For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોઇ પણ ક્ષેત્રની તદ્દન ઠોઠ વ્યક્તિને જિનિયસ બનાવતી ખાસ ટેકનિક !

Updated: Aug 3rd, 2021


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- મનને એકાગ્ર કરીને રોજ જપ કરતાં રહેવાથી મનની શક્તિને જગાડી શકાય

એક કાલ્પનિક પ્રસંગ દ્વારા વાતનો ઉપાડ કરીએ. ભણવામાં કે સ્પોર્ટમાં અવ્વલ નંબર રાખતા એક કિશોરને અકસ્માત નડતાં એના દિમાગમાં કોઇ ખામી સર્જાઇ. એ તદ્દન ઠોઠ જેવો થઇ ગયો. એનાં માતાપિતા ઉપરાંત એના સહાધ્યાયીઓ અને શિક્ષકો પણ સ્તબ્ધ થઇ ગયાં. સૌનો લાડકો એવો આ કિશોર એની પ્રતિભા ગુમાવી બેઠો. 

એક મનોચિકિત્સકે એને ફરી જિનિયસ બનાવી દેવાનું બીડું ઝડપ્યું અને એક પ્રયોગ કર્યો. બરાબર ત્રીસ દિવસના એના પ્રયોગ પછી પેલો કિશોર કોઇ દવા-ઇંજેક્શન કે ટોનિક વિના ફરી પૂર્વવત્ થઇ ગયો. સહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે. પરંતુ આવું કરવું શક્ય છે.  આમ તો છેક ૧૯૬૦ના દાયકાથી 'આર્ટિફિશ્યલ રિઇન્કાર્નેશન' (સરળ ભાષામાં કૃત્રિમ પુનર્જન્મ)ના પ્રયોગો થઇ રહ્યા હતા. આજે પણ આ પ્રક્રિયાને એકસો ટકા સફળતા મળી હોવાનો દાવો કોઇ કરી શકે એમ નથી. પરંતુ આખોય પ્રયોગ ખરેખર રસપ્રદ છે એટલે એની વાત અહીં કરવી છે.

બે ન્યૂરોસાઇકોલોજિસ્ટ રશિયાના વ્લાદીમીર રૈકોવ અને ઝેકોસ્લેાવેકિયાના મિલાન રાયઝલે આ પ્રયોગ શરૂ કર્યા હતા. વ્યક્તિના વિચાર-વર્તન પર એના મનની કેટલી અને કેવી અસર છે, એના અર્ધજાગ્રત મનને સક્રિય કરી શકાય કે કેમ એ જાણવાની તેમની ઇચ્છા હતી. નિકોલાએવ નામના યુવક પર આ પ્રયોગનો આરંભ થયો હતો. ટૂંકમાં આ પ્રયોગની વાત કરીએ તો નિકોલાએવને સતત ત્રીસ દિવસ સુધી સંમોહન (હીપ્નોટિઝમ) દ્વારા તંદ્રામાં રાખીને એના મનની શક્તિને સતત વિકસાવવામાં આવી. એ તંદ્રામાં હતો ત્યારે એના મનમાં ઠસાવવામાં આવ્યું કે તારામાં ભારતના સિદ્ધયોગીઓ જેવી શક્તિ છે. હાલ એ સુષુપ્ત છે. અમે એને જગાડી રહ્યા છીએ.

પરિણામ આશ્ચર્યજનક આવ્યું. આ પ્રયોગ પહેલાં એક મૂષક (ઉંદર) પર કરવામાં આવેલો. એક ઉંદરડીના ચાર પાંચ બચ્ચાંને સબમરીનમાં રાખીને એ સબમરીન દરિયામાં હજારો ફૂટ ઊંડે લઇ જવામાં આવી. થોડા કલાકો બાદ એક પછી એક બચ્ચાની ડોક મરડી નાખવામાં આવી. 

એ ક્ષણે ઉંદરડીના મગજમાં કેવા પ્રતિભાવ પ્રગટે છે એ જોવા માટે એના મસ્તક પર ઇલેક્ટ્રોડ્સ જોડયા હતા. બચ્ચાંને મારવામાં આવ્યાં, બરાબર એ જ ક્ષણથી પેલી માતા ઉંદરડી તરફડવા માંડી. એ વ્યથાની મારી પિંજરામાં દોડાદોડ કરવા માંડી. પોતાનાં બચ્ચાંઓ સાથે કશુંક અઘટિત થયું છે એની આ ઉંદરડી માતાને જાણ થઇ ગઇ હતી.

અત્રે એ યાદ કરીએ કે ૨૦૦૪-૦૫ના ડિસેંબરની ૨૫મીએ કેટલાક દેશોમાં સુનામી આવી ત્યારે ઉત્તરાખંડના પિથોરાગઢની ભાગોળે આવેલા કાલાપાની તરીકે ઓળખાતા વિસ્તારમાં વસતા આદિવાસીઓ અને પશુઓ ખાસ્સા ઊંચા સ્થળે ચાલ્યાં ગયાં હતાં. સાગરના ડુંગરા જેવડાં તોફાની મોજાંની તેમને કોઇ અસર થઇ નહોતી.

ઉંદરડીના પ્રતિભાવ નોંધ્યા પછી આ વિજ્ઞાાનીએાને થયું કે જાનવરના મગજમાં કે મનમાં આવી પ્રબળ ગ્રહણશક્તિ હોય તો માણસમાં તો અગાધ ગ્રહણશક્તિ હોવીજ જોઇએ. એને જગાડીને ભવિષ્યમાં અનેક જિનિયસ પેદા કરી શકાય.  નિકોલાએવ પર કરેલા પ્રયોગો પછી જોવા મળ્યું કે એના મનની શક્તિ ખરેખર અગાધ થઇ ચૂકી હતી. બે હજાર માઇલ દૂર બેઠેલી કોઇ વ્યક્તિએ કરેલા વિચારની એને જાણ થઇ જતી હતી.

આપણને આ વાતની નવાઇ લાગવી ન જોઇએ. આપણે ત્યાં વીરપુરના જલારામ બાપા કે શિરડીના સાંઇબાબા જેવા અનેક સિદ્ધ પુરુષો થઇ ગયા જેમણે પોતાના મનની આ સુષુપ્ત શક્તિને જગાડીને સંકલ્પસિદ્ધિ મેળવી હતી. એના દ્વારા દુ:ખિયાના દુ:ખો દૂર કરતા હતા. 

ગણેશપુરીના સિદ્ધયોગી બાબા મુક્તાનંદ કહેતા કે તમે સાચા હૃદયથી રોજ ઇષ્ટદેવના જપ કરીને આવી શક્તિ પ્રાપ્ત કરી શકો. દરેક ધર્મમાં એક યા બીજા મંત્ર હોય છે. એ મંત્રમાં આવી ચમત્કારી શક્તિ રહેલી છે. મનને એકાગ્ર કરીને રોજ જપ કરતાં રહેવાથી મનની શક્તિને જગાડી શકાય. 

ન્યૂરોસાઇકોલોજિસ્ટ્સ ભલે કહેતાં હોય કે આ પ્રયોગ દ્વારા સાવ ઠોઠ બાળકને તમે આઇન્સ્ટાઇન જેવો જિનિયસ બનાવી શકો. નામજપ દ્વારા તમે એ શક્ય બનાવી શકો. પ્રયોગ કરી શકો છો.

Gujarat