વીડિયો કોન્ફરન્સનો યુગ
- આખું વિશ્વ ચાર દીવાલોની અંદર કેદ છે
આખું વિશ્વ ચાર દીવાલોની અંદર કેદ છે. મુક્ત ગગન તળે સર્વ જીવો વિહરવા માટે આઝાદ છે, પણ શરત એ છે કે તે મનુષ્ય જાતિના ન હોવા જોઈએ. જરૂરિયાત શોધની જનની હોય તો લાચારી સવલતની માસી બને છે. જે એક સમયે ઠાઠનું સાધન ગણાતું એ આજના સમય માટે પાયાગત જરૂરિયાત બની ગઈ છે. મોરબીના ઉદ્યોગપતિના આફ્રિકન કંપનીઓ સાથે કરાર છે અને બેંગલોરની આઈટી કંપની લક્ઝેમ્બર્ગમાં પોતાના સોફ્ટવેર આપી રહી છે. સામાન્ય માણસને પણ પોતાના શહેરના બીજા છેડે રહેતા માણસ સાથે રૂબરૂ થવું જ પડે છે, નહીંતર વેપારધંધા ઠપ્પ થઈ શકે છે. અત્યારે કરફ્યુના માહોલમાં વીડિયો મિટિંગ જ દરેકની ઔદ્યોગિક અને વ્યાપારિક નૌકા બચાવનારી સવલત બની છે. શરૂઆતના તબક્કામાં તેને વીડિયોટેલિફોની કહેવામાં આવતું જેણે હવે વીડિયો કોન્ફરન્સિંગ અને વેબિનારનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે તો અનેક નવા ડિજિટલ પ્લેટફોર્મ આવી રહ્યા છે.
આદિકાળથી મનુષ્ય કાન સાથે આંખનો ઉપયોગ કરવા ટેવાયેલો છે. ચહેરો જોયા વિના વધુ વખત ફક્ત શ્રવણીય વાત કરવામાં આવે તો માણસને બહુ ચેન પડતું નથી. આવાઝ કી દુનિયા કે દોસ્ત અમીન સયાનીને જોવા માટે મુંબઈમાં ટ્રાફિક જામ થઈ જતો. તેઓ રેડિયો સિલોનના મશહૂર ગીતમાલાના એન્કર હતા. ઉત્ક્રાંતિના ચાકડે મનુષ્ય દ્રષ્ટિ અને શ્રવણેન્દ્રિયને સાથે વાપરતા શીખ્યો છે. માટે ટેલિફોનની શોધ અલબત્ત યુગપ્રવર્તક શોધ હતી પરંતુ તે અપૂરતી હતી. તેની ઉણપની પરિપૂત વીડિયો કોલે કરી છે. જેની ઉપર વર્તમાન ભારત લોકડાઉન થયું ત્યારથી અઢળક કામો થાય છે, જે લોકડાઉન પહેલા રૂબરૂ જ થતા હતા. અત્યારના કઠિન સમયમાં તો વીડિયો કોલિંગ ફેસિલિટી કોર્પોરેટ કંપનીઓનો આધારસ્થંભ બની ગઈ છે. દરેક બહુરાષ્ટ્રીય સંસ્થા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું કામ આગળ ચલાવી રહી છે. આ સવલતનો એક ફાયદો એ થયો છે કે ટીએડીએ નામનો જે વિભાગ કંપનીને પ્રતિવર્ષ લાખો-કરોડો રૂપિયાનો પડતો એ સમુળગો બંધ થઈ ગયો છે. પ્રવાસભથ્થું અને રોજિંદા ભથ્થાને ઈન્ટરનેટની ફોર-જી સ્પીડ ઓહિયા કરી ગઈ છે.
