Get The App

આર્થિક આઝાદી પર જોખમ

Updated: Aug 6th, 2018

GS TEAM

Google News
Google News
આર્થિક આઝાદી પર જોખમ 1 - image

લોકશાહી દેશ માટે આર્થિક આઝાદી મહત્ત્વની બુનિયાદ છે. કોઈ પણ દેશ સ્વતંત્ર થાય એટલે પ્રારંભે સરકાર પર વધુ નિર્ભર હોય છે, પરંતુ પછીથી આર્થિક સાહસો, વ્યાપાર, વાણિજ્યની સ્વતંત્રતાઓ એને સ્વનિર્ભર બનાવે છે. ભારતમાં આજ સુધી એમ જ થતું આવ્યું હતું. મુક્ત બજારનું અર્થતંત્ર હંમેશા પ્રજાને એક પ્રકારે પસંદગી માટેનું આકાશ આપે છે સાથોસાથ સંખ્યાબંધ ઉત્પાદનોનું નાવીન્ય સવિકલ્પ મળે છે. છેલ્લા વીસ વરસમાં દુનિયાના અનેક દેશોમાં લોકશાહીનું નવું અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે, જેની મદદથી આર્થિક સ્વાધીનતા ભોગવતી પ્રજાએ સરકારને મા-બાપ માનવાની જરૃર રહી નથી.

ખુલ્લી અર્થવ્યવસ્થાના કારણે સરકારો ઉપર પ્રજા બહુ આધાર રાખતી નથી પરંતુ હવે નેતાઓ સંકટમાં મુકાયા છે. શાસકો એવા મોકાઓની તલાશમાં રહે છે કે જેના સહારે પ્રજાની આર્થિક આઝાદીને મર્યાદિત કરી શકાય કે અંકુશમાં રાખી શકાય એમાં ય ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રના રાજનેતાઓની દાનત સારી નથી એમ વિવિધ વૈશ્વિક સર્વેક્ષણ સંસ્થાઓ કહેવા લાગી છે.

લોકશાહી રાષ્ટ્રોની પ્રમાણિકતાનું માપન કરનારી સૌથી વધુ પ્રતિષ્ઠિત અને આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ફ્રીડમ હાઉસ' દર વરસે એક સંશોધન અહેવાલ પ્રગટ કરે છે જેને ફ્રિડમ ઇન ધ વર્લ્ડ નામ આપવામાં આવે છે. ઇ.સ. ૨૦૧૮નો અહેવાલ હમણાં જ પ્રગટ થયો છે એના પ્રમાણે દુનિયામાં લોકશાહી હવે સૌથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. ગત વરસે એટલે કે ઇ.સ. ૨૦૧૭માં કુલ ૭૫ દેશોમા લોકશાહી શિથિલ થઈ, જ્યાં રાજકીય અધિકારો, વાણી સ્વાતંત્ર્ય, લઘુમતિઓના અધિકારો અને કાયદાનું શાસન કમજોર થયું. આ દેશોમાં સરકારોએ ન્યાયતંત્ર અને મીડિયામાં લોબિંગ શરૃ કર્યું. ફ્રિડમ હાઉસના કહેવા પ્રમાણે દુનિયામાં લોકશાહી શાસન વ્યવસ્થાના ક્રમિક પતનનું આ બારમું વરસ છે. છેલ્લા બાર વરસમાં કુલ ૧૧૨ દેશોમાં લોકતંત્ર નબળું પડયું છે.

રાજાશાહી અથવા તો લોકશાહીના સ્વાંગમાં મનઘડંત તાનાશાહીઓ ચલાવતા શાસકોની સંખ્યા ૪૩થી વધીને ૪૮ થઈ ગઈ છે. જે લોકશાહી પ્રણાલિકાનો લાભ લઈને નેતાઓ સત્તા પર આવે છે, પછી તેઓ એ જ લોકશાહીને ધિક્કારવા લાગે છે અને તમામ લોકતાંત્રિક પ્રક્રિયાઓમાંથી છટકવા અને પોતાને અજર-અમર રાખનારા નુસખાઓ શોધવામાં જ વ્યસ્ત રહે છે. દુનિયાના અડધા ઉપરાંતના દેશોમાં ચૂંટણી પ્રક્રિયા પરની વિશ્વસનીયતા નામશેષ થવા આવી છે અને ચૂંટણીએ અપનાવેલી અદ્યતન ટેકનોલોજીનો ઠેર ઠેર વિરોધ થયો છે. કારણ કે એ ટેકનોલોજીએ જ તટસ્થ ચૂંટણી પરંપરા- પ્રક્રિયાને સત્તાધારીઓના હાથનું રમકડું બનાવી દીધી છે.

