FOLLOW US

વ્યાપાર યુદ્ધનો વળાંક : ચીન અને અમેરિકા વચ્ચેનું વ્યાપાર યુદ્ધ આગળ વધી રહ્યું છે

Updated: Nov 13th, 2022

ચીન અને અમેરિકા વચ્ચેનું વ્યાપાર યુદ્ધ આગળ વધી રહ્યું છે. શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે આ ટ્રેેડવોરની લઘુત્તમ અસર ભારતને થશે પરંતુ હવે દેશના વિવિધ બજારોના રંગઢંગ જોતા લાગે છે કે આ બે મહાશક્તિઓની અથડામણમાં મહાસત્તા બનવા થનગનતા ભારતને ગંભીર અસર પહોંચશે. ભારત માટે આ એક પેટ ચોળ્યા વિનાનું ઊભું થયેલું શૂળ છે ! કેન્દ્રની એનડીએ સરકારે જાતે જ ઊભા કરેલા દુઃખ કંઈ ઓછા છે તે આ વધારાનું સંકટ આવ્યું ? ભારત માટે કસોટી આ બન્ને દેશો વચ્ચે સમતુલા રાખવાની છે. ભારતીય બજારો પર આ વ્યાપાર યુદ્ધના પડછાયા પડવા લાગ્યા છે અને હજુ પણ ગંભીર અસર થઈ શકે છે. કારણ કે દુનિયાના વિવિધ દેશો પોતાના ઔદ્યોગિક હિતોની સુરક્ષા કાજે અન્ય દેશોના ઉદ્યોગોને નુકસાન કરવાનો વ્યૂહ ઘડી રહ્યા છે. તેમાં ભારતીય ઉદ્યોગો પણ સાણસામાં આવી જવાની દહેશત રહે છે.

એનો બીજો અર્થ એવો છે કે ભારતે નવા એવા આયાતકાર દેશોને શોધવાના છે કે જે ભારતીય ઉત્પાદનો જંગી પ્રમાણમાં ઉપાડે. અમેરિકા-બ્રિટનને ભારતની સંભવિત પ્રગતિ પ્રત્યે કિન્નાખોરી છે અને ચીન સાથે તો આપણે જૂની અદાવત છે. ચીન અને અમેરિકા પરસ્પર ટકરાઈને કોઈ પણ રીતે તૂટે એમાં ખંા રશિયાને તથા મુસ્લિમ અખાતી દેશોને રાજી થવાનું કારણ મળી રહે, પરંતુ બિનજોડાણવાદી ભારત માટે તો નુકસાન રહેવાનું છે. નોટબંધી, જીએસટી અને લોકડાઉન પછી ભારતમાં અર્થતંત્રે જે પછડાટ ખાધી છે એના પછીની આ ટ્રેડવોરની અસરો અર્થતંત્રને વધુ એક પગથિયું નીચે ઉતારશે. અમેરિકા ટૂંક સમયમાં ચીનની કંપનીઓ માટે પશ્ચિમી દેશોની વિવિધ નાની- મોટી ટેકનોલોજિકલ કંપનીઓ હસ્તગત કરવા પર પ્રતિબંધ મૂકશે. વ્યાપારી બુદ્ધિ ધરાવતા ડોનાલ્ડ ટ્રેમ્પે એમના સત્તાકાળે ઘણા ઘુરકિયા કર્યા પણ ચીનને જરાકેય આંચ આવી ન હતી.

