બન્નેના પોષાકમાં બહુ ફરક નથી... માત્ર કેસરી ખેસ ઓઢવાનો છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
સતત નાની મોટી ગેરંટી આપવા માટે પંકાયેલા આપણા વડાપ્રધાને એક કરતાં વધુ વખત જાહેરમાં કહ્યું હતું કે અમારે કોંગ્રેસમુક્ત ભારત બનાવવું છે. લોકસભાની ચૂંટણી આંગણે આવી ઊભી છે ત્યારે આજની તારીખમા્ં તો કોંગ્રેસ-મુક્ત ભારત નજરે પડતું નથી. હા, 'કોંગ્રેસ-યુક્ત'- વાંચજો ધ્યાનથી, 'કોંગ્રેસ-યુક્ત' ભારત અચૂક નજરે પડે છે. વાત થોડી માંડીને કરવા જેવી છે.
ગયા મહિનાના એટલે કે માર્ચના પહેલા સપ્તાહમાં સોશ્યલ મીડિયા પર સચોટ રમૂજ વહેતી થયેલી. ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા કહી શકાય એવા અર્જુન મોઢવાડિયાને કાલ્પનિક મીડિયામેન પૂછે છે, અર્જુનભાઇ, ભાજપમાં આવ્યા પછી કેવું લાગે છે?
જવાબમાં અર્જુન મોઢવાડિયા કહે છે, એકદમ કોંગ્રેસ જેવું લાગે છે. આ જુઓને, મારી આજુબાજુ કુંવરજીભાઇ બાવળિયા છે, હાર્દિક પટેલ છે, બળવંતસિંહ રાજપૂત છે, સી. જે. ચાવડા છે, રાઘવજી પટેલ છે, જયરાજસિંહ પરમાર છે, જવાહર ચાવડા છે, અલ્પેશ ઠાકોર છે... આ બધાને કમલમમાં જોઇને સાવ રાજીવ (ગાંધી) ભવન જેવું જ લાગે છે.
આ રમૂજ ખરેખર તો આપણી લોકશાહી પર એક ક્રૂર કટાક્ષ છે. ભાજપના નેતાઓ અવારનવાર કોંગ્રેસને ભ્રષ્ટાચારની જનેતા કહેતા રહ્યા છે. અલબત્ત, એ સો ટકા સાચું પણ છે. છેક ૧૯૫૦ના દાયકામાં, આઝાદ ભારતની પહેલી સરકારના સમયમાં ધર્મા તેજા અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ કૈરોંએ એક નાનકડું કૌભાંડ આચર્યું હતું.
એ કૌભાંડ ફિરોઝ ગાંધી (તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુના જમાઇ)એ બહાર પાડયું હતું. એ વખતે વડાપ્રધાન નહેરુએ કડક પગલાં લીધાં હોત તો બોફર્સ સુધી ભ્રષ્ટાચારની ગટરગંગા પહોંચી ન હોત. કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનેતા છે એમ તમે કહો અને એ જ શ્વાસમાં કોંગ્રેસના પાટલીબદલુ નેતાઓને તમે કેસરી ખેસ પહેરાવી દો એટલે એ પવિત્ર થઇ જાય એમ કે?
ભાજપના આ પગલાને મતદારો ન સમજી શકે એટલા ભોટ નથી હોં કે! જો કે રાજકારણના ઊંડા અભ્યાસી એવા વિદ્વાનો થોડી જુદી વાત કરે છે. આ અભ્યાસીઓનો અભિપ્રાય સમજવા જેવો છે. એક કરતાં વધુ રાજ્યોના મુખ્ય પ્રધાનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પગલે જેલવાસ ભોગવતા હોય ત્યારે નાનાં-મોટાં કૌભાંડો કે ગેરરીતિમાં સંડોવાયેલા અન્ય લોકો દેખીતી રીતે ચોંકી ઊઠે. આજે આ લોકોનો વારો આવ્યો તો કાલે મારા દરવાજે પણ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) કે સીબીઆઇના ઓફિસરો આવી શકે. પાણી પગ તળે આવે એ પહેલાં પાળ કાં ન બાંધી લેવી! આવા વિચારે કેટલાક કોંગ્રેસીઓ બળતું ઘર કૃષ્ણાર્પણ કરીને ડૂબી રહેલી નૌકામાંથી ઠેકડા મારી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના પોષાકમાં તો બહુ ફરક નથી. માત્ર કેસરી ખેસ ઓઢવાનો છે. બહુ તો ભાજપના વરિષ્ઠ નેતાઓની જય બોલવાની છે. આપણે તો સુરક્ષિત રહી શકીએ છીએ ને... કોંગ્રેસ જાય ભાડમાં.
આમ પણ એકસો ઓગણચાલીસ વરસના થવા આવેલા કોંગ્રેસ પક્ષને રાતોરાત ખતમ કરી શકાય એવી કોઇ જાદુઇ છડી ભાજપના કોઇ નેતા પાસે નથી. છેક ૧૮૮૫માં સ્થપાયેલા આ પક્ષને, સ્વાતંત્ર્ય સંગ્રામને સમર્પિત નેતાઓએ દેશના ખૂણે ખૂણે પહોંચાડયો હતો. માત્ર પચીસ-પચાસ ખોરડાં હોય એવા સાવ છેવાડાના કસબા સુધી કોંગ્રેસ પક્ષ પહોંચ્યો હતો.
પાયાના કાર્યકરો અને નેતાઓના રુધિરથી સિંંચાયો હતો. એ વાત જુદી છે કે રાજકીય આઝાદી મળ્યા પછી કોંગ્રેસે પોતાની પવિત્રતા ગુમાવી અને ભ્રષ્ટાચારનો અસુર પરીકથાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલો રાત્રે વધતો રહ્યો. એટલું ઓછું હોય તેમ આજની કોંગ્રેસી નેતાગીરી તો સાવ વામણી પુરવાર થઇ રહી છે. કેટલાક નેતાઓ ન બોલવા જેવી ભાષા બોલે છે, બેફામ વર્તે છે અને જાણ્યે અજાણ્યે મતદારોનો વિશ્વાસ ગુમાવી રહી છે. છતાં ભાંગ્યું તોય ભરૂચ ન્યાયે એ સાવ નષ્ટ થઇ જાય એવી શક્યતા હાલ તો નજરે પડતી નથી.
કદાચ ૨૦૨૪ પછીના પાંચ વરસે આવનારી સંસદીય ચૂંટણી વખતે નામશેષ થઇ જઇ શકે ખરી. અત્યારે તો કોંગ્રેસયુક્ત ભાજપ નજરે પડે છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા !