Get The App

ફિલ્મ સ્ટાર્સના કહેવાતા ફેન્સ મરણનોય મલાજો રાખતા નથી

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ફિલ્મ સ્ટાર્સના કહેવાતા ફેન્સ મરણનોય મલાજો રાખતા નથી 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

હિન્દી ફ્લ્મિ જગતના વન એન્ડ ઓનલી હિ-મેન ધર્મેન્દ્ર દેઓલનું ગયા સપ્તાહે અવસાન થયું. વ્યાયામથી કસેલી કાયા ધરાવતો આ સર્વપ્રથમ કલાકાર. ઋતિક રોશન કે સલમાન ખાન વગેરે તો આજકાલના છોકરા કહેવાય. ૮૯ વર્ષની પાકટ વયે થયેલા આ પંજાબી જાટ કલાકારના અવસાનથી દેખીતી રીતેજ બોલિવુડે એક હેન્ડસમ કલાકાર ગુમાવ્યો. વધતી ઉંમર સાથે પણ ધર્મેન્દ્ર એટલા જ સોહામણા દેખાતા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું એમ ધર્મેન્દ્રની વિદાયથી સર્જાયેલો અવકાશ જલદી પૂરાય એવો નથી. ધરમ પાજીની જાહેર સ્મશાનયાત્રા નહીં યોજવાનો નિર્ણય દેઓલ પરિવારે કર્યો હતો. એ ખરેખર સમજદારીભર્યો નિર્ણય ગણી શકાય.

કોઇ પણ ટોચના ફિલ્મ અદાકારની જાહેર સ્મશાનયાત્રા નીકળે ત્યારે કલાકો સુધી ટ્રાફિક અવરોધાય છે. વિદાય લીધેલા કલાકારને અંજલિ આપવા બોલિવુડના કયા કયા કલાકાર આવે છે એ જોવા સ્ટારઘેલા લોકો ભીડ જમાવે છે. આજે તો મોબાઇલ ફોન છે. ફોનના કેમેરાથી લોકો પોતાના માનીતા જે તે કલાકાર સાથે સેલ્ફી લેવા જેવી બાલિશતા દાખવે છે. મૃત્યુનો મલાજો રહેતો નથી. જે કલાકાર આવતો દેખાય એના નામનો દેકારો બોલે છે. દેઓલ પરિવારે સ્મશાનયાત્રા નહીં યોજવાના લીધેલા નિર્ણયને આવકારદાયક ગણવો રહ્યો. જોકે પોતાને ધર્મેન્દ્રના ફેન ગણાવતા થોડાક લોકોએ ટીવી ચેનલ્સ સામે હૈયાબળાપો ઠાલવ્યો. 

હેય ને અમને અંતિમ દર્શનનો લહાવો ન મળ્યો, અમારે પણ અમારા માનીતા કલાકારને શ્રદ્ધાંજલિ આપવી હતી... ટીવી કેમેરાની લાજશરમ રાખ્યા વિના એક મા-દીકરી (કે સાસુ-વહુ કે પછી કોઇ બે અજનબી) મહિલાએ તો રીતસર કેમેરા સામે છાતી કૂટીને છાજિયાં લીધાં, મોટેથી પોક મૂકી. કલાકારની ચાહનાના આવા દેખાડા હોતા હશે? યુવાન મહિલાએ રાવ કરી કે મને ધરમજી બેટી કહેતા, એ મારા પિતા સમાન હતા વગેરે. ધર્મેન્દ્રના અંતિમ  સંસ્કાર થઇ ગયા પછીનાં આ દ્રશ્યો હતાં. ટીવી ચેનલ્સના કેમેરા જોઇને ઘણાને આવો પાનો ચડી જતો હોય છે.

તોય આ ફેન્સ થોડાક સમજુ ગણવા પડે. દક્ષિણ ભારતમાં તો સ્ટાર્સના ચાહકો પોતાના માનીતા સ્ટારનાં મંદિર બનાવે છે. પૂજાપાઠ કરે છે. એથીય આગળ વધીને આત્મવિલોપન કરે છે. એમ.જી. રામચંદ્રન, એન. ટી. રામારાવ કે જયલલિતાના અવસાન વખતે ભાવાવેશમાં આવી જઇને થોડાક ફેન્સે આપઘાત કરેલા. કલાકાર પ્રત્યેની ચાહનાની એ પરાકાષ્ઠા હતી.

ધર્મેન્દ્ર તો ખરેખર ખુશનસીબ હતા. એમને નિકટથી ઓળખનારા કહે છે કે ધર્મેન્દ્રને તમે સારો અભિનેતા ગણો કે ન ગણો, એક માણસ તરીકે એ મૂઠ્ઠી ઊંચેરા હતા. કસરતથી કસેલી કાયાના કારણે સેટ પર એની એક ધાક રહેતી. સ્પોટબોયથી માંડીને ટોચના સાથી કલાકાર સુધીના દરેકને ધરમ માન આપતા. ટોચ પર પહોંચ્યા પછી પણ એનાં વાણી-વર્તનમાં જરાય ફેર પડયો નહોતો. એ સરળ દિલ ઇન્સાન રહ્યા. ધરમને ત્યાં રોજ પચીસ-પચાસ મહેમાનોની રસોઇ થતી. પોતાના વતન સમાન ગામડેથી આવનારા દરેકને ધર્મેન્દ્ર પ્રેમથી જમાડતા.  

અહીં ઔર એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કલાકાર પણ આખરે તો માણસ છે. એનો પણ પોતાનો પરિવાર છે. ટીવી ચેનલ્સે ધરમની ખરેખરી વિદાય પહેલાં જ પાકી માહિતી મેળવ્યા વિના ધર્મેન્દ્રના મરણના સમાચાર વહેતા કરેલા. એટલે દેઓલ પરિવાર નારાજ થયો હતો. 

પોતાના સ્વજનની અંત્યેી કેવી રીતે કરવી એ નિર્ણય લેવાનો સંબંધિત પરિવારનો વિશેષાધિકાર છે. તમને યાદ હોય તો, અગાઉ સંવાદોના બેતાજ બાદશાહ રાજકુમારની ચિરવિદાય વખતે પણ એમના પરિવારે ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. રાજકુમારે સ્પષ્ટ રીતે પોતાના કુટુંબીજનોને કહી રાખેલું કે સાવ સાદગીથી અને જરાય હો-હા કે જાહેર સ્મશાનયાત્રા કરવાની કોઇ જરૂર નથી. ૧૯૫૦ના દાયકાના હસમુખા કલાકાર દેવ આનંદના પરિવારે અંત્યેષ્ઠિ વિદેશમાં કરી નાખેલી. આવા સમયે કલાકારના ચાહકોએ પણ મોતનો મલાજો રાખતાં શીખી લેવું જોઇએ.