FOLLOW US

છઠ્ઠી ડિસમ્બરની પહેલાંની અને પછીની ઘટનાઓ માટે બંને રાષ્ટ્રીય પક્ષો જવાબદાર છે

Updated: Dec 6th, 2022


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

છઠ્ઠી ડિસેંબર, ૧૯૯૨. સમય સવારનો આશરે સાડા દસની આસપાસ. વડા પ્રધાન પી વી નરસિંહરાવના દિવાનખાનામાં અચાનક ત્યારના સંરક્ષણ પ્રધાન શંકરરાવ ચવાણ દોડી આવે છે. વડા પ્રધાન એકાગ્રપણે ટેલિવિઝન જોઇ રહ્યા છે એવું ચવાણના ધ્યાનમાં આવ્યું. વડાપ્રધાનનું ધ્યાન પોતાની તરફ ખેંચવા એ સહેજ મોટા અવાજે બોલી ઊઠયા, સર, એ લોકો ઇમારત તોડી રહ્યા છે.... ચવાણના મનમાં એમ હતું કે વડાપ્રધાન ચોંકી ઊઠશે અને તાડકામ અટકાવવા તરત કોઇ સચોટ પગલું લેશે.

પરંતુ નરસિંહરાવના પેટનું પાણી પણ હાલ્યું નહીં. એ ચૂપચાપ જોતાં રહ્યા. એક વર્ગ જેને બાબરી મસ્જિદ તરીકે ઓળખાવી રહ્યો હતો અને સુપ્રીમ કોર્ટે જેને વિવાદાસ્પદ માળખું (કોન્ટ્રોવર્શ્યલ સ્ટ્રક્ચર) ગણાવ્યું હતું એને હજારો કારસેવકો પૂરેપૂરા ઉત્સાહ-ઉમંગથી તોડી રહ્યા હતા. નરસિંહરાવે એ તોડકામ નજરે જોયું, પરંતુ એ અટકાવવા કોઇ પગલું લીધું નહીં. આઝાદ ભારતના ઇતિહાસમાં એક દાગી પ્રકરણ લખાઇ ગયું.

એ પછી તો એવા દાગી પ્રસંગો બનતા જ રહ્યા. ૧૯૯૩ના માર્ચમાં દેશના આર્થિક પાટનગર સમા મહાનગર મુંબઇમાં ભયાનક કોમી હુલ્લડો થયાં, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા. ઘણા બધા લોકોએ જાન ગુમાવ્યા. એ પછી પણ મુંબઇ પર સતત આવા આતંકવાદી હુમલા થતા રહ્યા. કોમી ભાઇચારો અને એખલાસ ખતમ થયાં. 

આ ઘટના બની એને માટે નરસિંહરાવ જેટલી જ જવાબદારી એમની પૂર્વેના વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારની હતી. શાહબાનો નામની એક મહિલાને એના પતિએ ભરણપોષણ નહીં આપતાં એ મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી. એ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે ફરિયાદી મહિલાને ભરણપોષણ આપવાનો ચુકાદો આપ્યો. એ સમયના લઘુમતી કોંગ્રેસી નેતાઓએ રાજીવ ગાંધીને ભંભેર્યા કે આપણે કોંગ્રેસની લઘુમતી વોટ બેંક ગુમાવી બેસીશું એટલે રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઊથલાવ્યો. ત્યારથી કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષના બીજ વવાયાં.

એ પછી કોંગ્રેસના બહુમતી નેતાઓએ રાજીવને બહુમતી મતદારોની યાદ અપાવી એટલે રાજીવે રામ મંદિરના દરવાજા ખોલી નાખવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધીના ભૂલભરેલા આ આદેશનો લાભ લેતાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા યોજી. આ રથયાત્રાની પરાકાષ્ઠા રૂપે છઠ્ઠી ડિસેંબરની ઘટના બની અને એના પ્રતિભાવ રૂપે કોમી હુલ્લડો - આતંકવાદી હુમલા શરૂ થયા. 

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (ટૂંકમાં એઆઇએમઆઇએમ) ના નેતા ઓવૈસી છેલ્લા થોડા સમયથી બોલી રહ્યા છે કે કોંગ્રેસે લઘુમતીનો પોતાની વોટ બેંક તરીકે ઉપયોગ કરીને ત્યાર પછી લઘુમતીના વિકાસનાં કોઇ પગલાં લીધાં નથી. એ વાત ઘણે અંશે સાચી છે. પરંતુ એને માટે કોંગ્રેસમાં રહેલા લઘુમતી નેતાઓ જવાબદાર છે. ગઇ કાલ સુધી કોંગ્રેસી નેતાગીરીને વફાદાર એવા ગુલામ નબી આઝાદ, (હવે સ્વર્ગસ્થ) બેરિસ્ટર અબ્દુલ રહેમાન અંતુલે, હાલ કેરળના ગવર્નર તરીકે વિવાદો સર્જી રહેલા આરિફ મુહમ્મદ ખાન વગેરે નેતાઓ હાઇલી ક્વોલિફાઇડ હોવા છતાં એ લોકોએ લઘુમતીમાં શિક્ષણના પ્રચાર માટે નક્કર પગલાં લીધાં નહીં. પરિણામે લઘુમતીનો મોટો વર્ગ નિરક્ષર રહ્યો અને એનો લાભ મુલ્લા મૌલવીઓ લેતા રહ્યા.

માત્ર કોંગ્રેસ અને ભાજપ નહીં, મમતા બેનરજી, માયાવતી, મુલાયમ સિંઘ અને તેમનો પરિવાર, લાલુ યાદવ અને એનો પરિવાર પણ આ પરિસ્થિતિનો લાભ લેતા રહ્યા છે. આજે છઠ્ઠી ડિેસેંબરે એ હકીકત યાદ કરવી રહી કે છેલ્લાં પચીસ વર્ષમાં જે કંઇ બન્યું એને માટે બંને રાષ્ટ્રીય પક્ષો નામે કોંગ્રેસ અને ભાજપ સરખે સરખા જવાબદાર છે. એકે પોતાના પચાસ વર્ષના શાસન દરમિયાન સત્તા ટકાવી રાખવા લઘુમતીની આળપંપાળ કર્યે રાખી તો બીજાએ હવે બહુમતીને જગાડવાના નામે આકરાં પગલાં લેવા માંડયાં. બુલડોઝર જેવાં કેટલાંક પગલાંની તો સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે. જે કંઇ બની રહ્યું છે એને માટે સત્તાલોલુપ રાજનેતાઓ જવાબદાર છે એટલું આમ આદમીએ સમજી લેવાની જરૂર છે.'  

Gujarat
News
News
News
Magazines