ધર્મગ્રંથથી હાર્ટ પેશન્ટ્સની ઇમ્યુનિટી પર પોઝિટિવ અસર પડે છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
પાટનગર નવી દિલ્હીમાં એક ઓફિસમાં કામ કરી રહેલા ભાઇને છાતીમાં પીડા ઊપડી. સહકર્મચારીઓએ તરત ૧૦૮ને ફોન કર્યો. એમ્બ્યુલન્સ તત્કાળ આવી ગઇ. હોસ્પિટલ તરફ રવાના પણ થઇ ગઇ. રશ અવરનો ટ્રાફિક એટલો બધો હતો કે એમ્બ્યુલન્સ માર્ગમાં અટવાઇ પડી. હોસ્પિટલ પહોંચી ત્યારે ઓપીડીમાં હાજર રહેલા ડોક્ટરે પેલા ભાઇને મૃત જાહેર કર્યા.
આવી ઘટના હવે ઘણાં મહાનગરોમાં બનવા લાગી છે. કેટલીક વાર કોઇ મોટા નેતાનો કાર કાફલો પસાર થવાનો હોય ત્યારે પોલીસ ટ્રાફિક અટકાવી રાખે છે. એક તરફ ટ્રાફિક વધ્યો છે, બીજી તરફ હાર્ટ અટેકના કિસ્સા પણ વધવા લાગ્યા છે. હજુ તો ડોક્ટરો કહે છે કે કોરોનાના નવા વેરિયન્ટના પગલે હાર્ટ પ્રોબ્લેમની ઘટનાઓ વધશે.
આનો કોઇ ઉપાય ખરો? હા, ઉપાય છે. કાનપુરના ટોચના કાડયોલોજિસ્ટ્સમાંના એક ડોક્ટરે આવા કિસ્સામાં સહાયરૂપ થાય એવું સંશોધન કર્યું છે. દક્ષિણના પોલિટિયન્સ ભલે હિન્દીભાષી લોકોને ઊતારી પાડતા હોય. ઉત્તર ભારતમાં પણ ટેલેન્ટેડ હસ્તીઓ છે. આ કાડયોલોજિસ્ટે એક નાનકડું અને સાવ સસ્તું પાઉચ તૈયાર કર્યું છે.
ફક્ત સાત રૂપિયાના આ પાઉચમાં ત્રણ ટેબ્લેટ હોય છે. એ કહે છે કે ધારો કે તમને ઘરમાં કે ઓફિસમાં કામ કરતી વખતે છાતીમાં પીડા ઉપડી છે. તો તમે તરત આ પાઉચમાં રહેલી ગોળીનો સદુપયોગ કરી શકો છો. એ સમયે સાદા પાણી સાથે પહેલી બે ગોળી લઇ લો. ત્રીજી ગોળી સોબટ્રેટની છે. આ ગોળી સામાન્ય રીતે હાર્ટ પેશન્ટ્સને અપાય છે. આ દવાઓ તમને ટકાવી રાખશે. એનાથી તમને રાહત થશે. પછી હોસ્પિટલમાં જાઓ. તમે હોસ્પિટલ પહોંચો ત્યાં સુધી સુરક્ષિત રહેશો.
આ ડોક્ટરે ઔર એક સરસ પ્રયોગ કર્યો છે. એમની હોસ્પિટલમાં આવનાર વ્યક્તિને કોઇ પ્રકારની સર્જરીની જરૂર હોય તો સર્જરીના મુકરર દિવસના બે ત્રણ દિવસ પહેલાં ડોક્ટર દર્દીને હનુમાન ચાલીસા, સુન્દર કાંડ, રામચરિત માનસ અને ભગવદ્ ગીતા આપે છે.
સાથે હૈયાધારણ આપે છે કે તમે સવાર-સાંજ હનુમાન ચાલીસા અથવા સુન્દર કાન્ડ અથવા રામાયણનો મનગમતો પ્રસંગ વાંચો. આ ડોક્ટર કહે છે કે તમે માનો યા ન માનો, આ પ્રયોગથી દર્દીનું મનોબળ સર્જરી માટે તૈયાર થઇ જાય છે. કેટલાક કિસ્સામાં તો મેં જોયું કે દર્દીની રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) પહેલાં કરતાં થોડી વધી ગઇ હતી.
આવું શી રીતે બને? એના જવાબમાં આ અનુભવી કાડયોલોજિસ્ટ કહે છે કે કોઇ પણ વ્યક્તિ પહેલીવાર ઓપરેશન કે સર્જરી શબ્દ સાંભળે ત્યારે એના ચિત્તમાં એક પ્રકારની નેગેટિવ અસર થતી હોય છે. દર્દી ઓપરેશનના નામમાત્રથી ગભરાઇ જાય છે. મારે ઓપરેશન કરાવવાનું છે? બાપ રે બાપ... ઘણીવાર દર્દીને મળવા આવનારા લોકો એને એમ કહીને વધુ ડરાવી દે છે કે અમારા ફલાણા સગા તો ઓપરેશન ટેબલ પર જ ગુજરી ગયા હતા. આવી વાતોની પણ પેશન્ટ પર નેગેટિવ અસર થાય છે. મારો (ડોક્ટરનો) અનુભવ એવો છે કે હનુમાન ચાલીસા કે સુન્દર કાંડ જેવી પોકેટ બુક્સ મોટે ભાગે પેશન્ટના મનોબળને ટકાવી રાખે છે. પેશન્ટ પૂરેપૂરી સ્વસ્થતાથી સર્જરી માટે તૈયાર હોય છે અને ડિસ્ચાર્જ મળે ત્યારે હસતો હસતો વિદાય લે છે. લોકો હનુમાન ચાલીસા કે અન્ય પુસ્તકો પાછાં આપવા આવે ત્યારે હું કહું છું કે તમે જ લઇ જાવ. ઘરે પાઠ કરજો. સાજાસારા રહેશો.
આ ડોક્ટર કહે છે કે ગીતાપ્રેસ ગોરખપુર જેવાં પ્રકાશકો આવાં સરસ પુસ્તકો સાવ નજીવી કિંમતે આપે છે. હું જથ્થાબંધ મંગાવી રાખું છું. ક્યારેક કોઇ સુખી પેશન્ટ પોતાના તરફથી આવાં પુસ્તકો ભેટ આપે છે. એટલે કામ સરળ થઇ જાય છે.
આમ પણ છેલ્લાં પાંત્રીસ ચાલીસ વરસથી હવે તો યુરોપના ડોક્ટરો પણ પ્રાર્થનાનો મહિમા સ્વીકારે છે. કેટલીક યુરોપિયન હોસ્પિટલમાં મોટા ઓપરેશન પહેલાં ડોક્ટરો પોતે પણ પોતાના સ્ટાફ સાથે પ્રાર્થના કરે છે. એટલે કાનપુરના આ ડોક્ટરના પ્રયોગને આપણે આવકારવો રહ્યો.

