ફિલ્મોનું ફનવર્લ્ડ .
પરાપૂર્વથી એક કહેવત ચાલતી આવી છે કે 'ફિલ્મો સમાજનો આયનો છ' . આ કહેવતની વધુ પડતી લોકપ્રિયતાને કારણે તેનું સત્વ સુકાઈ ગયું પણ તેને અલગ દ્રષ્ટિકોણથી મૂલવીએ તો સાંપ્રત સમયની ઘણી અજાણી બાબતો જાણવા મળે. જો ફિલ્મો જે તે સમાજનો અરીસો હોય તો ઓડિયન્સ સમયાંતરે અરીસો જોવાનું ભૂલી ગઈ છે. નહીંતર આ જ અરીસામાં સમાજને પોતાનું ઊર્ધ્વગમન કે અધઃપતનની ગતિ દેખાતી હોત.
દેશના રાજકારણ અને સામાજિક રીતિનીતિને સીધો સંબંધ હોય છે એ વાત આપણી ફિલ્મો સાબિત કરી આપે છે. ભારતીય સિનેમાએ મહાન દિગ્દર્શકો બિમલ રોય અને સત્યજિત રાયના કેમેરામાંથી દેખાતા ભારત પછીના ભારતને અનેક રીતે આત્મસાત કરવાની મથામણ કરી છે. જ્યારે મોટા પરદાની હરીફાઈમાં નાના પરદાનું અસ્તિત્વ જ ન હતું એ જમાનાની એકાધિકારનું માધ્યમસુખ ભોગવતી ફિલ્મોનો વારસો ભારતના મનોરંજનની સાથે કલાનો પણ અદ્વિતીય વૈભવ છે અને સર્વકાલીન છે.
જેમ કે, અમિતાભ બચ્ચનનો એક આખો યુગ વીસમી સદીમાં આપણે જોયો. આ અરસામાં મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોનો હીરો ગરીબીમાં જન્મતો. તેની મનોરમ કલ્પના, પ્રણયરંગ અને યૌવનસહજ ભાવાવેશને તેની પ્રેમિકાના સ્વરૂપમાં મૂતમંત કરવામાં આવતી. વળી એ પ્રિયતમા ચાંદીની ચમચી મુખારવિંદમાં ધારણ કરીને જ જન્મતી હોય.
આ મોર્ડન દેખાતી હિરોઇનનો પિતા ઓર્થોેડોકસ માણસ હોય અને શક્યતઃ ભ્રષ્ટાચારી રાજકારણી હોય! ફિલ્મના અંતે હીરો ભલે પૈસાદાર બની જાય પણ તેના રમુજી દોસ્તો ધારાવી જેવા વિસ્તારમાં જ રહેતા હોય. એમની સાથેની હીરોની ગપ્પાબાજી કે ધિંગામસ્તીમાં ભારતનો કોમનમેન વારંવાર ડોકિયાં કરતો હોય. વળી હીરો તો કોઈ પણ પ્રસ્થાપિત શોષણખોર વ્યવસ્થાનો મોટો શત્રુ હોય. ફિલ્મમાં જ હીરો અંદરના આમ આદમીઓનો હીરો હોય અને પછી એ ઓડિયન્સમાં ફિલ્મ માણતા આમ આદમીઓનો પણ રમતા રમતામાં હીરો બની જતો.
આ આખી વ્યવસ્થા શું સૂચવે છે. ? કે ઓછા રિસોસસ સાથે જન્મેલા અને ઉછરેલા હીરોને સિસ્ટમ સામે બહુ બધા વાંધા છે. હીરો એંગ્રી યંગ મેન છે અને તેને સરકારથી શરૂ કરીને સરકારના મળતિયાઓ જેવા બધા જ ઉધોગપતિ કે વેપારીઓ સામે વાંધો છે. હીરો સિસ્ટમ સામે લડે છે, સરકાર સામે પડવામાં તેને પોતાનો પ્રેમ ગુમાવી દેવો પડે તેમાં પણ વાંધો નથી.
