવિલ અને ક્રિમિનલ એમ બંને પ્રકારના કેસ આવી જાય. બંધારણીય મુદ્દાના કેસ અલગ. 

એક નિવૃત્ત સનદી અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે સંસ્કૃત દેવભાષા છે. એને રાષ્ટ્રભાષા જાહેર કરવી. આ અધિકારીની ભાવના સરસ છે, પરંતુ આ બાબતે સુપ્રીમના વિદ્વાન જજો શું કરે? એક જજે કહ્યંગ કે એકાદ સાદું વાક્ય સંસ્કૃતમાં બોલી બતાવો જોઇએ. જવાબમાં પેલા અરજદારે વસુદેવ સુતં દેવં.. કે એવો જ કોઇ શ્લોક ગાઇ બતાવ્યો. જજોએ કહ્યું કે આ શ્લોક તો અમને પણ આવડે છે. અમે તમને એકાદ સાદું વાક્ય બોલવાનું કહ્યું છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું કે ભાષાના ઉપયોગ બાબતનો નિર્ણય બંધારણમાં ફેરફાર કરીને સરકાર કરી શકે, આ કામ અમારું નથી...

એક વાત સાચી કે આપણાં વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે સંસ્કૃત ભાષામાં છે. એક સમયે કદાચ સંસ્કૃત ભાષા દેશના તમામ નાગરિકો બોલી- વાંચી- લખી- સમજી શકતા હશે. આજે એવું નથી. સંસ્કૃત ભાષા દુનિયાની તમામ ભાષાઓ કરતાં વધુ સમૃદ્ધ છે એ પણ કબૂલ, શીખવી સહેલી છે એ પણ કબૂલ. વાત થોડી વિગતે કરીએ.

અહં ગૃહે ગચ્છામિ, (હું ઘેર જાઉં છું), ગૃહે અહં ગચ્છામિ, ગચ્છામિ અહં ગૃહે, ગચ્છામિ ગૃહે અહં... આ ચારે વાક્યો સાચાં છે, કારણ કે સંસ્કૃત ભાષામાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ગમે ત્યાં મૂકી શકાય છે. કાકુભેદ દ્વારા કેટલીક નિર્દોષ રમૂજ પણ કરી શકાય છે. દાખલા તરીકે કમ્ બલવંતમ્ મા બાધિતમ્ શીતમ, આ વાક્યનો સરળ તરજૂમો આ રહ્યો- એવો કયો બળવાન છે જેને ઠંડી લાગતી નથી? સવાલનો જવાબ પણ આ જ વાક્યમાં છે. કાકુભેદથી જવાબ જુઓ- કંબલવંતમ્ મા બાધિતમ્ શીતમ્. એટલે કે કંબલ (ધાબળો) ઓઢેલ વ્યક્તિને ઠંડી લાગતી નથી.

ખેર, વાત આડે પાટે ચડી જાય એ પહેલાં આગળ વધીએ. આધુનિક વિજ્ઞાાનની તમામ શાખાઓ પણ સંસ્કૃત ભાષાનો મહિમા સ્વીકારે છે, પરંતુ કોઇ ભાષા રાષ્ટ્રભાષા ક્યારે બની શકે એ પ્રશ્ન વિચારવાનો છે. અત્યારે સત્તાવાર રીતે દેશમાં બાવીસ ભાષાઓ છે, કુલ ૧૨૧ ભાષા છે અને ૨૭૦ માતૃભાષા છે. ૧૩૦ કરોડની દેશની વસતિ ગણીએ તો કેટલા લોકો સંસ્કૃત ભાષા બોલે- વાંચે- લખે- સમજે છે? કઇ ભાષાને રાષ્ટ્રભાષા ગણવી એ જટિલ પ્રશ્ન છે, હાલ હિન્દીને આપણે બંધારણીય રીતે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારેલી છે, છતાં દક્ષિણ ભારતમાં હિન્દીનો પ્રચંડ વિરોધ કરાય છે. એ તો સારું છે કે હિન્દી ફિલ્મોને કારણે જાણ્યે-અજાણ્યે દેશની મોટા ભાગની વસતિ હિન્દી ભાષા સમજે છે. બોલવામાં કે લખવામાં કદાચ તકલીફ અનુભવાતી હશે.

સવાલ એ છે કે દેશની રાષ્ટ્રભાષાનો નિર્ણય શી રીતે કરવો. કેટલા ટકા વસતિ જે ભાષા બોલી-વાંચી-લખી-સમજી શકતી હોય એને રાષ્ટ્રભાષા ગણવી એ વિચારવાનું છે. સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે કહ્યું કે આ એક નીતિગત મુદ્દો છે અને એનો નિર્ણય સરકારે કરવાનો છે. 

જાહેર હિતની અરજીના બહાને થતી વાહિયાત અરજીઓ કોર્ટના સમય, શક્તિ અને મારા તમારા જેવા કરદાતાઓનાં નાણાં વેડફી નાખે છે. થોેડા સમય પહેલાં એવી ચર્ચા શરૂ થયેલી કે સુપ્રીમ કોર્ટે કેવી અરજીઓ સ્વીકારવી અને કેવી નકારવી એના માપદંડ નક્કી કરવાનો સમય હવે પાકી ગયો છે. એ ચર્ચાનું અકાળ અવસાન થઇ ગયું એટલે નક્કી કરી શકાયું નહીં. ઔર એક વાત. બાળકોને સ્વયં રસ પડે એવી રીતે સંસ્કૃત ભણાવનારા શિક્ષકો અને અધ્યાપકો આજે કેટલા? બાળકને વ્યાકરણમાં ગૂંચવી દેવાને બદલે એને ભાષા શીખવામાં રસ જાગે એવી રીતે શીખવવાની કોઇ પદ્ધતિ ખરી? વરસો પહેલાં સ્વાધ્યાય પરિવારે કાવ્ય વિનોદ નામે એક ખિસ્સાપોથી પ્રગટ કરેલી, જેમાં સંસ્કૃત શીખવાની સરળ પદ્ધતિ રજૂ કરાઇ હતી. એવું કંઇક આજે થઇ શકે કે કેમ એ વિચારવાનું છે.

City News

Sports

RECENT NEWS