Get The App

શિયાળો જોખમી નીવડશે : ક્રમશઃ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે

Updated: Nov 14th, 2021

GS TEAM

Google News
Google News
શિયાળો જોખમી નીવડશે : ક્રમશઃ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે 1 - image

શિયાળો જોખમી નીવડશે

ક્રમશઃ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રવિપાકનું વાવેતર ધમધોકાર ચાલે છે અને હવે એ પૂરું થવામાં છે. હેમંત ઋતુના હળવા અને શીતળ પવનો પ્રાતઃકાળે ભારતીય ઉપખંડમાં ચોતરફ તાજગી પ્રસરાવવા લાગ્યા છે. આ તાજગી એમને માટે છે જેઓનામાં આહાર શુદ્ધિ અને વિહાર પ્રીતિ છે. વહેલી સવારની ઊંઘ એટલા માટે જ મીઠી આવતી હોય છે કે પૂર્વ દિશામાંથી પ્રગટતું સોનું સૌને માટે હોતું નથી. ડૉક્ટરોના કહેવાથી જેઓ ચાલવા જાય છે તેમને માટે તો ચાલન-પ્રક્રિયા દવાના એક ડોઝથી વિશેષ કશું નથી ! પરંતુ જેઓ નિરોગી છે અને નિજાનંદે ચાલવા જાય છે, તેઓ જ ખરેખર મહાન ચાલકવીર છે, કારણ કે એમને ચાલવામાંથી આરોગ્ય નહીં, પરંતુ આનંદ જોઈએ છે. આરોગ્ય તો એમની પાસે છે જ. આમ પણ જિંદગીના દરેક ઉપક્રમમાં પરિપૂર્ણ આનંદ એમને જ મળે છે, જેમની પાસે આરોગ્ય છે. વિવેકાનંદ સંસારીઓને કહે છે કે ભોગ ભોગવવા માટે પણ સંયમ અને સ્વાસ્થ્ય જરૂરી છે.

વહેલી સવારના કોસ્મિક વાતાવરણ પણ મનોરમ હોય છે. જેમની બૉડીક્લોક સવારે જાગવા પ્રમાણેની ગોઠવાયેલી હોય તેમને પ્રકૃતિના અણમોલ આરોગ્યભંડારનો લાભ મળે છે. મોડી રાત સુધી મોબાઈલમાં ટિકટિક અને ચીંચીંચીં કરતા લોકો માટે વહેલી સવાર સ્વયં એક કદી ન પ્રાપ્ત થનાર સ્વપ્ન છે. સરેરાશ આખા દેશના જીવન પર ઉતાવળે નજર દોડાવો તો ખ્યાલ આવે કે ભારતીય પ્રજાની દિનચર્યા ઠેબે ચડી ગયેલી છે અને એ જ અનારોગ્યનું મૂળ કારણ છે. શોર્ટ વીડિયોમાં આજકાલ સંસ્કાર અને સંસ્કૃતિ પણ શોર્ટ થતા જાય છે ને એ જોવા કરોડો આંખો ઘેરાય છે ત્યારે ભવિષ્ય એકદમ અનિશ્ચિત બની જાય છે. જે દેશમાં સાંજ પડે એ ગોધૂલિ વેળાએ ઝાલર વાગતી ને ઘરઘરમાં સંધ્યા-આરતી થતી એ દેશમાં મોબાઈલમાં માથું ઝૂકાવેલા કરોડો મમીમૂતલોક જોવા મળે છે. ક્ષિતિજે ઉદયમાન બાલસૂર્યના કોમળકિરણોની અમૃતધારા ઝિલવા ભલે વન-ઉપવનમાં ન જવાય પણ બારી, અગાસી કે આંગણામાં તો એ લ્હાવો લેવાય.

