- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
દેશના કોઇ પણ શહેરની વાત લ્યો. શહેર નાનું હોય કે મોટું હોય, સવાર સાંજના રશ અવર તરીકે ઓળખાતા સમયે ટ્રાફિક એવો જામ હોય છે કે સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ ઘણીવાર ટ્રાફિકમાં અટવાઇ જાય છે. ક્યારેક એમ્બ્યુલન્સમાં સુતેલી વ્યક્તિને સારવાર મળે એ પહેલાં રામશરણ થઇ જાય એવું પણ બને છે. કુદરતી આપત્તિ, આતંકવાદી હુમલા, ગંભીર અકસ્માત કે અન્ય પ્રકારની ઇમરજન્સી વખતે તત્કાળ મદદ પહોંચતી નથી. નાનીમોટી ઇમરજન્સી વખતે તત્કાળ સહાય પહોંચાડવા શું થઇ શકે?
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના ખૂનખાર જંગના અહેવાલો દુનિયાભરના મીડિયામાં પ્રગટ થયા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઇઝરાયેલમાં સર્વશ્રેષ્ઠ પ્રકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત છે. આ સિસ્ટમનું નામ મેગન ડેવિડ એડમ છે. ઇઝરાયેલી ભાષામાં એનો અર્થ છે, રેડ શીલ્ડ કે રેડ સ્ટાર ઓફ ડેવિડ. દુનિયાભરમાં રેડક્રોસ સોસાયટી જાણીતી છે. એટલે રેડક્રોસ નામ વાપરી શકાય નહીં. પરિણામે ઇઝરાયેલે રેડ શીલ્ડ કે રેડ સ્ટાર નામ પસંદ કર્યું.
શાંતિ કાળમાં પણ મેગન ડેવિડ એડમને રોજના આઠ લાખ કોલ્સ મળે છે. આંકડો ફરી વાંચી લેજો. રોજના આઠ લાખ કોલ. કોઇ પણ કોલ આવે રોકડી ત્રણ મિનિટમાં આ સિસ્ટમના કાર્યકરો તત્કાળ ત્યાં પહોંચી જાઇને રાહતકાર્ય શરૂ કરી દે છે. આ સિસ્ટમ નાગરિકોની બનેલી છે. ઇઝરાયેલમાં ત્રીસ હજારથી વધુ નાગરિકો જુદી જુદી ઇમરન્સી સમયે સેવા આપવાની ટ્રેનિંગ લઇ ચૂક્યા છે. આ સિસ્ટમમાં વેપારીઓ છે, વકીલો છે, વિદ્યાર્થીઓ છે, એન્જિનીયર્સ છે, એકાઉન્ટન્ટ્સ પણ છે અને ડોક્ટરો તથા નર્સો પણ છે.
માત્ર ત્રીસ હજારથી શું વળે એવો સવાલ કરતા નહીં. ઇઝરાયેલની વસતિ એકથી સવા કરોડની વચ્ચે છે. આટલી ઓછી વસતિને પહોંચી વળવા આ સિસ્ટમ પૂરતી છે. આ બધાંને ખાસ યુનિફોર્મ અને ચોક્કસ કલરના ટુ વ્હીલર્સ આપવામાં આવ્યાં છે. એ કટોકટી ટાણે એમ્બ્યુલન્સની જેમ સાઇરન વગાડીને પોતાનો રસ્તે મેળવી લે છે. કોઇ પણ દુર્ઘટના થાય ત્યારે રોકડી ત્રણ મિનિટમાં આ સિસ્ટમના વોલન્ટીયર્સ ધસી જાય છે અને પોલીસ કે કાયદાની ચિંતા કર્યા વિના તત્કાળ રાહતકાર્ય શરૂ કરી દે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સિસ્ટમ ખરા અર્થમાં સેક્યુલર છે. એની સાથે દરેક કોમના અને ધર્મના લોકો જોડાયેલા છે. આ દરેક વોલન્ટીયર માનવ સેવાના મુદ્રાલેખને વરેલા છે. અત્યારે પેલેસ્ટાઇન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે છતાં યહૂદી વોલન્ટીયર દુર્ઘટનાનો ભોગ બનેલા મુસ્લિમને સહાય કરે છે તેમ મુસ્લિમ વોલન્ટીયર યહૂદી, હિન્દુ કે ખ્રિસ્તીને સહાય કરે છે. આ સિસ્ટમ સાથે જોડાયેલા એક મુસ્લિમ વોલન્ટીયરે મીડિયા સાથેની વાતમાં કહેલું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ કે યહૂદી-પારસી, પરમાત્માએ સૌને લોહી તો લાલ જ આપ્યું છે. આ લોહી આપણને સૌને માનવતા સાથે જોડી રાખે છે. ઇમરન્સી સંબંધિત વ્યક્તિ કઇ કોમ કે ધર્મની છે એ જોતાં નથી.
ઇઝરાયેલી સરકારે આ દરેક વોલન્ટીયરને અમુક માનદ્ વેતન નક્કી કરેલું છે. એમને અપાયેલાં ટુ વ્હીલર્સ કે એમ્બ્યુલન્સનું ઇંધણ પણ સરકાર ભોગવે છે. દરેક વોલન્ટીયરનું થોડા થોડા સમયના અંતરે ફરી એકવાર નિરીક્ષણ કરવામાં આવે છે. એ પોતાની ફરજ ચૂકતો નથી એના પર ખાસ નજર રાખવામાં આવે છે. આખી સિસ્ટમ લશ્કરી શિસ્તથી ચાલે છે. એ લોકોની તાલીમ એટલી આકરી હોય છે કે કોઇ પણ કુદરતી કે માનવસજત દુર્ઘટના સમયે દિવસ હોય કે રાત, ભીષણ ઠંડી હોય કે આગ ઝરતી ગરમી યા સાંબેલાધાર વરસાદ હોય - દરેક વોલન્ટીયર ચોવીસે કલાક સેવા આપવા સમપત રહે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવી આપત્તિ ટાણે વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખનો કાફલો હોય, મેગન ડેવિડ એડમનાં
વાહનોને આ મહાનુભાવો પણ પોતાનાં વાહનો અટકાવીને જવા દે છે. આપણી જેમ નહીં કે વડા પ્રધાન યા રાષ્ટ્રપતિનો કાફલો પસાર થતો હોય ત્યારે એમ્બ્યુલન્સ સહિત તમામ વાહનોને અડધો પોણો કલાક અટકાવી રાખવામાં આવે. મેગન ડેવિડ એડમનાં વાહનોને પ્રાયોરિટી આપવામાં આવે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતમાં આ સિસ્ટમ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે. ભારતમાં બે-ચાર એનજીઓએ મળીને આવી કોઇ સિસ્ટમની સ્થાપના કરવી જોઇએ એમ નથી લાગતું?


