હજુ આપણને કૂમળી કળી જેવાં કેટલાં બાળકોનું બલિદાન ખપે છે?

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
હજુ આપણને કૂમળી કળી જેવાં કેટલાં બાળકોનું બલિદાન ખપે છે? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દુર્ઘટના પહેલી- ૨૦૧૯ના મે માસની ૨૪ તારીખ. સૂરતમાં તક્ષશિલા નામના વ્યાપારી સંકુલમાં લાગેલી આગમાં બાવીસ બાળકો જીવતાં ભૂંજાઇ ગયાં... દુર્ઘટના બીજી- એ જ વરસે અર્થાત્ ૨૦૧૯ના જુલાઇની ૧૪મીએ અમદાવાદના બાલવાટિકા એમ્યુઝમેન્ટ પાર્કમાં પેંડુલમ રાઇડ તૂટી પડતાં બે બાળકો માર્યા ગયાં અને બીજા સંખ્યાબંધને ઇજા થઇ... દુર્ઘટના ત્રીજી- ૨૦૨૪ના મે માસની ૨૪-૨૫મીએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતાં ૨૭થી વધુ લોકો જીવતાં ભૂંજાયાં જેમાં બાળકો જ વધુ હતાં...

છેલ્લાં વીસેક વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે. ભાજપની નેતાગીરી સતત ભ્રષ્ટાચાર હટાવની સૂત્રબાજી કરી રહી છે, પરંતુ પરીકથાની રાજકુમારીની જેમ ભ્રષ્ટાચાર દિવસે ન વધે એટલો રાત્રે વધે છે. એવા સમયે નાના મોટા સૌને સતત ચિંતા અને ટેન્શનમાં રાખે એવા સમાચાર વીકએન્ડમાં પ્રગટ થયા. એ સમાચારનો સાર એટલો હતો કે ગુજરાત રાજ્યમાં ૨૫૦૦થી વધુ સ્કૂલનાં મકાનો જર્જરિત સ્થિતિમાં છે અને સાડા સાત હજારથી વધુ સ્કૂલોમાં પતરાની છત છે. 

ચોમાસુ ચાલુ થઇ ચૂક્યું છે. જર્જરિત મકાનોમાં ભણતાં બાળકોની સલામતીનું શું, વારુ? અને પતરાની છત ધરાવતી સ્કૂલોનાં બાળકોની સુરક્ષા બાબત રાજ્ય  સરકારે કયાં પગલાં લીધાં છે? દર વરસે જૂનમાં પ્રવેશોત્સવના નામે પ્રજાના પૈસે તમાશા કરવામાં આવે છે. પ્રજાના કહેવાતા લોકપ્રતિનિધિઓ મીડિયા સમક્ષ જાતજાતના વેશ ભજવે છે. કોઇ બાળકને એકડો ઘુંટાવે છે તો કોઇ બાળકનો હાથ ઝાલીને પાઠયપુસ્તકમાં કંઇક વંચાવવાનો ડોળ કરે છે. એવી તસવીરો અને વીડિયો મીડિયાને હોંશે હોંશે આપવામાં આવે છે. જુઓ, જુઓ. અમે બાળકોના ભાવિ માટે કેટલું બધું કરીએ છીએ! નર્યું નાટક!

તોતિંગ પગારો અને રજવાડી સગવડો લેતા સરકારી બાબુલોગ, પ્રધાનો અને ધારાસભ્યો શિક્ષણના નામે કેવા દેખાડા કરે છે એનો આ એક નાદાર નમૂનો છે. ખરું પૂછો તો બાળકોના જાનમાલ સાથે ક્રૂર રમત રમાઇ રહી છે. એક તરફ કેડેથી બાળક વાંકું વળી જાય એવાં વજનદાર દફતરો, મુંબઇની લોકલ ટ્રેનની યાદ તાજી કરાવે એ રીતે રિક્શામાં ઘેટાંબકરાંની જેમ પૂરાઇને સ્કૂલમાં જાય, કેટલીક સ્કૂલમાં તો બે કે ત્રણ વર્ગો વચ્ચે એક જ શિક્ષક હોય, ક્યારેક એ પણ ગેરહાજર હોય. એમાં આવાં જર્જરિત મકાનો અને પતરાની છતવાળી ઇમારતો. ઉનાળામાં બાળકો પરસેવે રેબઝેબ હોય અને ચોમાસામાં છત ગળે તો એમના મસ્તક પર જલાભિષેક થતો હોય.

ક્યારેક એવો વિચાર આવે છે કે ગુજરાત વિધાનસભાના તમામ સભ્યોને અપાતી તેમના મતવિસ્તારના વિકાસની ગ્રાન્ટનો પાઇએ પાઇનો હિસાબ હકપૂર્વક માગવો જોઇએ. એની વિગતો જાહેરમાં મૂકવી જોઇએ. તમામ પ્રધાનોના પગારમાંથી તેમના મતવિસ્તારની સ્કૂલોમાં જરૂરી રિપેરિંગ કરાવવું જોઇએ. નિયમિત રીતે દરેક સ્કૂલનાં લાઇટ-પંખા બરાબર ચાલે છે કે કેમ તેની તપાસ થતી રહેવી જોઇએ.

થોડીક જાગૃતિ નાગરિકોએ એટલે કે બાળકોનાં માતાપિતાએ પણ દેખાડવી જોઇએ. દેશ આઝાદ થયાને પંચોતેર વર્ષ થવા આવ્યાં. જરૂર જણાય ત્યાં લોકોએ પોતે અદાલતમાં જાહેર હિતની અરજી કરીને આવી લાપરવાહી સામે પગલાં લેવાં જોઇએ. તમારાં બાળકોની જાનમાલની સલામતીનો સવાલ છે. પ્રધાનોના બંગલામાં છાશવારે નવી સજાવટો પાછળ લાખો રૂપિયાનું આંધણ થાય છે. તો જ્યાં દેશના ભાવિ સમાન બાળકો ભણતાં હોય એવી નિશાળો જર્જરિત કેવી રીતે હોઇ શકે? શા માટે હોય? 

આમ આદમી જાતજાતના કરવેરા ભરે છે. પેટે પાટા બાંધીને  પોતાના સંતાનને યોગ્ય શિક્ષણ મળે એ માટે તત્પર હોય છે. તો સરકારની પણ કોઇ જવાબદારી ખરી કે નહીં?  કેટલા પ્રધાનોનાં સંતાનો સરકારી સ્કૂલોમાં ભણે છે એની વિગતો કોઇ ઇન્વેસ્ટિગેટિવ પત્રકારે લાવીને રજૂ કરવી જોઇએ. શિક્ષણના નામે કેવી ગોબાચારી ચાલે છે એ આપણે સૌએ જાણવું જોઇએ. નીટનો વિવાદ અત્યારે આપણે સામે છે. આપણી અદાલતોમાં કરોડો કેસ વરસોથી વિલંબમાં પડેલા છે. જજો પર કામનું ભારણ અસહ્ય છે. છતાં કહેવાની ઇચ્છા રોકી શકાતી નથી કે અદાલતે ક્યારેક આવા મુદ્દાને પણ સુઓ મોટો લઇને સરકારનો કાન આમળવો જોઇએ. શું કહો છો? 


Google NewsGoogle News