ઝૂમ બરાબર ઝૂમ : આધુનિક ટેકનોલોજી અને શરાબી મસ્તી બન્ને એક શબ્દમાં
- ઝૂમ એપ્લિકેશન દ્વારા સેમિનારની જેમ વેબિનારનું આયોજન થાય છે
આધુનિક ટેકનોલોજી અને શરાબી મસ્તી બન્ને એક શબ્દમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. ઝૂમ એક એપ્લિકેશન છે જેના પર અત્યારે દેશના લાખો લોકો નિર્ભર છે. તો પણ એની સામે ફરિયાદો પણ ઓછી નથી. ઝૂમ એપ્લિકેશન દ્વારા સેમિનારની જેમ વેબિનારનું આયોજન થાય છે અને એક સાથે અનેક લોકો આ વેબિનારમાં જોડાઇ શકે છે, પ્રશ્નોત્તરી પણ કરી શકે છે. વિવિધ ઔદ્યોગિક મહામંડળો અને ટોચના બિઝનેસ કન્સલ્ટન્ટસ્ આજકાલ આ પ્રણાલિકાનો ધૂમ ઉપયોગ કરે છે. એની સામે માઈક્રોસોફ્ટ ટીમ નામની એપ્લિકેશન વધુ સિક્યોર માનવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ઝૂમ એપ્લિકેશન ભારતમાં વધુમાં વધુ બે લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી પરંતુ માર્ચ-એપ્રિલ દરમિયાન પચીસ લાખ લોકોએ એને પોતાના મોબાઈલ ફોન અને કોમ્પુટરમાં ડાઉનલોડ કરી લીધી છે. કંપનીઓના ઉચ્ચાધિકારીઓની મિટિંગ, આચાર્યો અને સંચાલકો દ્વારા અધ્યાપકો-શિક્ષકો સાથેના વાર્તાલાપ અને કેટલાક સામાજિક - પારિવારિક સંવાદો માટેના આ નવા ડિજિટલ પ્લેટફોર્મ વધુ ને વધુ લોકપ્રિય થવા લાગ્યા છે.
એક તરફ આ ચિત્ર છે તો બીજી બાજુ શરાબની દુકાનો ખોલવાની કેન્દ્ર સરકારે મંજુરી આપતા ઝૂમ બરાબર ઝૂમની એક અલગ જ દુનિયા દરેક લિકરશોપની બહાર જોવા મળે છે. આ બાબતમાં પણ ગુજરાતમાં ઝૂમનારાઓનો એક લાયસન્સ વર્ઝન સમુદાય છે ! દેશમરમાંથી શરાબની દુકાનોને લોકડાઉનમાંથી મુક્તિ મળી જતાં એના વ્યસનીઓ અને ચાહકોમાં ખરીદીની ઉત્કંઠાની પૂનમની ભરતી આવી ગઈ. એના સંખ્યાબંધ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઉપરાંત એના કરોડોના કારોબારમાંથી સંબંધિત રાજ્ય અને કેન્દ્ર સરકારને થતી આવકના હિસાબો, નવરાશની આખી મોસમ માણતા લોકોએ પાટીપેન લઈને ગણી બતાવ્યા છે. દેશના શરાબના કારોબારે આજકાલ ઘણા લોકોને ગણિતની અજબ પ્રેક્ટિસ કરવાનો મોકો આપ્યો છે.
