કામદારોની કોણે કરી મજાક ?
- મજૂરની મજબૂરી ઘરના દિવાનખંડમાં બેઠા બેઠા સમજાય એવી નથી હોતી
ફિલ્મોમાં ભાગ - બે હોય છે એને સિક્વલ કહે છે. બીજા ભાગમાં અગાઉનું કથારસયુક્ત અનુસંધાન હોય અને હંમેશા વધુ સનસનાટી પણ હોય એવી દર્શકો દ્વારા અપેક્ષા રાખવામાં આવતી હોય છે. લોકડાઉન ભાગ - બે સનસનાટીને બદલે કમકમાટીભર્યો નીવડે એવું દેખાઈ રહ્યું છે. લોકડાઉનનું ઓગણીસ દિવસનું વિસ્તરણ રોજનું કમાઈને રોજ ખાનારા વર્ગ માટે પડયા પર પાટુ મારવા સમાન સાબિત થઈ રહ્યું છે. મુંબઇ, થાણે અને સુરતમાં એકસાથે હજારોની સંખ્યામાં ભેગા થયેલા કામદારો એ વાતની ધૂમ્રસેર બતાવે છે કે ખિસ્સામાં પૈસા અને ધીરજ બન્ને હવે ખલાસ થઈ ગયા છે. સરકાર આ અજંપાની ધૂમ્રસેરને અગાઉ સમજી ન હતી અને હજુ પણ સમજી શકી નથી તે કોરોનાનો એક વધારાનો વિષાદયોગ છે. ઘરે પહોંચવા માટે તલપાપડ થઈ રહેલા એ કામદારોનું કહેવું છે કે તેઓની પાસે ખાવા ધાન બચ્યું નથી તો હવે તેમને ઘરે જવા દેવા જોઈએ.
મજૂરની મજબૂરી ઘરના દિવાનખંડમાં બેઠા બેઠા સમજાય એવી નથી હોતી. આમ પણ તેઓ સાથે કોઈએ ખતરનાક મજાક જ કરી ને અફવા ફેલાવી કે બાંદ્રા સ્ટેશનથી ઘરે જવા ઇચ્છુક લોકો માટે ખાસ ટ્રેન ચાલુ કરવામાં આવશે. અને સહુ દોડતા પ્લેટફોર્મ પર આવી ગયા. એવું પ્લેટફોર્મ જ્યાં અત્યારે ન તો ટ્રેન આવે છે કે ન તો જાય છે. ટોળાને સમજાવવાનું કાર્ય રામાયણકાળથી દુષ્કર રહ્યું છે જ્યારે અહીં તો ભૂખ્યું ટોળં્ ભેગું થયું હતું. મહારાષ્ટ્રમાં તાજાતાજા બનેલા મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને સમજાવવાની કોશિશ કરી કે પ્રવાસી કામદારોએ પણ ક્યાંય જવાની જરૂર નથી. પ્રશાસને બધાને ખાધાખોરાકીનો પૂરતો પુરવઠો મળી રહેશે તે બાબતે વિશ્વાસ અપાવવાની કોશિશ કરી. ત્યારેને ત્યારે અમુક ખાદ્યસામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું.
પરંતુ લાંબા સમયની ભૂખ એકાદ ટંકના ભોજનથી ભાંગતી નથી. વિફરેલું ટોળું જોખમી હોય છે. પ્રવાસી કામદારો, પાટાની આજુબાજુ છૂટક માલનું વેચાણ કરનારા ફેરિયાઓ, હાથલારી અને રીક્ષા હંકારનારા લોકો વગેરે છેલ્લા એક મહિનાથી બેરોજગાર બનીને બેઠા છે. આ વર્ગની હાલત તમામ પ્રકારની અનિશ્ચિતતાઓથી ઘેરાયેલી છે. પરિવાર પણ કમાણી કરવા માટે 'દેશમાં' જનારા પોતાના ઘરના ચિરાગ તરફ આશભરી મીટ માંડીને બેઠો હોય છે અને સામે છેડે આ લોકો પાસે એક ટંક જમવાની સગવડ પણ નથી હોતી. જ્યારે આભ તૂટે ત્યારે માણસ ઘર ભણી દોડે. આદિમાનવ પણ પોતાની ગુફા તરફ જ દોડીને પાછો વળતો. સરકાર પાસે કામદારો અંગે કોઈ જ માહિતી નથી. આજે ક્યા રાજ્યના કેટલા કામદારો ક્યા ક્યા રાજ્યમાં કઈ સ્થિતિમાં છે એની તો કેન્દ્રને ભાન હોવી જ જોઈએ. તો જ એ સરકાર મા-બાપ કહેવાય. આ દેશના કોઈ પણ એક સ્થળાંતરિત કામદારને પૂછો તો ખરા કે સરકાર વિશે તમારો શો અભિપ્રાય છે ? પેઈડ મીડિયા તો ઉતારો આરતીમાં લાગી ગયેલા છે. વાસ્તવિક ચિત્ર જુદું પડતું જાય છે. મુંબઈના બાન્દ્રા સ્ટેશનનું પ્લેટફોર્મ તો એક ઝલક છે.
