અફવાઓ છે વાય(રલ)રસ : ભારત જેવા દેશમાં અફવાઓનો વાયરસ બહુ વાયરલ હોય છે
- આ રોગપ્રતિકાર માટેની રાષ્ટ્રીય ઝુંબેશ દરમિયાન પણ અફવાઓને કોઈ વિરામ નથી
ભારત જેવા દેશમાં અફવાઓનો વાયરસ બહુ વાયરલ હોય છે અને એમાં આ રોગપ્રતિકાર માટેની રાષ્ટ્રીય ઝુંબેશ દરમિયાન પણ અફવાઓને કોઈ વિરામ નથી. તરંગો, કલ્પનાઓ, દહેશત અને દુર્બોધક ઈરાદાઓમાંથી જન્મે છે અફવા. શરૂઆતમાં એ એક સંભાવના સ્વરૂપે હોય છે પણ પછી એમાં વ્યર્થ અને ભ્રામક આધારભૂતતાના રસાયણો ઉમેરીને એક એવું અજાયબ મેજિક મિક્સ એવી રીતે બનાવવામાં આવે છે કે એ ખરા વૃત્તાંતોને પણ ટક્કર મારી દે છે. લોકોના મનમાં ઊંડે ઊંડે છુપાયેલી કોઈ વાત અફવાને પકડી લે છે અને જોતજોતાંમાં એની જ્વાળા ચોમેર ફેલાઈ જાય છે. હમણાં મુંબઈને એનો અવારનવાર અનુભવ થાય છે. દેશના જે કેટલાક મુખ્યમંત્રીઓ આ સંકટ સમયે ઉચ્ચતમ બુદ્ધિમત્તા અને વિચક્ષણ રાજકીય કુનેહ પ્રગટ કરી રહ્યા છે તેમાં ઉદ્ધવ ઠાકરે પહેલી હરોળમાં છે. દરરોજ મુંબઈના વિવિધ વિસ્તારોમાં અફવાઓની મોસમ ખિલે છે અને વળી સત્યનું કિરણ ઉદયમાન થતાં શમી જાય છે. પરંતુ વચગાળામાં આમ આદમી હતો ન હતો થઈ જાય છે.
કોરોના સિવાય પણ લોકોને ડરાવવા માટેનું બીજું પરિબળ જે વર્ષોથી કામ કરી રહ્યું છે તે છે ફેક ન્યૂઝ. ફેક ન્યૂઝ મીડિયાને, સત્યાન્વેશી પત્રકારોને કે સરકારને પણ ડરાવે છે. ફેક ન્યૂઝના આતંકથી ત્રાહિમામ થયેલી સરકાર કે અમુક મીડિયાહાઉસ પણ તેનો કોઈ તોડ લાવી શક્યા નથી. ખુદ સુપ્રિમ કોર્ટે પણ ફેક ન્યૂઝને અટકાવવા માટે હુકમ બહાર પાડેલો પણ તેની કોઈ અસર થઈ નહીં. હવે સરકારનું પૂરું ધ્યાન, અગ્રતાક્રમો અને એકાગ્રતા કોરોના ગળી ગયો છે, તો ફેક ન્યૂઝ અને તેના જુઠ્ઠા સર્જકો ઉપર કોઈ લગામ રહી નથી. ફેક ન્યૂઝ ફક્ત ભારતમાં ફેલાયેલો રોગ નથી. વિકાસશીલ અને વિકસિત દેશોની આ સર્વસામાન્ય આપત્તિ છે. કોરોનાએ પશ્ચિમના દેશોને પોતાના વિષપાશમાં જકડયા છે ત્યારથી ફેક ન્યૂઝ જાણે એ જ ગોત્રનો વાઇરસ હોય એમ ફેલાયો છે.