આ વખતનો શિયાળો એક અસામાન્ય શિયાળો છે. કારણ કે કોરોનાની બીજી લહેરમાં ઘવાયેલા અને દેખીતી રીતે સાજા થયેલા એવા સંખ્યાબંધ નાગરિકો માટે આ શિયાળો જોખમી પુરવાર થવાનો છે. ભારતીય આરોગ્યશાસ્ત્ર પ્રમાણે જુઓ તો તંદુરસ્તીની સર્વશ્રષ્ઠ મોસમ શિયાળો જ છે. આ મોસમમાં પ્રકૃતિદત્ત સ્વસ્થતા પ્રાપ્ત થાય છેત એટલે કે તાજગી અને સ્ફૂર્તિ સહુને સહજસિદ્ધ હોય છે. પરંતુ કોરોનામાં જે લોકોએ પોતાના શરીરને ગંભીર સંઘર્ષ કરતા જોયું અને અનુભવ્યું છે તથા એ સંઘર્ષને પાર કરીને જાણે કે સદેહે પુનર્જન્મ મળ્યો હોય એમ જે લોકો પોતાની જિંદગીમાં પાછા ફર્યા છે, તે સદભાગીઓની આંતરિક શારીરિક રચના અગાઉ હતી તેવી ને તેવી સ્વસ્થ થવાને હજુ વાર હોય છે. બહારથી તો બધું સબ સલામત લાગતું હોય છે, પરંતુ શરીરની ભીતરના કેટલાક કામ એટલે કે સર્વ આંતરિક અવયવોનું પુનઃસ્થાપન હજુ બાકી હોય છે. 

કોરોનામાં જે લોકો પોતાના વિવિધ આહારજન્ય અપલક્ષણોને કારણે પથારીમાં પડયા હોય અને સાજા થયા પછી જેમણે પોતાના એના એ અપલક્ષણો ફરી ચાલુ કરી દીધા હોય, તેમને આ શિયાળો ભારે પડવાનો છે. કોરોનાની ત્રીજી લહેરના પડઘા દેશની દરેક દિશાએથી સંભળાય છે. પરંતુ ભારતીય નાગરિક એક જ એવો છે કે જેને આ પડઘા સિવાય બધું જ સંભળાય છે. સમગ્ર પ્રજાએ એક નાટયાત્મક નિર્ભયતા ધારણ કરી લીધી છે. અલબત્ત એનું એક સાચું કારણ વેક્સિનેશન પણ છે. પરંતુ વેક્સિન લીધા પછી લોકો જે રીતે નફ્ફટ થઈને હરે છે, ફરે છે અને ટોળે વળે છે, એ જોતા તેમણે ફેંકી દીધેલું માસ્ક, વેન્ટિલેટર બનીને તેમના નાક સુધી પાછું ન ફરે તો જ નવાઇની વાત છે. વાત કડવી છે, પરંતુ પ્રજાએ ગળે ઉતારવી પડે એમ છે. યુરોપમાં એક જ સપ્તાહમાં નવા વીસ લાખ કોરોના-કેસ નોંધાયા છે. આંકડો આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ કેસની રફતાર વધતી જ જાય છે.

ચીનમાં પણ એ જ હાલત છે. મૂર્ખ ચીનાઓએ જિનપિંગને મહાન નેતા બનાવ્યો ને એમનો એ નેતા હવે ચીનાઓને નરકથીય વધુ ખતરનાક જિંદગી તરફ ધકેલી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ચીનની નિકાસ ખોરવાઈ ગઈ છે. એ દેશના કરોડો કામદારો ઘરકેદ થતાં ઔદ્યોગિક સેક્ટરમાં સન્નાટો છવાઈ ગયો છે. શેનઝેનમાં તો પોલીસ કાફલાઓ મોકલીને કામદારોને ફેક્ટરી સુધી ધરાર લાવવામાં આવ્યા પણ બહિષ્કાર થતાં છેવટે એ પ્રયોગ પડતો મૂકાયો છે. ચીનાઓમાં શાસન તરફનો તિરસ્કાર પરાકાષ્ઠાએ છે ને ભારેલો અગ્નિ ગમે ત્યારે ભડકી ઉઠે એમ છે.

Tags :