જ્યારે માણસ મધદરિયે ડૂબતો હોય ત્યારે તેને સતત તરતા રહેવાનો થાક નથી ડૂબાડતો પણ ક્ષિતિજ ઉપર દીવાદાંડીનો પ્રકાશ ન દેખાય તે ઘટના ડૂબાડી દે છે. રાજા હોય કે રંક જીવવા માટે આશાનું કિરણ આવશ્યક હોય છે. કોરોનાના રોગચાળાએ એક મોટા વર્ગ પાસેથી આશાના કિરણો છીનવી લીધા છે. પરિસ્થિતિ ક્યારે પૂર્વવત થશે અને બધું ક્યારે થાળે પડશે એની બાંહેધરી ખુદ વડાપ્રધાન કે કોઈ અન્ય પણ આપી શકે એમ નથી. ચાઇનાએ સમગ્ર વિશ્વને સુષુપ્તાવસ્થામાં ધકેલી દીધું છે અને લોકોને વાતાવરણ શુદ્ધ થતું હોવા છતાં નવરાશે બેઠા-બેઠા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. માસ્ક પહેર્યું હોય તો બોલવામાં થોડી તકલીફ પડે. પરંતુ એક મોટો વર્ગ હતાશામાં ડૂબીને મૂંગો થઈ ગયો છે. કુદરતે દબાણપૂર્વક બીડાવી નાખેલા હોઠ માસ્કને કારણે સરકારને કદાચ દેખાતા નથી અને દેખાતા હશે તો પણ નક્કર પગલાં લઈ શકે એમ નથી.
કોરોના વાયરસનો પ્રકોપ મંદ પડે પછી ભવિષ્યનો કોઈ રોડમેપ સરકાર પાસે હોય એવું જણાતું નથી. જો કે સરકાર પણ ભીંસમાં આવી છે એટલે મનરેગાના કામો કે ખેતીવાડીની છૂટ આપવામાં આવી છે. પરંતુ ગામડામાંથી નીકળીને શહેરમાં કમાવાના હેતુથી આવનારા લોકોની સ્થિતિ કફોડી છે. સરકારે આ વર્ગનો વિશ્વાસ જીતવાની તાતી જરૂરિયાત છે. ટીવી ઉપર જે ફિલ્મસ્ટારો આવીને હાથ કેમ ધોવા અને ઘરમાં જ રહેવું વગેરેની આગ્રહભરી જાહેરાત કરી રહ્યા છે તેનાથી કામદારોના સવાલોનું નિરાકરણ નહીં આવે. ફરીથી શરૂ થયેલી મહાભારત સિરિયલ લોકડાઉન પૂરું થશે ત્યાં સુધીમાં કદાચ પૂરી થઈ જશે પરંતુ બે-ત્રણ મહિનાની અણધારી બ્રેકને કારણે લાખોની જિંદગીમાં આથક-સામાજિક અને ધંધાકીય મહાભારત શરૂ થશે એનું શું ? જનધન ખાતામાં પાંચસો રૂપિયાની મદદરાશિ પાંચ દિવસનો સાથ આપી શકે. તેના પછી શું ? આ સવાલ દરેક પૂછી રહ્યા છે અને આ સવાલ કેટલા મહિના કે વર્ષ નિરુત્તર રહેશે તે વળી બીજો પેટા સવાલ છે.