માટે જ દર્શકોની તાલીના હકદાર એવા વિનોદ ખન્નાથી મિથુન ચક્રવર્તી સુધીના અદાકારો લોકો ચાહે એવા કલાકાર બન્યા. કારણ કે તેઓએ બધી જ સિસ્ટમની વિરુદ્ધમાં ઊભા રહેવાનું સ્ટેન્ડ લીધું અને એવી હિંમત બતાવી. ફિલ્મ થિયેટરમાં ઓડિયન્સ ખરેખર તો પ્રજાનું જ એક દર્શનીય દર્શકરૂપ છે અને આવા નિખાલસ અને આખાબોલા હીરોમાં તેઓનો કલ્પનાવિહાર પુરો થતો હતો.
ઈ. સ. ૧૯૯૦ના દાયકાથી હીરો અચાનક મહેલોમાં રહેવા લાગ્યો અને દીદી તેરા દેવર દિવાના જેવા ગીતો ગાવા લાગ્યો. પણ, હીરોની દુષ્ટ રાજકારણીઓ સામેની લડત ચાલુ રહી. છેલ્લા પાંચ વર્ષની ફિલ્મો સામે જુઓ. સિસ્ટમને પડકાર ફેંકતી કેટલી ફિલ્મો આવી ? કોઈ 'સ્ટુપીડ કોમન મેન' વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આતંકવાદીઓને એની જ ભાષામાં જવાબ આપે અને એ વાર્તાને લોકો 'વેન્સ્ડે' જેવી ફિલ્મમાં માણતા.
હવે 'ઉરી' જેવી ફિલ્મો આવે છે જે સર્જીકલ સ્ટ્રાઈકને ગ્લોરીફાઈ કરે છે. આવી ફિલ્મોથી લોકોના મગજમાં એવી માન્યતા વધુને વધુ દ્રઢ થતી જાય છે કે ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો. બલ્કે હકીકત એ હતી કે ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં હુમલો કરેલો જે ભૂગોળની નકશાપોથીના થિયરીટીકલ પાના પ્રમાણે તો ભારતનો જ ભાગ હતો.
એક સમય હતો જ્યારે જે તે રાજકીય પક્ષ તુષ્ટિકરણનું કામ કરીને પોતાનો ફાયદો સાધતા. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ રવાડે ચડી છે કે સ્થાપિત હિતો ન જોખમાય એ બીકે કે આપણને ન સમજાય એવી રીતના રાજકારણની પાર્શ્વભૂમિકામાં ફિલ્મોની રચનાની મૂળભૂત ભોમકા બદલી રહ્યા છે. લોકોની અતૃપ્ત ઈચ્છાને પંપાળવાનું આ એક કામ થઈ રહ્યું છે જે આખરે નશાની જેમ નુકસાનકારક છે. એક સમય હતો જ્યારે ગોવિંદ નિહલાનીની ફિલ્મોનું ફોક્સ ફેક્ટરીના કામદારો ઉપર રહેતું.
કારણ કે એ સમયનું અર્થતંત્ર દેશના ઉત્પાદકીય ઉપક્રમો ઉપર વધુ નિર્ભર રહેતું. શ્યામ બેનેગલ જેવા ફિલ્મસર્જકો ગરીબોની વ્યથાને વાચા આપતા. અને એમાંથી માનવજાતના કાળજયી પ્રશ્નો રજૂ કરતા. હવે ફિલ્મો સમાજનો અરીસોને બદલે તેઓની આભાસી દુનિયાનું એક ફનવર્લ્ડ બનતી જાય છે. એટલે કે હવે આ ફિલ્મો અને એના ફિલ્મકારો પોતે સમાજનું દર્પણ હોવાનો કોઈ દાવો કરી શકે એમ નથી.