એટલે કે શરાબની બાબતમાં એક વર્ગ એવો છે જે એને પીવે છે અને બીજો વર્ગ એનો હિસાબ કરે છે. આવા હિસાબીઓની સંખ્યા ગુજરાતમાં વધારે છે કારણ કે ગુજરાતમાં તથાકથિત દારૂબંધી છે. હજુ ગુજરાતને ન ઓળખતા ઘણા લોકો આપણા રાજ્યને ડ્રાય સ્ટેટ કહે છે. પરંતુ એકવાર તેઓ અહીંનું આતિથ્ય માણે પછી ખ્યાલ આવે છે કે આટલી ભીનાશ તો શરાબમુક્તિ ધરાવતા રાજ્યોમાં પણ નથી ! બ્લેક વેલ્વેટથી કેસર કસ્તુરી અને વ્હીસ્કીથી વોડકા સુધીની આખેઆખી નદીઓ ગુજરાતમાં રાજસ્થાન-મધ્યપ્રદેશની સરહદેથી આવે છે ને આવ્યા જ કરે છે. બહુ વ્યવસ્થિત એક ભૂગર્ભ ગઠબંધન અને અંધારી આલમ એમાં જોડાયેલા હોય છે. એના છેડાઓ રાજ્યના ગૃહખાતાથી નશાબંધી અને આબકારી વિભાગ સુધી લંબાયેલા હોય છે. દરેક નવા મુખ્યમંત્રી શરૂઆતમાં વારંવાર દારૂબંધીની વાતો કરે છે અને પછી પ્રધાનો ખુદ વહેતી નદીઓ જેવી સિસ્ટમનો એક ભાગ બની જાય છે. ગુજરાતની પ્રજાએ દાયકાઓથી સગી આંખે જોયેલું આ ચિત્ર છે.
લોકડાઉનમાં ફક્ત બજારો ઉપર તાળાબંધી છે, જનમાનસના અસલી ચહેરાના પ્રદર્શન ઉપર નહીં. ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે રોગચાળો મનુષ્ય પાસેથી તેની માનવતા છીનવી લેતો હોય છે. આમ પણ કપરા કાળમાં માણસનો અસલી ચહેરો સામે આવી જતો હોય છે. માણસને બેનકાબ કરવો હોય તો તેને મુશ્કેલીથી ઘેરી વળો. અત્યારે તો આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. માટે માનવીય સત્કાર્યોના ચપટીક ઉત્તમ ઉદાહરણોની સાથે સાથે માનવમૂલ્યો અને નૈતિકતાનું અધઃપતન થતા અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. રેડ ઝોનના અમુક વિસ્તારોમાં લોકડાઉન કરફ્યુમાં તબદીલ થયું તો સાંજે બજારમાં લાગેલી ભીડ જે એક મોટુ દ્રષ્ટાંત હતી કે માણસ એકંદરે સ્વાર્થી છે. અમદાવાદની કરિયાણા અને શાકભાજી માટે ઉમટેલા માનવમહેરામણને કારણે કોરોના કેટલો ફેલાયો એના માટે ૧૪ દિવસની હજુ રાહ જોવી પડશે.
ભારતનું એક બીજું આશ્ચર્યજનક પાસું પણ આ અઠવાડિયે જોવા મળ્યું. ઘણા રાજ્યોમાં સરકારે આલ્કોહોલ વેચાણને છૂટ આપી. વાયુવેગે આ સમાચાર ફેલાયા અને વાઇનશોપની બહાર કતારો લાગી. કોરોનાનો ભય છુમંતર થયો અને મદિરાની છલકતી બોટલો ઘરભેગી થઈ. કલાકો સુધી ભારતીયો લાઈનમાં ઉભા રહ્યા. માસ્ક અને માસ્કવિહોણા લોકોની અભૂતપૂર્વ કતારના દર્શન વિશ્વ મીડિયાએ દુનિયાને કરાવ્યા. મહામારીનો સમય છે કે તહેવારોની ઉજાણીનો પ્રસંગ એ ઘણા લોકોને ન સમજાયું કારણ કે એક વિશિષ્ટ તરસની હરોળે વાયરસના ભયને તત્પુરતો પરાસ્ત કરી દીધો હતો. લોકડાઉનમાં જો કે માવા અને તમાકુના બંધાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓની સૂચિમાં વ્યસનઆદિ પદાર્થોનો પણ સમાવેશ કરવો પડે એ ઘણા ભારતીયોનો પ્રત્યક્ષ કે પરોક્ષ મત રહ્યો છે. પાન, મસાલા અને બીડી-સીગારેટની ભડકતી વાસનાઓના મજાકિયા વીડિયોએ ટીક ટીક કરીને દરેક ટોકમાં લોકોને પેટ પકડીને હસાવ્યા છે.