લોકશાહી રાજ્ય વ્યવસ્થાતંત્રની તકલીફનો સમય ઇ.સ. ૨૦૦૮થી શરૃ થયો છે અને આ જ વરસે મંદીની શરૃઆત થઈ છે, જે મંદી હજુ સુધી ચાલુ જ છે. ઇ.સ. ૧૯૯૦ પછી સમગ્ર વિશ્વમાં લોકશાહી રાષ્ટ્રોમાં આર્થિક વસંતઋતુ આવી હતી, એ સમય વિશ્વના અનેક લોકશાહી રાષ્ટ્રોમાં આર્થિક ઉદારીકરણની શરૃઆત થઈ હતી, ગ્લોબલ વિકાસને જાણે કે પાંખો આવી ગઈ હતી. દરેક દેશમાં ઘરઆંગણે વૈશ્વિક બજારનો નજારો હતો. નવા માલ-સામાન, નવી ટેકનોલોજી, નવું વિજ્ઞાાન, નવી સુખ-સાહ્યબી એમ ચોતરફ ખુશનુમા આર્થિક હવામાન હતું. પ્રજાની આ આર્થિક સ્વાધીનતા તબક્કાવાર શાસકોની આંખમાં રેતકણની જેમ ખટકવા લાગી હતી.

શાસકોની બુરી દાનતને કારણે જ વૈશ્વિક તેજીને બ્રેક લાગી અને મંદીના કારમા પ્રવાહો ચોતરફ પ્રવેશી ગયા. એ પણ હકીકત છે કે જે દેશોમાં આર્થિક ઉદારીકરણ અને લોકતંત્રના આર્થિક ઉઘાડને કારણે પ્રજા પુરપાટ પ્રગતિ કરવા લાગી ત્યાં બજારો મુક્ત થયા, ઔદ્યોગિક સાહસો, ઉદ્યમ અને નવીનીકરણને વેગ મળ્યો પરંતુ ત્યાં ત્યાં સરકારોની તાકાત ઘટવા લાગી. એટલે મંદી જે રીતે બજારને સાંકડી કરે છે, સાહસો અટકાવે છે ને પ્રગતિ રોકે છે તેમ તેમ સરકારોને પોતાની તાકાત વધારવાનો મોકો મળી જાય છે.

ભારતીય અર્થતંત્રમાં નોટબંધી અને જીએસટીને શાસક સરકારે પોતાની તાકાત વધારવાના માધ્યમ તરીકે જ અજમાયશ કરી હોવાનું અર્થશાસ્ત્રીઓ માને છે. તાજેતરના સર્વેક્ષણો સ્પષ્ટ રીતે બતાવે છે કે દુનિયાના જ જે દેશો મંદીમાં બરાબર ઘેરાયેલા છે ત્યાં લોકશાહીની તાકાત ઘટી છે એટલે કે પ્રજાની સરકાર પરની નિર્ભરતા વધારવા અને લોકશાહીની તાકાત ઘટાડવા માટે અનેક દેશોના શાસકો મંદી વધે એવા પગલાઓ લેતા થયા છે. શાસકોની આ ખતરનાક ચાલને બહુ ઓછા દેશોની પ્રજા સમજી શકી છે.

એટલે કે લોકશાહીમાં અશ્રદ્ધા રાખનાર શાસકો પરદા પાછળથી મંદી ટકી રહે એવા જ પગલાઓ લઈ રહ્યા છે. કારણ કે, મંદી દરમિયાન સરકાર પોતાના ભંડારો દ્વારા મુક્ત બજારમાં હસ્તક્ષેપ કરે છે, અને જોતજોતામાં પોતે જ સૌથી મોટી ઇન્વેસ્ટર બની જાય છે ! ભારતમાં ઈ.સ. ૧૯૯૧ પહેલા સરકાર જ અર્થવ્યવસ્થાની મુખ્ય સૂત્રધાર હતી. હવે એનડીએ સરકાર ફરી એવી જ મહત્ત્વકાંક્ષા ધરાવે છે. જો મુક્ત બજાર અને સડસડાટ આર્થિક પ્રગતિ ન હોય તો લોકોની સ્વતંત્રતા ઓછી કરવાના અનેક કીમિયા સરકાર શોધી લે છે અને અજમાવે પણ છે.

Tags :