app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કુટુંબો ભાંગી રહ્યાં છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે

Updated: Nov 1st, 2022


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- વ્હોટ્સએપ પર સુવાક્યો વાંચવા ગમે છે કે વૃદ્ધ એટલે અનુભવ-સમૃદ્ધ. પરંતુ એ અનુભવ-સમૃદ્ધને સાચવવાની જવાબદારી સ્વીકારવા સંતાનો તૈયાર નથી

વિક્રમ સંવત્ ૨૦૭૯નો આજે પહેલો મંગળવાર. દીપોત્સવીની રજાઓમાં કેટલાક વિચારો ચિત્તતંત્રને હલબલાવી ગયા. એવો એક વિચાર આજે અહીં તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. ધ્યાનથી વાંચીને વિચારવા જેવું છે. પહેલી વાત- કેટલાક સુખી પરિવારો સદાને માટે દેશ છોડી જાય છે. ખુદ કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલી વિગતો મુજબ પૈસેટકે સુખી પરિવારો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે બીજા કોઇ દેશમાં ઊડી જાય છે. અહીં બેંકો સાથે અબજોની ગોલમાલ કરીને નાસી ગયેલા નીરવ મોદી જેવા લોકોની આ વાત નથી. એવા સાધારણ લોકોની વાત છે જે એક યા બીજા કારણે દેશ છોડી જાય છે. એમને કદાચ વિદેશમાં વધુ સુખશાંતિ દેખાતાં હશે. દિવસે દિવસે આવા લોકોની સંખ્યા વધતી ચાલી છે. એનાં કારણો સરકારે જ તપાસીને સુધારાત્મક પગલાં લેવાં રહ્યાં.

દિવાળીના દિવસે અમદાવાદના કોઇ મંદિરમાં હસું હસું થતી એક મહિલા એની બહેનપણીને કહી રહી હતી કે હું આવતા મહિને અમેરિકા જઇ રહી છું. કેમ, તો કહે, મારા દીકરાને ત્યાં દીકરો આવ્યો છે. દીકરો-વહુ બંને નોકરી કરે છે એટલે બાળકને સાચવનારું કોઇ નથી. મને રિક્વેસ્ટ કરી છે કે મમ્મી, તું ચાર છ મહિના અહીં આવી જા... આ બહેન હરખઘેલા થયાં છે, પરંતુ એ એક વાત ભૂલી જાય છે કે એમને બેબી સીટર તરીકે ત્યાં બોલાવે છે. 

થોડા મહિના પછી ગરજ નહીં રહે ત્યારે આ બહેને અમદાવાદ પાછાં આવી જવું પડશે. ફરી એકલાં થઇ જશે. એમના પતિ હયાત નથી અને પુત્રી પરણેલી છે. ઘરઆંગણે સાજે માંદે એમને મદદ કરી શકે એવું કોઇ નથી. દીકરીને પોતાનો પરિવાર છે.

ઔર એક કિસ્સો જાણવા જેવો છે. ઘરના વડીલના અવસાન પછી દીકરો-વહુ સંપી ગયાં અને માતાને અષ્ટંપષ્ટં સમજાવીને ઘરડાઘરમાં મૂકી આવ્યાં. એમનો નાનકડો દીકરો ખૂબ રડયો પરંતુ આ બંનેના પેટનું પાણી હાલ્યું નહીં. આ કિસ્સો જાણીને કવિ વેણીભાઇ પુરોહિતે વરસો પહેલાં લખેલી એક વાર્તા યાદ આવી ગઇ. પેટે પાટા બાંધીને એક વિધુર-શિક્ષક પિતાએ પુત્રને ડોક્ટર બનાવ્યો. પેલો એક સુખી પરિવારની ડોક્ટર કન્યાને પરણ્યો. બંને ડોક્ટર. પેલીને ઘરડા પિતા ગમતા નહીં. ડોક્ટર દંપતીએ બંગલો બનાવ્યો. એમાં પાછળની બાજુ સરવન્ટ ક્વાર્ટર પાસે પિતાને એક ઓરડી આપી દીધી. એમાં એક નાનકડો ઘંટ રાખ્યો. પિતાને કંઇ જરૂર હોય તો દોરી ખેંચીને ઘંટ વગાડે. નોકર આવીને એમને જોઇતું કરતું આપી જાય.

સમય બદલાયો. પિતા અવસાન પામ્યા. એમનો ઓરડો સાફ કરતી વખતે પેલો ઘંટ મળ્યો નહીં. ડોક્ટર દંપતી વિચારમાં પડયું, ઘંટ ક્યાં ગયો? એમના એકના એક દીકરાએ કહ્યું, મમ્મી, ઘંટ તો મારી પાસે છે. કાલે સવારે તમે દાદાજી જેવડા થાઓ ત્યારે મને જોઇશે ને... ડોક્ટર યુગલ પાષાણવત્ થઇ ગયું. આ વાર્તા છે, પરંતુ આજે આવું બની શકે છે. બાળકો માતાપિતાનું જોઇને શીખે છે.

આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કુટુંબો ભાંગી રહ્યાં છે. અખબારો નિયમિત વાંચો તો ખ્યાલ આવશે કે દિવસે દિવસે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. એકલા અમદાવાદનીં ૬૫-૭૦ લાખની વસતિમાં અત્યારે સત્તર-અઢાર વૃદ્ધાશ્રમો છે. વ્હોટ્સ એપ પર સુવાક્યો વાંચવા ગમે છે કે વૃદ્ધ એટલે અનુભવ-સમૃદ્ધ. પરંતુ એ અનુભવ-સમૃદ્ધને સાચવવાની જવાબદારી સ્વીકારવા સંતાનો તૈયાર નથી. એમાંય પોતાની હયાતીમાં સંતાનોને સંપત્તિ વહેંચી દેનારા વડીલોની સ્થિતિ તો પાળેલા જાનવર કરતાંય વધુ કફોડી હોય છે. કેટલાક વૃદ્ધાશ્રમો પણ પૂરતા ભંડોળના અભાવે દયામણી સ્થિતિમાં છે. લગભગ રોજ એકાદ બે વડીલ વખાના માર્યા વૃદ્ધાશ્રમનો  દરવાજો ખટખટાવે છે.

આવું ક્યાં સુધી ચાલશે?  નવા વર્ષના પહેલા મંગળવારે આ એક વાત તમારી સમક્ષ મૂકી છે. વિચારજો. કંઇક કરવાની ઇચ્છા જાગે તો કરજો.

Gujarat