કોરોનાનો ઈલાજ શોધી કાઢયો છે, એવા પોકળ દાવા કરનારાઓ દેડકાની જેમ ફૂટી નીકળ્યા છે. તેમાં બે ટકા લોકોમાં સત્યતથ્ય હોઈ શકે છે પણ એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કપરું કામ છે. ભારતમાં પણ એવા ઘણાં કિસ્સાઓ નોંધાયા છે. બધા ઉપર સરકારી અને કાનૂની લગામ કસવી જરૂરી છે. ફેક ન્યૂઝની રેન્જ વિશાળ હોય છે. ગપગોળા મારવાની પરાકાાએ પહોંચનાર ફેક ન્યૂઝનું સર્જન કરતા હશે એવું લાગે છે પણ એવું હોતું નથી. એની પાછળ એક ચોક્કસ દિમાગી ખેલ હોય છે. એના હેતુઓ હોય છે. એના પણ નિર્માતા ને દિગ્દર્શક હોય છે ! ફૂટબોલ પ્લેયર રોનાલ્ડોનો અને પૉપને પણ કોરોનાનો ચેપ લાગી ગયો એવા બેબુનિયાદ ન્યૂઝ પણ ચલાવવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં અમુક વેબસાઈટ કે મીડિયા હાઉસ ફક્ત ફેક ન્યૂઝનું ખંડન કરીને નાગરિકો સમક્ષ વાસ્તવિકતા મુકવાનું કામ કરતા હોય છે. પરંતુ ફેક ન્યૂઝનું ઉત્પાદન જંગી જથ્થામાં થાય છે. વિપુલ માત્રામાં રહેલા ફેક ન્યૂઝનું ખંડન કરવાની કામગીરીની ક્ષમતા જંગી જથ્થા સામે ટૂંકી પડે છે.
બહુધા વિશ્વ લોકડાઉનની પરિસ્થિતિમાં છે. વ્યવસાય અને વ્યવહારની ગતિવિધિઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. દુનિયાના એંસી ટકા ઘર બંધ છે અને ઘરની અંદર બધા વેબસાઈટ અને સોશ્યલ મીડિયા દ્વારા સમય પસાર કરી રહ્યા છે. ફક્ત ભારતના આંકડાઓ ઉપરથી ખ્યાલ આવશે કે ઈન્ટરનેટનો વપરાશ કેટલો વધી ગયો છે. લોકડાઉન પછી સોશ્યલ મીડિયા ઉપર ભારતીયો અગાઉની તુલનામાં ૮૭ ટકા સમય વધુ પસાર કરી રહ્યા છે. સરેરાશ ભારતીય સોશ્યલ મીડિયામાં એક દિવસ દોઢસો મિનિટ પસાર કરતો હતો એ આજે ૨૮૦ મિનિટ પસાર કરે છે. એનો અર્થ એ કે દેશની વસ્તીના કુલ પંચોતેર ટકા લોકો સોશ્યલ મીડિયા ઉપર પ્રવૃત્ત છે. આવા જ સંજોગો આખી દુનિયાના છે. સમય પસાર કરવા માટે લોકો પાસે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ કે અમુક વેબસાઈટો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સિવાય બીજું છે નહીં. માટે ભ્રામક ન્યૂઝ ચલાવનારાઓને ફાવતું મળી ગયું છે. એમને દોડવું હતું ને ઢાળ આવ્યો છે. એની સામે બુદ્ધિમાન નાગરિકોનું કર્તવ્ય છે કે સત્યાસત્યની પહેલા ચોકસાઈ અને ખાતરી કરી લેે.
આજકાલ તેઓ જુઠાણાનું ઉત્પાદન મોટે પાયે કરવા લાગ્યા છે. સંકટના સમયમાં અફવાની ગતિ ચાર ગણી વધી જતી હોય છે અને એમાં દુનિયા પાસે ફોર-જી ઇન્ટરનેટ છે. સંભવિત અવ્યવસ્થાની કલ્પના પણ ભયભીત કરી મૂકે છે. બીજી તરફ દુનિયાભરના વૈજ્ઞાાનિકો કોરોના વાયરસના સંક્રમણનો ઈલાજ શોધી રહ્યા છે. આશા છે કે તેઓ એકાદ વરસની અંદર તેની કોઈ વેક્સિન તૈયાર કરી જ લેશે, પરંતુ આવી કોઈ આશા નકલી સમાચાર માટે નથી સેવાઈ રહી. આપણે રોગના જંતુઓ, વિષાણુઓનો ઈલાજ તો થોડાં પ્રયત્નોથી શોધી જ લઈએ પણ એ સમસ્યાઓ જે માનવીના સામાજિક વ્યવહારથી ઊભી થાય છે, એનો ઈલાજ લગભગ મળતો હોતો નથી. નકલી સમાચાર કે અફવાઓ તો એવી સમસ્યા છે જેના પ્રતિરોધ માટે કોઈ મોટા પ્રયત્ન પણ નથી થઈ રહ્યા. મહામારીની પીડા બહુ મોટી છે જેને ફેક ન્યૂઝ અને અફવાઓ વધુ ઘાતક બનાવી રહ્યા છે.