વિપક્ષો ક્યાં ખોવાયા ?
- આજે પણ દેશના દરેક મતવિસ્તારોમાં એક ટંક ભૂખ્યા રહેનારા લોકોની સંખ્યા ક્યાંક હજારોની અને ક્યાંક લાખોની છે
કોંગ્રેસ પાસે દેશની સેવા કરવાનો એક વધારાનો મોકો મળ્યો છે. કોંગ્રેસ ધારે તો આ જવાબદારી બહુ સારી રીતે અદા કરી શકે એમ છે. કોંગ્રેસ પાસે એક ચોક્કસ પ્રકારની કાર્યપદ્ધતિ છે અને ભારતીય પ્રજાને બહુ સારી રીતે એ આત્મસાત કરી શકે છે. પરંતુ દેશભરમાં જ્યાં જ્યાં કોંગ્રેસના નેતાઓ છે તેઓ વિધાનસભા કે સંસદની ચૂંટણી જીત્યા હોય કે હાર્યા હોય પરંતુ તેઓ તેમના મત વિસ્તારોમાં અત્યારે પૂરેપૂરા નિષ્ક્રિય દેખાય છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાની જેમ તેમાંના કેટલાક દરરોજ એકની એક ખિચડી અને છાલસહિતના બટેટાનું શાક સવાર-સાંજ બનાવે છે અને પછી મજૂરો અને કામદારોને શોધે છે, જે તો આસપાસમાં બહુ છે નહીં, એટલે કેટલાક ગરીબ પશુપાલકો લઈ જાય છે અને પોતાના પશુઓને ખવડાવી દે છે. આ સ્થિતિ દેશના અનેક કોંગ્રેસી નેતાઓમાં જોવા મળે છે. તેમનામાં લોકસેવાની ચેતના જ ગાયબ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીના નિવેદનો અને સોનિયા ગાંધીનો પત્ર-વ્યવહાર હજુ સુધી તેમના નેતાઓને અને કાર્યકરોને જનસેવા માટે પ્રેરણા આપી શક્યા નથી. ખરેખર આવા કપરા સમયમાં કોંગ્રેસે એના કાર્યકરો અને નેતાઓને પત્ર લખીને લોકસેવાનું મોડેલ આપવું જોઈએ અને દેશભરમાં પોતાના પક્ષ દ્વારા યોજાતા એ સેવાયજ્ઞાનું આકરું મોનિટરિંગ પણ કરવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ તેમની સરકાર સત્તામાં ન હોવા છતાં દુબઈમાં સોનાના શો રૂમ ધરાવે છે અને ભાંગતી જતી કંપનીઓમાં પાછલે દરવાજેથી ભાગીદાર તરીકે સસ્તા કરારે પ્રવેશે છે. પરંતુ એમને એ ખબર નથી કે તેમના વિસ્તારમાં હાલ સેવાઓની ખરેખર ક્યાં અને કયા પ્રકારની જરૂર છે.
માત્ર કોંગ્રેસની વાત નથી. દેશના તમામ વિપક્ષો આગ લાગે ત્યારે ઉંદર જેમ દરમાં છુપાઈ જાય એમ મેદાન છોડીને છુપાઈ ગયેલા છે. અરે કેટલાક ચૂંટાયેલા વિપક્ષી નેતાઓએ તો સરકારે ફંડફાળા માટે જે પગારકાપ અને અનુદાન-કાપ લાગુ કર્યા તેનો વિરોધ કરવામાં પડયા છે. કરોડો રૂપિયાની મળવાપાત્ર ગ્રાન્ટ હવે બે વરસ નહિ મળે એટલે એક એક બાંકડામાંથીય સાંઈઠથી સિત્તેર ટકા કટકી કરનારા નેતાઓના ખિસ્સાને હવે મંદીનો ભય લાગી રહ્યો છે. આ નેતાઓએ સ્મશાનની અંતિમવિધિ માટેના સાધનો આપ્યા છે અને એમાંથી પણ ચિક્કાર કટકી કરી છે એટલે તેઓ કેટલી હદે નિયમથી દૂર અને યમથી નજીક છે તે સમજી શકાય છે. ગુજરાતમાં થઈ ગયેલું મગફળી કૌભાંડ તો ઐતિહાસિક છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અઢળક બેનંબરી નાણાં પોતપોતાની તિજોરીમાં ભર્યા છે. દેશ અત્યારે અત્યંત વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે પ્રજાથી વિમુખ થઈને હિંચકે બેસી સુખમાં ઝૂલતા નેતાઓનો દેશમાં જુદો જ આખો વંશવેલો ફેલાયેલો છે.
