- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
દેશની પાંચ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. આ ચૂંટણીએ બહુમતી હિન્દુઓ માટે વધુ એક ચેતવણી સર્જી છે. છેલ્લાં પંચોતેર વર્ષનો ઇતિહાસ તપાસી લેવાની ખાસ ભલામણ છે. બે મુદ્દા ધ્યાનમાં લેવા જેવા છે. બહુમતી પ્રજાના ઇષ્ટદેવ બિરાજતાં હોય એવાં ધર્મસ્થાનોની આવક લઘુમતી પ્રજાના હિતમાં વપરાય છે એ હવે નવી વાત નથી.
આરટીઆઇ હેઠળ કરાયેલી અરજીના જવાબમાં ખુલાસો થયો હતો કે મુંબઇના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર, મહાલક્ષ્મી મંદિર વગેરેની આવકનો મોટા ભાગનો હિસ્સો લઘુમતી પ્રજાના હિતમાં વપરાય છે. એવું દેશનાં અન્ય આવક સાથે પણ થયું છે. મંદિરોના પૂજારીઓને સરકાર પગાર આપતી નથી, પણ વિધર્મી ધર્મગુરુઓને સરકારી પગાર મળે છે. આ એક મુદ્દો.
બીજો મુદ્દો ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. દેશ આઝાદ થયો ત્યારથી માંડીને છેક હજુ સુધી કોંગ્રેસનું શાસન હતું. રાજ્યોમાં જુદા જુદા પક્ષોએ શાસન કર્યું. તમામ કહેતાં તમામ પક્ષોને ખ્યાલ આવી ગયો હતો કે સત્તા મેળવવી હોય તો લઘુમતીને વોટ બેંક બનાવો. માત્ર સત્તાપ્રાપ્તિ માટે લઘુમતીની વોટ બેંકની જરૂર હતી. એ સિવાય કોઇ પક્ષ કે નેતાએ લઘુમતીના વિકાસ માટે કશું કર્યું નહીં.
એ બાબતમાં અસદુદ્દીન ઓવૈસી સાચા છે. એ કહે છે કે દરેક રાજકીય પક્ષે અમારો ઉપયોગ કર્યો છે. લઘુમતીના વિકાસ માટે કોઇ પક્ષ કે નેતાએ નક્કર પગલાં લીધાં નથી. આ વાત સાચી છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંઘ યાદવથી માંડીને માયાવતી, બિહારમાં લાલુ યાદવથી માંડીને નીતિશકુમાર, પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષથી માંડીને મમતા બેનરજી...
પોતાને હિન્દુવાદી પક્ષ કહેવડાવતા પક્ષો અને નેતાઓએ પણ ચૂંટણી જીતવા લઘુમતી નેતાઓ કે પક્ષો સાથે હાથ મિલાવ્યા. એવો છેલ્લામાં છેલ્લો દાખલો મહારાષ્ટ્રનો હતો. પોતાને હિન્દુવાદી ગણાવતા પક્ષે માત્ર સત્તા મેળવવા વિધર્મી પક્ષ સાથે હાથ મિલાવ્યા હતા. હવે એવા સમાચાર આવ્યા છે કે ભાજપ પણ લઘુમતીને પોતાની કરવા થનગની રહ્યો છે. લઘુમતીને પોતાની સાથે લેવા ભાજપ જરૂરી પગલાં લેશે. આ વાત ચોંકાવનારી છે.
બહુમતી હિન્દુઓ આજે પણ ન્યાતજાતની મડાગાંઠ છોડવા તૈયાર નથી. દરેક જ્ઞાાતિમાં પાછા બે પાંચ ફિરકા હોય છે. આ ફિરકા પોતાને ન્યાતના અન્ય ફિરકા કરતાં જુદા ગણાવે છે. શ્રીમંત વિસ્તારોમાં રહેતા હિન્દુઓ ક્યારેય મતદાન કરવા બહાર આવતા નથી. મતદાનના દિવસે પાર્ટી કે પિકનિકમાં રોકાયેલા રહે છે.
બહુમતી હિન્દુ પ્રજા માટે સંગઠિત થવાનો આ છેલ્લો અવસર છે. આ અવસર ચૂકી ગયા તો આવતી પેઢી તમને માફ નહીં કરે. શાસક પક્ષ અર્થાત્ ભાજપ હવે લઘુમતીનું તુષ્ટિકરણ કરવાનો હોય તો બહુમતી પ્રજા માટે એ લાલ બત્તી સમાન છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે કમ સે કમ ભાજપ હિન્દુ પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા કટિબદ્ધ છે.
હવે જો ભાજપ પણ અન્ય પક્ષોની જેમ લઘુમતીનું તુષ્ટિકરણ કરવાનાં પગલાં લે તો બહુમતી માટે ઉપર આભ ને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાશે. લવ જિહાદની જેમ જાતજાતની જિહાદોનો સામનો કરવાનો આવશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવ આ વાતનો પુરાવો છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા માટે પૂરતી સગવડ અપાતી નથી, એ જ રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ ઇફતારની પાર્ટીઓ યોજવામાં વ્યસ્ત રહે છે.
આ જ અખિલેશના પિતા મુલાયમ સિંઘ યાદવે રામભક્તો અને કરસેવકો પર ગોળીબાર કરાવેલો એ યાદ કરવા જેવું છે. આમ ને આમ ચાલતું રહે તો પોતાના જ દેશમાં બહુમતી હિન્દુઓ જતે દિવસે સેકંડ ક્લાસ નાગરિકો બની જાય એ યાદ રાખજો. સંતવાણીમાં કહે છે અવસર બેર બેર નહીં આવે... યોગી આદિત્યનાથ સતત કહે છે કે સંગઠિત થશો તો બચી જશો, વિભાજિત રહેશો તો ખપી જશો. પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોને આ સંદર્ભમાં મૂલવવાની જરૂર છે.


