અષાઢી બીજે વિફરેલા ગજરાજે આજની ટીનેજર પેઢીને સૂચક સંકેત કર્યો
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
૧૯૯૬ના નવેમ્બરમાં મુંબઇના અંધેરી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જગવિખ્યાત ગાયક-સંગીતકાર-ડાન્સર માઇકલ જેક્સનની કોન્સર્ટ યોજાઈ હતી. એ કોન્સર્ટને સ્પોર્ટ્સ કોમ્પલેક્સની આસપાસ રહેનારા લોકો આજે પણ ભૂલ્યા નથી. કારણ? આ કોન્સર્ટમાં સ્ટેડિયમમાં પચીસ-પચીસ હજાર વાટ્સના અર્ધો ડઝનથી વધુ સ્પીકર્સ ગોઠવાયાં હતાં. એથી એટલો બધો ઘોંઘાટ સર્જાયો હતો કે સ્પોર્ટ્સ કોમ્પલેક્સની આજુબાજુ અઢી-ત્રણ કિલોમીટર વિસ્તારનાં મકાનોનાં બારી-બારણાં ખખડયાં હતાં. કેટલાંક મકાનોની બારીના કાચ ખણણણ કરતાં તૂટી પડયા હતા. એ સંગીત અને એ ઘોંઘાટ આજે પણ લોકો ભૂલી શક્યા નથી.
આ ઘટના યાદ આવવાનું કારણ આ વર્ષે આષાઢી બીજે અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. ડિસ્ક જોકી (ડીજે) તરીકે ઓળખાતા કલાકારોએ જે કાનફાડ સંગીત શરૂ કર્યું, એને કારણે જગન્નાથજી મંદિરનો એક તાલીમબદ્ધ હાથી ભડકી ગયો અને ગભરાઈને ભાગમભાગ શરૂ કરી. એને જોઈને બીજા એકાદ બે હાથી પણ કતાર છોડીને દોડવા માંડયા. એ તો પ્રભુની કૃપા કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ બનાવ પરથી આજની નવી પેઢી કંઇક સમજે તો સારું.
નિષ્ણાત ઇએનટી (કાન, નાક અને ગળાના) સર્જન્સ આમ પણ છેલ્લાં થોડાં વર્ષોથી સતત ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં બહેરાશના કિસ્સા ખૂબ વધી જશે. એક તરફ કાનમાં હેડફોન નાખીને ટુ-વ્હીલર દોડાવતા યંગસ્ટર્સ છે, અને બીજી બાજુ સંગીતના નામે વધતા જતો શોર છે. ઉત્સવઘેલા લોકો કોઈ પણ બહાને ઘોંઘાટિયું સંગીત યોજી નાખે છે. બર્થડે પાર્ટી હોય, એન્ગેજમેન્ટ હોય કે પરીક્ષા પૂરી થયા પછીનો આનંદ વ્યક્ત કરવા યોજેલી ગેટ-ટુ-ગેધર પાર્ટી હોય, ઊંચા અવાજે વાગતા પાશ્ચાત્ય સંગીત અને નાચગાન જોવા-સાંભળવા મળે છે. નિષ્ણાત ડોક્ટરો કહે છે કે ઘોંઘાટની પણ એક હદ હોય છે.
અવાજની ઊંચાઈ કે ઘનતા (વોલ્યુમ માટે વાપરેલો શબ્દ)ને માપવાના આંકને તબીબી વિશ્વમાં ડેસિબલ કહે છે. નિષ્ણાત ડોક્ટરો કહે છે કે માણસ વધુમાં વધુ પચાસ (૮૫) ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે. ત્યાર બાદ કાનમાં ધાક પડવા માંડે છે. અવાજ વધુ ઊંચો થતો જાય તેમ, માનવ શરીરમાં એના પ્રત્યાઘાત અલગ-અલગ રીતે પડવા માંડે છે. તમને ક્યારેક એવું અનુભવાયું હશે કે તહેવારોના દિવસોમાં અચાનક ફટાકડાનો ધડાકો થાય ત્યારે થોડીવાર માટે હૃદયના ધબકારા વધી જાય, થોડીવાર માટે સંભળાતું બંધ થઈ જાય. સતત આઠ કલાક સુધી ફટાકડાના આવા ધડાકા સાંભળો તો કાયમ માટે બહેરા થઈ જશો.
યૂરોપ અને અમેરિકામાં હવે મ્યુઝિક થેરપીના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. અનિદ્રા, હાઈપરટેન્શન અને સ્ટ્રેસના રોગીઓને પંડિત શિવકુમાર શર્માનું સંતુરવાદન કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની વાંસળીના અવાજમાં સંભળાવવામાં આવે છે. ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીનો કિસ્સો યાદ કરવા જેવો છે. આપણા ગરવા ગુજરાતી પંડિત ઓમકારનાથ ઠાકુરના સંગીતે અનિદ્રાના રોગી એવા મુસોલિનીને ઘસઘસાટ ઊંઘાડી દીધો હતો. ત્યાર બાદ મુસોલિનીએ પોતાના સંગીતકારોને કહ્યું કે, 'આ માણસે જે સંગીત સંભળાવ્યું, એની સ્વરલિપિ (નોટેશન) નોંધી લો, જેથી મને જરૂર પડે ત્યારે તમે મને સંભળાવી શકો.'
એનો અર્થ એ કે સૌમ્ય સંગીત માણસને હળવાશ અને નિરાંતનો અનુભવ કરાવે છે. બીજી બાજુ પશ્ચિમની અસર હેઠળ તૈયાર કરાયેલું આજનું સંગીત માનસિક આરોગ્ય પર વિપરીત અસર કરે છે. માણસ ગુસ્સે થઈ જાય છે, ઉશ્કેરાઈ જાય છે અને ક્યારેક ચીસો પાડવા માંડે છે.
આજે લગ્ન સમારોહમાં, ખાસ કરીને વરઘોડા નીકળે ત્યારે, ગણેશોત્સવમાં અને ઇવન નવરાત્રિમાં સંગીતના નામે જે ઘોંઘાટ થાય છે, એ લાંબે ગાળે શ્રવણશક્તિને કાયમી નુકસાન કરે છે. લગભગ દર વરસે મહારાષ્ટ્રના એકાદ અખબારમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાનું એકાદું કાર્ટૂન પ્રગટ થતું હોય છે. એમાં ગણપતિબાપા પોતાની આજુબાજુ વાગી રહેલા અત્યંત ઘોંઘાટિયા સંગીત વિશે મૂષકને ફરિયાદ કરતા દેખાડાય છે.
વધુ પડતા ઘોંઘાટિયા ડીજે સંગીતથી ભડકેલા ગજરાજે એક પ્રકારે આપણને સૌને ચેતવણી આપી છે કે, 'બસ કરો આ ઘોંઘાટ, અથવા વિપરીત પરિણામ ભોગવવા તૈયાર રહો!'