વળી દેશમાં હજુ પણ રાજકીય ખટપટ શાંત થઈ નથી. કોરોના જેવું કાળચક્ર દેશની માથે મોતના પયગામની જેમ ભમી રહ્યું હોય ત્યારે કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના રાજકારણમાં ખટપટોનો દૌર હજુ ચાલુ જ છે. તેઓ હજુય જાણતા નથી કે ભારતને ઉંબરે વિકરાળ ભવિષ્ય ટકોરા દઈ રહ્યું છે એને પાછું વાળીને સોનાનો સૂરજ કઈ રીતે ફરી પાછો લાવવો ? એક તો વર્તમાનનું ભારે સંકટ છે અને જો જરાક જ ભૂલ થાય તો ભવિષ્ય અતિશય વિકટ બની શકે છે. કોરોનાને આગળ વધતો અટકાવવા અને જેઓ ચેપગ્રસ્ત છે એમને ઓળખવા કે સારવાર કરવામાં વિપક્ષોની બહુ જ ઉદાસ છે. કોંગ્રેસ પાસે ચૂંટણીનું ફંડ હોય છે પરંતુ લોકસેવાનું ફંડ નથી. દેશમાં જ્યારે લોકડાઉન છે ત્યારે, દાયકાઓ સુધી દેશમાં સત્તા પર રહેનારા કોંગ્રેસ પક્ષની તિજોરી પર અલીગઢના તાળાં લાગેલા છે.
કોરોના સામે લડવાનો પડકાર એટલો મોટો છે કે ભારત સરકાર એકલી કે સત્તાધારી પક્ષ એકલો પહોંચી વળે એમ નથી. વિપક્ષો કરતાં તો દેશની હજારો નાની સંસ્થાઓ અને ધામક ટ્રસ્ટો સારા છે કે જેમણે પોતે જ્યાં છે ત્યાં આસપાસમાં અજવાળું ફેલાવવા મોટે પાયે કામ ઉપાડી લીધું છે. આવી સ્વાયત્ત સંસ્થાઓનો ભારત સરકારને આજકાલ બહુ મોટો ટેકો છે. તેઓ ગરીબોની વસ્તીના સરનામા જાણે છે. એક જગ્યાએ મોટા બે તપેલા મૂકીને ફોટો પડાવવામાં એમને કોઈ રસ નથી. દેશમાં એક વર્ગ એવો પણ છે કે જે ચપટીક મગ ને ચપટીક ચોખા આપીને સેવન્ટી એમએમમાં ફોટો સેશન રાખે છે. કોઈના દુઃખમાં હૂંફ આપવાના ફોટા હોય ? જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે એ આપણી સંસ્કૃતિ છે. ભામાશા નથી થવું સહુને ખાલી ભા થવું છે. સોશ્યલ મીડિયામાં આવી છબીઓનો પ્રલય થયેલો છે.
કોરોના તો આજ છે ને કાલે નહિ. કોરોના કંઈ સર્વકાલીન નથી. પરંતુ આ કોરોનાકાળે અનેક લોકોના ચહેરાઓ ખુલ્લા થઈ જવાના છે ને એમાં સૌથી પહેલા તો સેવાના ભેખધારી દેખાતા તમામ રાજકીય નેતાઓના ચરિતર ખુલ્લા થઈ જવાના છે. એક તો અત્યારે જ તેઓ લાપતા થવા લાગ્યા છે. કેટલાક નેતાઓ તેમના મતવિસ્તારમાં જ ભરાયેલા હોવા છતાં એમના ફોન સતત બંધ આવવા લાગ્યા છે. તેઓએ જનસેવા ન કરવી પડે એટલે ક્વોરેન્ટાઈનની પસંદગી કરી છે. જ્યારે કે હજુ આજે પણ દેશના દરેક મતવિસ્તારોમાં એક ટંક ભૂખ્યા રહેનારા લોકોની સંખ્યા ક્યાંક હજારોની અને ક્યાંક લાખોની છે.