ટેકનોલોજિકલ કંપનીઓને હસ્તગત કરવી એ ચીનની જૂની હોંશિયારી છે જેમાં તે હંમેશા અમેરિકા અને યુરોપના દેશોની ઇનોવેટિવ કંપનીઓને એક ડ્રેગનની અદાથી ગળી જાય છે. આને કારણે વિશ્વના છેલ્લામાં છેલ્લા આઇટી સહિતના ટેકનિકલ સંશોધનો ચીન પાસે પહોંચી જાય છે. જો બાઈડન જો આ પ્રતિબંધ મૂકતા હુકમ પર સહી કરશે તો ચીનનો આગામી એક દાયકાનો વિકાસ આલેખ નીચે જવા લાગશે. અમેરિકા અત્યારે લોખંડ- સ્ટીલનો મોટો આયાતકાર દેશ છે. હવે બાઈડને એવી સૂચનાઓ જાહેર કરી છે કે દુનિયાના કોઈ અન્ય દેશોમાં થઈને વાયા- વાયા પણ ચાઇનિઝ સ્ટીલની આયાત ન થવા દેવી. હવે બાઈડન માત્ર ડમ્પિંગ ડયુટી પ્રેક્ટિસની બહાર નીકળીને ટ્રેડવોરને એક ચોક્કસ આકાર આપવા ચાહે છે. એટલે કે ચીનની વિરુદ્ધનું ખુલ્લંખુલ્લા લોબિંગ અમેરિકા હવે શરૂ કરશે.

ઘણાં લાંબા સમયથી વૈશ્વિક બજારોમાં ચીનનું જે સામ્રાજ્ય અને એનો સિકંદરના સૈન્ય જેવો ધમધમાટ હતો તેને અમેરિકાએ આબાદ બ્રેક તો મારી દીધી છે. ચીનની તકલીફ કે ખૂબી એ છે કે તે સીો ગ્રાહકનો જ શિકાર કરે છે. એક જમાનામાં તમામ ચીની ઉત્પાદનો માટે યુઝ એન્ડ થ્રો શબ્દો સમાનાર્થીની જેમ પ્રયોજાતા હતા. પછી ચીને સસ્તો માલ અને સારી ગુણવત્તાના ટનબંધ જહાજો રવાના કર્યા. આજે તો ગ્ર્રાહકો અને સ્થાનિક ઉત્પાદકો બંને માટે પાકી અને કાચી બન્ને સામગ્રીમાં ચીનની ગુલામી કરવાના દિવસો આવેલા છે. અમેરિકાએ ચીનની વ્યાપારિક આગેકૂચ રોકવા માટે ટ્રેડવોરને વધુ ભડકાવવાનો નિર્ણય કર્યો છે. એ માટે એણે વિશ્વ વ્યાપાર સંગઠનનો નવો મોરચો પસંદ કર્યો છે. બાઈડને સેનેટની વાણિજ્યલક્ષી કમિટીઓને પોતાના નવા મોરચા અંગેની જાણ કરી દીધી છે. ઉત્તર કોરિયાની આડશમાં રહીને ચીને અમેરિકાને છેલ્લા બે વર્ષમાં બહુ ધમકાવ્યું છે. ઉપરાંત રશિયા અને ચીન એકસંપ થઈ ગયેલા છે. જો અત્યારે જ બાઈડન ચીનના માલને બજારમાં આવતા ન રોકે તો ઉત્પાદનોની અને મશિનરીની બાબતમાં આખું પશ્ચિમી જગત ચીન પર અવલંબિત થઈ જાય.

જો કે આમાં આમ તો કશું નવું નથી, આજથી ચાર દાયકા પહેલા અમેરિકા પણ જાપાન, જર્મની અને સ્પેન પાસેથી એ જમાનામાં નવી કહેવાતી ટેકનોલોજી લઈ આવતું અને એનો જગતના ચોકમાં વેપાર કરતું હતું. જે કાંઈ સારું છે તે મારું છે એ વૃત્તિથી જ અમેરિકાએ પણ દુનિયાના નાના દેશોને લૂંટતા રહેવાનો ક્રમ રાખ્યો છે. અમેરિકી સૈન્યનો ઉપયોગ એની સરહદોની રક્ષા કરવાને બદલે અમેરિકાના આર્થિક હિતોની સુરક્ષામાં વધારે વ્યસ્ત રહે છે, જે પહેલી નજરે તો વૈશ્વિક હિતની જ વાત લાગે.

Gujarat
IPL-2023
Magazines