સોશ્યલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર પહેલા વીડિયો કોલની સગવડ આવી હતી અને પછી ગ્રુપ કોલિંગની સવલત આવી. વીડિયો ચેટ સિવાય વ્યાપારિક કામો માટે એક સમયે સ્કાય-પીએ વર્ષો સુધી રાજ કર્યું. અમેરિકન દૂતાવાસ જેવી રાજદ્વારી કચેરીઓ કે વિઝા કોન્સ્યુલેટના કાર્યાલયો તેનો ઉપયોગ કરતા. એ સોફ્ટવેરને કારણે ગ્રામ વિસ્તારના બહેન કે ભાઈને આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી મળી હોય તે બનવાજોગ છે. કારણ કે ઇન્ટરવ્યૂ લેવા માટેનું તે શ્રેષ્ઠ માધ્યમ હતું. વીડિયો ચેટની શરૂઆત તો સોશ્યલ મીડિયાના સ્થાપક અને ઈન્ટરનેટના તાજ સમાન યાહૂ ગ્રુપે જ કરેલી પણ ધીમે ધીમે ગુગલે લગભગ દરેક વીડિયો કોલિંગ પ્રોટોકોલ પર પોતાનો પગદંડો જમાવી દીધો. કેમે કરીને ય ુટયુબ ખરીદવાના તેમના પગલાંએ જ સાબિત કરી આપેલું કે દુનિયાના દ્રશ્યશ્રાવ્ય-પ્રત્યાયન ઉપર ગુગલ પોતાની હકુમત ઈચ્છે છે. હમણાં જ ગુગલના ભારતીય સીઇઓ સુંદર પિચાઈએ તેના કર્મચારીઓને અત્યારે વપરાતી ઝૂમ એપ્લિકેશનની વિશ્વસનીયતા પ્રત્યે સંદેહ કરવા અનુરોધ કર્યો હતો. પિચાઈને ઝૂમ પર બહુ વિશ્વાસ નથી. ગઈકાલે રાત્રે ગુગલે તેના સ્ટાફ પર આ એપ્લીકેશનના ઉપયોગ અંગે પ્રતિબંધ ફરમાવી દીધો છે.
વીડિયો કોલને કારણે શૈક્ષણિક ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી તે છે વેબ-સેમિનાર. આધુનિક નામકરણ મુજબ વેબિનાર નામે ઓળખાતી એ સવલતે સિત્તેર-એંશીના દાયકામાં ખૂબ ઉપડેલી અને અત્યાર સુધી ચાલેલી કોરસપોન્ડન્સ એજ્યુકેશન સેવાનો જાણે મરણઘંટ વગાડયો. હવે કોઈ પણ વિષયના ક્રેશ કોર્સ કે ફૂલ કોર્સ આ વેબિનારમાં થાય છે. બાલમંદિરથી શરૂ કરીને ધોરણ બારના કોઈ પણ પ્રવાહમાં ભણાવવામાં આવતા કોઈ પણ બોર્ડના કલાસરૂમ લેકચર્સના વીડિયો ઉપલબ્ધ છે, અલબત્ત ધંધાદારી રીતે. કમ્પ્યુટરને ફક્ત ચાલુ અને બંધ કરી જાણતી વ્યક્તિ આ પ્રકારના વેબિનારથી હેકર બની હોય એવા દાખલા પણ છે. મેડિકલ, ઇજનેરી, ફિલ્મ મેકિંગ, વાણિજ્ય વગેરેને લગતા કોઈ પણ વિષય ઉપર વિશ્વનું શ્રેષ્ઠ બુદ્ધિધન ઓનલાઇન ભણાવે એવી જોગવાઈ આધુનિક વિશ્વમાં છે. ચાર દીવાલોની ભૌતિક મર્યાદાને ડિજિટલ ઉત્ક્રાંતિએ દૂર ફેંકી દીધી છે. અત્યારે તો તેનો ઉપયોગ પરાકાષ્ઠા પર થઈ રહ્યો છે.
ખાદ્યતેલના ભાવનો વાયદો કે માર્કેટ યાર્ડમાં મણ નવા ચણાનો છેલ્લો ભાવ પણ અત્યારના સમયમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જ નક્કી થાય છે. એક દેશના વડા બીજા મહત્વના લોકો સાથે મોટી સ્ક્રીન પર ગંભીર ચર્ચા કરતા હોય એ દ્રશ્ય હવે હોલીવૂડ ફિલ્મ પૂરતું સીમિત નથી. ગુજરાતની પોલીસ, ઉદ્યોગપતિઓ, મુખ્યમંત્રી, પ્રધાનો, ડોક્ટરો કે ધંધાર્થીઓ વીડિયો ટુલનો ઉપયોગ કરે છે. હવે તો કલાકારો, કવિઓ, ચિત્રકારો વગેરે માટે વીડિયો કોલ ફરજિયાત થઈ રહ્યા છે. ઓડિયો અને વીડિયોનો સુમેળ જ્યાં હશે તે એકમને તકલીફ નહીં પડે. વિશ્વ આમ પણ સ્ક્રીનમાં સમાઈ જવા પ્રયત્ન કરી રહ્યું હતું ત્યાં ચાઈનીઝ વાયરસના ફેલાવાએ તે ક્રિયા ઝડપી અને સરળ કરી આપી. ફક્ત વર્તમાન જ નહીં ભવિષ્ય પણ વીડિયો કોન્ફરન્સનું અને વેબિનારનું છે. એક સાથે સંખ્યાબંધ લોકોને લાઈવ બિઝનેસ ટ્રેઇનિંગ આપતા પ્રતિભાસંપન્ન યુવાનો માટે આ એક તક છે. જો કે વેબિનારમાં પોપટિયું જ્ઞાાન ચાલતું નથી. વિષયની તપશ્ચર્યા તો જોઈએ જ.