For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની મહિલાઓમાં ઓરલ કેન્સરના વધેલા કેસને ચિંતાજનક

Updated: Feb 7th, 2023


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- થોડાં વરસો પહેલાં મોઢાના કેન્સરના દસ કેસ સામે મહિલાઓમાં મોઢાના કેન્સરનો માત્ર એક કેસ નોંધાતો હતો

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ત્રીજી ફેબુ્રઆરીએ પ્રગટ કરેલી વિગતો તરફ ધ્યાન આપવાની જરૂર છે. આ અહેવાલનો સાર માત્ર એટલો કે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓમાં મૌખિક કેન્સરના કેસમાં ખાસ્સો વધારો નોંધાયો છે. માત્ર ગુજરાત નહીં, દેશભરમાં દિવસે દિવસે કેન્સરના કેસ વધી રહ્યા છે અને કેન્સરથી થતાં મૃત્યુમાં પણ વધારો થયો છે.

વાત માત્ર ગુજરાત પૂરતી રાખીએ તો ગયા વરસે ૨૦૨૨માં ગુજરાત રાજ્યમાં કેન્સરના ૭૩,૩૮૨ નવા કેસ નોંધાયા અને ૪૦,૩૫૬ મરણ થયાં. સાડાછ સાત કરોડની વસતિ ધરાવતા ગુજરાતમાં બીમારી અને મરણના આ આંકડા વધુ ન ગણાય, પરંતુ મહિલાઓમાં મોઢાના કેન્સરના કેસ વધ્યા એ મુદ્દો જરૂર ચિંતાપ્રેરક ગણાય.

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયુટના પ્રતિનિધિએ જણાવ્યા મુજબ થોડાં વરસો પહેલાં મોઢાના કેન્સરના દસ કેસ સામે મહિલાઓમાં મોઢાના કેન્સરનો માત્ર એક કેસ નોંધાતો હતો. હવે દસમાંથી ચાર કેસ નોંધાતા થયા છે. એટલે કે મહિલાઓમાં પણ મોઢાના કેન્સરના કેસ વધવા માંડયા છે. થોડાં વરસો અગાઉ મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સરના કેસ વધુ જોવા મળતા. હવે મોઢાના કેન્સર સુધી વાત પહોંચી છે.

પ્રતિતિ ઓન્કોલોજિસ્ટ્સ એટલે કે કેન્સરની સારવારના નિષ્ણાત ડોક્ટરોના કહેવા મુજબ માત્ર દેખાદેખીથી કે પછી પોતે પુરુષો કરતાં જરાય ઊતરતી નથી એવું દેખાડવાની લ્હાયમાં મહિલાઓ ગૂટકા અને ધૂમ્રપાન તરફી વળી રહી છે. કોણે શું ખાવું અને ન ખાવું એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. એ હકીકત સ્વીકારીએ તો પણ આ બાબતમાં શિક્ષિત મહિલાઓએ આ દિશામાં થોડું વિચારવાની જરૂર છે. થોડી સાવચેતી રાખવાની અને આવાં વ્યસનોથી દૂર રહેવાની જરૂર છે. 

જોકે તમાકુનું સેવન આજનું નથી. એક જમાનામાં ગુજરાતના ભૂદેવો પણ ચૂના સાથે મસળીને તમાકુની મોજ માણતા. વયસ્ક મહિલાઓ દાંતે બજર (તપખીર) ઘસતી. એ પણ તમાકુનો એક પ્રકાર જ હતો. આમ છતાં એ સમયે કેન્સર થવાના કિસ્સા કોઇ રહસ્યમય કારણોથી ઓછા બનતા. કદાચ સાત્ત્વિક રહેણીકરણી અને આહારવિહારની સમતુલા ભાગ ભજવતી હશે, પરંતુ ૧૯૬૦ના ઉત્તરાર્ધથી આપણે ત્યાં ગૂટકા તરીકે ઓળખાતા તમાકુના પાઉચ આવ્યા. એ ગૂટકાઓમાં વપરાતું તમાકુ ઊતરતી કક્ષાનું હોવાનું કહેવાય છે. આટલું ઓછું હોય તેમ એમાં સુગંધ અને સ્વાદ ઉમેરવા કેટલાક હાનિકારક રસાયણો ઉમેરવામાં આવે છે એમ પણ કહેવાય છે. આવી સુગંધી તમાકુ  મોંની અંદરની ત્વચાને ધીમે ધીમે બાળી નાખવા સક્ષમ હોય છે એવું કેન્સરના નિષ્ણાત ડોક્ટરો કહે છે. એ જ રીતે લાંબો સમય ધૂમ્રપાન કરવાથી મોઢાની અંદર ગલોફાની ત્વચા જાડી થઇ જાય છે અને એમાં પણ કેન્સરના વાઇરસને વિકસવાની તક મળી જાય છે.

વસતિના આંકડા જોઇએ તો એક તરફ ીઓની સંખ્યા દેશનાં વિવિધ રાજ્યોમાં પુરુષોની સંખ્યાની તુલનાએ ઘટતી જાય છે. બીજી બાજુ મહિલાઓમાં કેન્સરના કિસ્સા વધે એટલે વસતિની આ અસમતુલામાં પણ વધારો થાય છે. હજુ પણ દેશના મોટા ભાગના લોકો પુત્રની અપેક્ષા રાખે છે. ન છૂટકે પુત્રીજન્મથી રાજી થાય છે. એ સંજોગોમાં મહિલાઓમાં કેન્સરના કિસ્સા વધે એ ચિંતાપ્રેરક ગણાય.

પુરુષોની જેમ દરેક મહિલા ગૂટકાનો સ્વાદ લેતી વખતે એમ જ માનતી હોય છે કે કેન્સર તો બીજાને જ થાય, મને કશું ન થાય. કેન્સર થાય ત્યારે અગાઉથી તમને જણાવીને આવતું નથી. રોગની શરૂઆતના તબક્કે પકડાઇ જાય તો ઊગરવાની શક્યતા ઘણી હોય છે. રોગ આગળ વધી જાય ત્યારે મોંઘી સારવાર પણ ક્યારેક કારગત નીવડતી નથી. મહિલાઓમાં ગૂટકા સેવન અને ધૂમ્રપાનનાં જોખમો વિશે જનજાગૃતિના કાર્યક્રમો સામાજિક સંસ્થાઓ અને કથાકારોએ તત્કાળ શરૂ કરવા જોઇએ એમ નથી લાગતું ?   

Gujarat