Get The App

રાવણ કદી મરતા નથી, ચિરંજીવ છે...!

Updated: Oct 4th, 2022

GS TEAM

Google News
Google News
રાવણ કદી મરતા નથી, ચિરંજીવ છે...! 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

આવતી કાલે બુધવાર. આશ્વિન શુક્લ દશમ. દશેરા. ઉત્તર ભારતમાં ઘણા સ્થળે વીસ પચીસ ફૂટ ઊંચા અને ફટાકડા ભરેલા રાવણનો વધ થશે. રામલીલામાં રામનું પાત્ર ભજવનાર કલાકાર એક તીર છોડીને રાવણને વીંધી નાખશે. ફટાકડાના ધડાકા, દર્શકોના તાળીના ગડગડાટ અને હર્ષનાદો વચ્ચે રાવણનું પૂતળું બળીને રાખ થઇ જશે. વાસ્તવિકતા શી છે ? વાસ્તવિકતા આપણને ન ગમે એવી છે. વાસ્તવિકતા એ છે કે રાવણ કદી મરતા નથી, દુર્યોેધન-દુઃશાસન કે શકુનિ કદી મરતા નથી. મહષ વ્યાસે ભલે અશ્વત્થામાને ચિરંજીવ ગણાવ્યો હોય. ખરેખર ચિરંજીવ તો રાવણ અને શકુનિ છે.

આમ કહેવા પાછળનો મર્મ સમજવા જેવો છે. રાવણ કોઇ વ્યક્તિ નહોતી. એ તો એકવૃત્તિ છે. દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક વધતે ઓછે અંશે રાવણ કે શકુનિ હોય છે. સામાન્ય સંજોગોમાં એ વૃત્તિ પ્રગટ થતી નથી. લાગ મળે ત્યારે પ્રગટ થાય છે. કથા મુજબ રાવણે માત્ર સીતાનું અપહરણ કરેલું. આજના રાવણ એટલેથી અટકતા નથી. મહેમાનોને 'ખાસ ફેવર' (સેક્સ) આપવાની ના પાડનારી અંકિતાને મારી નાખવામાં આવે છે. ક્યાંક કોઇ માણસમાં પ્રગટ થયેલો રાવણ પાંચ સાત વર્ષની કુમળી બાલિકા પર બળાત્કાર કરે છે, ક્યાંક કોઇ રાવણ શરાબના નશામાં બેફામ વાહન હંકારીને એેકાદ બે રાહદારીને કચડી નાખે છે.

કોઇ રાવણ બેનંબરી કમાણી કરીને કરોડો રૂપિયા એકઠા કરે છે, કોઇ ભગવાધારી એનો સંન્યાસ લજવાય એેવા લવારા કરે છે ... રાવણોનો અંત નથી. એ ક્યારે કયા સ્વરૂપે આપણી વચ્ચે આવશે એ કહેવું મુશ્કેલ છે. ક્યાંક કોઇ આતંકવાદી પ્રવૃત્તિને છાવરતા રાવણ નીકળી આવે... કથામાં ભલે રાવણ દસ માથાળો હતો. વાસ્તવમાં રાવણ અનેક માથાળો છે. અશુભ વૃત્તિના અનેક સ્વરૂપો છે. એ વૃત્તિને ખાળીએ એ દશેરા સાચી, બાકી બધા દેખાડા.  

સામાન્ય માણસ પરસેવાના પૈસા ખર્ચીને જલેબી-ગાંઠિયા ખાઇ લેશે. દશેરા ઉત્સવ પૂરો. ગાંઠિયાની વાત નીકળી ત્યારે યાદ આવ્યું. બાલાજી કે શ્યામ સુંદર જેવા તૈયાર સ્નેકમાં પચીસ રૂપિયે એકસો ગ્રામ ગાંઠિયા મળે છે એટલે કે અઢીસો રૂપિયાના એક કિલો ગાંઠિયા. તો પછી ફરસાણવાળા એક કિલો ગાંઠિયાના પાંચસોથી આઠસો રૂપિયા કેમ વસૂલે છે ? અગાઉ એકવાર કહેલું કે એક ખૂબ જાણીતા કૂકિંગ એક્સપર્ટ મહિલાએ સમજાવેલું કે એક કિલો ચણાના લોટમાં અઢીથી ત્રણ કિલો ગાંઠિયા ઊતરે. 

એમાં ખપ પૂરતું તેલ વપરાય, ખપ પૂરતો મસાલો વપરાય અને રાંધણગેસ પાછળ અમુક રૂપિયા ખર્ચાય. તો પછી એક કિલો ગાંઠિયાનો ભાવ પાંચસોથી આઠસો રૂપિયા કેવી રીતે  હોઇ શકે ? નફાના કેટલા ટકા થયા એે વિચારવા જેવું છે. ગાંઠિયાનું ગણિત સમજાય તો ખ્યાલ આવે કે ભાવવધારો કેટલી હદે પોકળ છે. જેવુ ગાંઠિયાનું એવું જ ગણિત જલેબીનું.

સ્કૂલમાં ભણતાં બાળકોને દશેરાએે લશ્કરી છાવણીમાં લઇ જવા જોઇએ. દશેરાએ ફૌજી જવાનો પોતપોતાનાં શોની પૂજા કરે છે. ક્યારેય કોઇ લશ્કરી છાવણીમાં જવાની તક મળી હોય તો જોવા મળે. ખાસ કરીને ટેંક કે તોપ વિભાગ સાથે સંકળાયેલો દરેક જવાન આ શોની કેવી મર્યાદા રાખે છે એે ખરેખર દર્શનીય છે. જ્યારે જેટલીવાર તોપ કે ટેંક પાસેથી જવાનું બને ત્યારે જવાન ત્યાં એટેન્શનમાં ઊભો રહીને તોપ કે ટેંકને જોરદાર સલામ ઠોકે છે. પોતાની તોપ કે ટેંકને જાતે સાફ કરીને ચકચકિત રાખે છે. એવું જ રાયફલ અને મશીનગનવાળા જવાનો કરે છે. એવો જ આદર બખ્તરિયાં વાહનો અને ફૌજી ટ્રકોનો કરાય છે. આ લોકો શોની જબરદસ્ત આમન્યા જાળવે છે. દશેરાએ પૂરેપૂરી અદબથી શોની પૂજા કરાય છે.    

આવી આમન્યા દરેક મહિલાની જળવાય તો નવરાત્રિ ઊજવી કહેવાય. આજે લગભગ દરેક મહિલા સતત  ભયભીત હોય છે. ક્યારે ક્યાં કોઇ રાવણ ટપકી પડશે એના વિચારે એ સજીધજીને બહાર નીકળતાં સો વાર વિચારે છે. શિક્ષિત અને સંસ્કાર સમાજમાં આ પરિસ્થિતિ હોય ત્યારે માતૃદેવો ભવઃ બોલવાનો, નવરાત્રિ કે મધર્સ ડે ઊજવવાનો કશો અર્થ નહીં. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...

Tags :