For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચિત્તે કી ચાલ : ચિત્તાને ભારત લાવવાનો વ્યાયામ છેલ્લા પચીસ વરસથી ચાલે છે

Updated: Sep 18th, 2022

Article Content Imageચિત્તે કી ચાલ

યોગ્યતા વિનાના લોકોને ઊંચા પદ પર બેસાડવાના પરિણામોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે ખતરો ઊભો કર્યો છે. મોદી સેના જેવી પરિભાષાનો વિવાદ તો યોગીની વ્યાખ્યાની બહાર કૂદી આવેલા રાજકર્તા આદિત્યનાથનો નવો છબરડો છે. તેઓને બગાસુ ખાધા વિના મુખ્યમંત્રી પદનું જે પતાસુ મળી ગયું એના ઘમંડમાં તેઓ ફાવે ત્યારે આડેધડ બોલતા રહ્યા છે. આ આદિત્યનાથ અને એવા અનેક લોકોને વડાપ્રધાન મોદીએ દેશમાં બહુ સારી રીતે સંભાળીને પાળીને મોટા કરેલા છે. ઈતિહાસ એ વાતની ખાતરી આપે છે કે મહાન અકબરના જમાનામાં ભારતમાં સૌથી વધુ ચિત્તાઓ હતા. કારણ કે અકબરને ચિત્તા પાળવાનો શોખ હતો. અકબરના દરબારમાં એકથી એક ચડિયાતા નવ રત્નો હતા. ચિત્તા પાળવા એ એક રૂઢિપ્રયોગ પણ છે જેનો અર્થ થાય છે કે પોતાના કરતા વધુ તેજસ્વી લોકો પાસેથી કામ લેવું. વડાપ્રધાન મોદીને પણ અમુક હદ સુધી ચિત્તા પાળવાનો શોખ છે. નીતિન ગડકરી અને મોહન ભાગવત જેવા લોકોને બોલવાની જે સ્વતંત્રતા તેમણે આપી છે અથવા તો તેઓએ લઈ લીધી છે એ એની પ્રતીતિ છે.

ચિત્તાને ભારત લાવવાનો વ્યાયામ છેલ્લા પચીસ વરસથી ચાલે છે. એક સમયે તો યુપીએ સરકારે ઈરાનથી એશિયન ચિત્તા ભારતમાં લાવવાનો પ્રોજેક્ટ આખરી તબક્કે પહોંચાડી દીધો હતો પરંતુ છેલ્લી ઘડીએ ઈરાને ચિત્તાના બદલામાં એટલા જ ગીરના સિંહની ડિમાન્ડ કરતા છેવટે ઈરાન સાથેની વાટાઘાટો પડતી મૂકાઈ હતી. યુપીએ સરકારમાં ટેલિકોમ સહિતના વિવિધ કૌભાંડમાં બહુ વગોવાયેલા જયરામ રમેશ જ્યારે કેન્દ્રના વન ખાતાના પ્રધાન હતા ત્યારે જ તેમણે નામ્બિયા અથવા નામિબિયાથી ચિત્તા લાવવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ખુદ નામિબિયા જઈને ભારત હમણાં આવેલા ચિત્તાઓના પૂર્વજોને જોઈ આવ્યા હતા. છતાં પણ અમલવારી બાકી રહી ગઈ હતી. એ જૂના તૈયાર પ્રોજેક્ટ તરફ ધ્યાન જતાં એકાએક જ વડાપ્રધાને ચિત્તાના પ્રકરણમાં ચિત્તે કી ચાલ ચાલીને ખેલ પાડી દીધો. સપનું યુપીએ સરકારનું છે પણ સાકાર એનડીએ સરકારે કર્યું છે. એટલે લોકચાહનાની સાકરનો સ્વાદ ભાજપને ચાખવા મળ્યો છે. કારણ કે આ પ્રકારના વન્ય પ્રાણીઓ પ્રજાના કૌતુક અને રોમાંચનો વિષય છે.

મિસ્ટર મોદીના દરેક કદમ પર મલ્ટી ડાયમેન્શનલ ડિબેટ તો થવાની કારણ કે કેન્દ્રમાં એમની સત્તા હવે ઢળતી સંધ્યાની જેમ મુદત પૂરી થવા તરફ આગળ વધી રહી છે એટલે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોડો-થોડો તો હવે ચાલુ જ રહેશે. જે સોશિયલ મીડિયાએ ભારતીય રાજકારણમાં મિસ્ટર મોદીને મહાનાયક સ્વરૂપે ઊભા કર્યા એ જ સોશિયલ મીડિયા હવે એમની ટીકા કરવામાં ક્યાંય પાછું પડે એમ નથી. ભારતમાં લોકસભાની ચૂંટણી ભલે ઈવીએમ દ્વારા થાય પરંતુ સોશિયલ મીડિયામાં બેલેટ પેપરની સુગંધ તો રહેશે. કોંગ્રેસ કહે છે કે એનડીએ સરકારે એક પણ મુદ્દામાં ખોટું બોલવાનો એક પણ ચાન્સ જતો કર્યો નથી. સરકાર કહે છે કે દેશના અસંગઠિત ક્ષેત્રના રોજગારીના કોઈ આંકડા ઉપલબ્ધ નથી અને બીજી તરફ દેશના જીડીપીની ગણતરીમાં એ જ આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં ઊંચો વિકાસ દર બતાવવા માટે વિકાસ દરની ગણતરીના મૂળભૂત આંકડાશાસ્ત્રીય ધોરણોમાં ભાજપે મનગમતા ફેરફારો કર્યા છે. જેથી ખરેખર વિકાસ ઓછો હોવા છતાં વિકાસ દર ઊંચો બતાવી શકાય છે. આ વાત હવે ગોપનીય રહી નથી અને દુનિયાના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ ભારત સરકારની આ મનઘડંત પદ્ધતિ જાણી ગયા છે, જેને કારણે તેઓને મન સરકારી આંકડાઓનું મૂલ્ય હવે કશું નથી. છેલ્લા બે વર્ષમાં સીધા વિદેશી રોકાણમાં જે ભારે ઘટ આવી એનું કારણ કેન્દ્ર સરકારની ખોટી આંકડાબાજી છે. આગામી લોકસભા અને એ પહેલા આવનારી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ વખતે જો નાગરિકોના ચિત્તમાં વાસ્તવિક આર્થિક મુદ્દાઓ ઘેરાયેલા હશે તો ભાજપને ગંભીર નુકસાન થશે અને તાર્કિક-બૌદ્ધિક અભિગમથી મતદાન થશે તો ભાજપે અણધાર્યા અને આકરા પરાજયનો સ્વાદ ચાખવાનો આવશે એમ નિષ્ણાતોએ કહી દીધું છે.

જે રીતે વડાપ્રધાન મૂળભૂત મુદ્દાઓ ભૂલવાડી અને મતદારોને કલ્પનાના સહેલ સપાટે લઈ જાય છે, એમની એ કીમિયાગિરી ચાલી જશે તો ચિંતામાં મુકાયેલા ભાજપને રાહતનો અનુભવ થશે. ચિત્તા પ્રકરણમાં પ્રાસંગિક રીતે વિરોધ પક્ષો વતી દેશના ટોચના કાર્ટૂનિસ્ટોએ એવી મજાક કરી છે કે ઈડી અને સીબીઆઈ તો ઠીક છે પણ હવે તેઓ આપડી પાછળ ચિત્તા તો નહિ છોડે ને?

Gujarat