વ્યારાના ઉંચામાળાના ઇજનેર યુવાને કાકડી પ્રજાતિની 'ઝુકીની'ની ખેતી કરી
-અમેરિકન ઝુકીનીનું એક એકરમાં 20 ટન જેટલું ઉત્પાદન લઇ શકાય અને ચાર મહિના સુધી આવક મેળવી શકાય છે
વ્યારા
તાપી જિલ્લાના વ્યારાના ઉંચામાળા ગામના યુવકે ખેતીમાં નવતર પ્રયોગ કરી કાકડી જેવી જ પ્રજાતિની અમેરિકન 'ઝૂકીની' શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી રોજગારીનું નવુ સોપાન સર કર્યું છે.
વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે રહેતો નૈતિક ચૌધરીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કર્યું છે. ખેતી થકી પરિવારનું ગુજરાન ચાલવતા પિતા વિલાસભાઈનું કોરોનામાં મોત થતા પરિવારની સંપૂર્ણ જવાબદારી નૈતિક પર આવી હતી. પિતાની ખેતીના વારસાને આગળ ધપાવવા ડિગ્રી સાથે કંઈક નવુ કરવાની ઘેલછા હોવાથી તેણે ઓર્ગેનિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો અને ઈન્ટરનેટના માધ્યમથી કાકડી જેવી જ પ્રજાતિ એવી અમેરિકન કોળુ તરીકે ગુણકારી શાકભાજી ''ઝુકીની''ની ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું હતુ. છોડ રૃપે થતી ઝૂકીનીની ખેતી કરવા માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવા બાગાયત વિભાગનો સંપર્ક કરી ૭૦ ટકા સબસીડીનો લાભ લઈને ૩.૫ વિંઘા જમીનમાં ઝુકીનીની ખેતી શરૃ કરી હતી. દિલ્હીથી બિયારણ મંગાવી પોતે તેના છોડ તૈયાર કર્યા અને પછી તેનું વાવેતર કર્યું હતુ.
ઝુકીનીનું એક એકરમાં ૨૦ ટન જેટલું ઉત્પાદન મેળવ્યું છે. ૪૫ થી ૫૦ દિવસમાં પાકનો ઉતાર ચાલુ થઈ જાય છે અને ૪ મહિના સુધી આવક મેળવી શકાય છે. હાલમાં આ પાક નવો હોવાથી પ્રચલિત નથી, જેથી મોટા શહેરોમાં મોકલવો પડે છે. તે માટે ઓનલાઈન માર્કેટીંગ કરવામાં આવે છે. જેમાં ૧ મણના અંદાજીત ૧૫૦૦ થી ૨૦૦૦ સુધીનો ભાવ મળે છે. તાપી જિલ્લાના નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે જણાવ્યું કે, નૈતિકે નવો પાકથી સારી આવક મેળવી અન્ય ખેડૂતોને પણ ઝૂકીનીની ખેતી કરવા પ્રેર્યા છે.