Get The App

દેખાડવાના અને ચાવવાના

Updated: Mar 4th, 2019

GS TEAM

Google News
Google News
દેખાડવાના અને ચાવવાના 1 - image



હાથી એક ગૌરવશાળી પ્રાણી છે, અને એમાંથી શીખવાનું ઘણું છે. પરંતુ પાકિસ્તાને હાથીમાંથી એટલો જ અને એ પણ ન લેવા જેવો બોધ એ લીધો છે કે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોવા જોઈએ. એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની હવે તો કોઈ પ્રતિષ્ઠા નથી.

ઓસામા બિન લાદેન કે જેને શોધવા માટે અમેરિકાએ દુર્ગમ ટોરાબોરાની પર્વતમાળાઓ સહિત આખા અફઘાનિસ્તાનને પગની એડી તળે ઘમરોળ્યું એ લાદેન છેવટે તો પાકિસ્તાન સરકારની નિગેહબાનીમાં રહેલો પાકિ. ધરા પરથી જ મળી આવ્યો. પાકિસ્તાનનું ચરિત્ર આદિકાળથી આતંકવાદી છે, અને તબક્કાવાર એ પુરવાર થાય છે. 

ભારતનો પાકિસ્તાન વિશે જે મત અગાઉ એકલા ભારતનો જ હતો, તે આજે દુનિયાના તમામ દેશોનો છે. ચીનના ખોળે બેસીને નવી નવી લોન તથા રાહતોનું શોખીન પાકિસ્તાન હવે અમેરિકાની નવી ભીંસમાં આવ્યું છે અને એફ-૧૬ વિમાન કે જેને ધ્વસ્ત કરીને ભારતે એ અમેરિકન બનાવટનું હોવાથી પાકિ. ઉપરાંત અમેરિકી અહંકારને પણ ઘસારો પહોંચાડયો તે પ્રકરણ સંદર્ભે અમેરિકી વિદેશ સચિવ પાકિ. પર નારાજ છે.

અમેરિકાએ છેલ્લામાં છેલ્લી જે સૂચના પાકિ. વિદેશ મંત્રાલયને અને ગૃહ મંત્રાલયને આપી છે તે એ છે કે આતંકવાદ અને આતંકવાદીઓ અંગે પાકિસ્તાને પોતાના સ્ટેન્ડ અને સ્ટેટસ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ સ્પષ્ટ કરવા,. જેને કારણે આખરે હવે પાકિસ્તાને એ સ્વીકાર્યું છે કે જૈશ-એ-મોહનો આતંકવાદી વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન મિસ્ટર કુરેશીએ જાહેરમાં સ્વીકાર કર્યો કે, મસૂદ અમારી પાસે છે.

જો કે તેમણે બચાવ કરવા એમ પણ કહ્યું કે મસૂદની તબિયત કથળી ગયેલી છે અને હાલત એટલી ગંભીર છે કે તે ઘરની બહાર મુવમેન્ટ કરી શકે તેમ નથી. જો કે પાકિસ્તાની દૈનિક ડોને એવા અહેવાલો પ્રગટ કરેલા છે કે ભારતીય જાસૂસી સંસ્થા રૉના ભયથી પાકિસ્તાનના મસૂદ અઝહર સહિતના અનેક આતંકવાદી નેતાઓ અને ટોચના કમાન્ડરો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભારતે તો મસૂદ અંગે અનેકવાર દસ્તાવેજી રજૂઆતો કરી છે.

પાકિસ્તાનના સોશ્યલ મીડિયામાં આજકાલ ઇમરાનખાન માટે આંતરરાષ્ટ્રીય દરજ્જાના કેટલાક શાંતિ પુરસ્કારો માટેની દાવેદારી રજૂ થઈ છે. વાસ્તવમાં તો ભારતીય ઉપખંડમાં અશાંતિ ફેલાવવા માટેના ઇનામના હકદાર બેનઝિર, નવાઝ અને મુશર્રફ સહિતના તમામ પુરોગામીઓ હતા. ઇમરાનખાનને અશાંતિ ફેલાવવાનું કામ વારસામાં મળેલું છે. તેઓ સત્તા પર આવ્યા પછી પાકિ. લશ્કરે તેમની આતંકવાદી પાંખને છુટ્ટો દોર આપેલો છે.

પાકિસ્તાન દુનિયાનું પહેલું એવું સૈન્ય છે જેમાં આતંકવાદી વિભાગ છે, આ વિભાગ અત્યારે આઉટસોર્સિંગથી ચાલે છે, ઇન્ડિયન મુજાહિદ્દીનથી શરૂ કરીને ઇસ્લામિક સ્ટેટ ફોર સિરિયા એન્ડ લેવેન્ટ સુધીના તમામને કોન્ટ્રાક્ટ આપી તેમના આતંકવાદીઓને પાકિ. સૈન્યએ નાકામ કામ માટે રાખેલા ને રોકેલા છે. જૈશ-એ-મોહ પણ વિભાગોનો જ એક ભાગ છે. પાકિસ્તાનના સૈન્યની કઠપૂતળી તરીકે ઇમરાનખાન વર્તે છે. પાકિસ્તાની સૈન્યમાં ખુલ્લંખુલ્લા યુદ્ધ કરવાની તાકાત હવે રહી નથી.

આતંકવાદી હુમલાઓ પર એનો વિશ્વાસ વધારે છે, પાકિસ્તાન એવી દગાબાજીથી નવા આતંકવાદી હુમલાઓ કરવાની ફિરાકમાં છે. ઇમરાનખાન પોતે જેના હકદાર છે એ અશાંતિના ખિતાબથી વિરુદ્ધ શાંતિનો ઇલકાબ ચાહી રહ્યા છે. તેઓ એમ માને છે કે ભારતને નારાજ કરવા માટે ય કદાચ અમેરિકા એમને કોઈક ઇલકાબ આપે ! આજકાલ એશિયાના વિવિધ નેતાઓમાં છુટ્ટે હાથે કુદરતે જે મૂર્ખતાની લ્હાણી કરી છે તેમાં એક નમૂનો ઇમરાનખાન પણ છે.

સોશ્યલ મીડિયા તો કોઈ પણ રાજકર્તાને પાગલ કરી મૂકવા માટેનો વિરાટ અને વિકરાળ શબ્દભંડાર ધરાવે છે. ભારતે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જૈશની છાવણીઓ પર હૂમલો કર્યો ત્યારથી આજ સુધી સોશ્યલ મીડિયામાં એવી ધૂમ મચેલી છે કે એમાં ભારતીય રાજકારણની ક્ષુદ્રતાઓ પણ પ્રગટ થયા વિના રહેતી નથી.

રાષ્ટ્રીય હિતના સંદર્ભમાં શું બોલવું કેે શું ન બોલવું એની આચાર સંહિતા જ જાણે કે રહી નથી. શાસક પક્ષને સંકોચમાં મૂકે એવા સવાલો પણ છે અને વિરોધ પક્ષને નિમ્ન બનાવે એવા જવાબો પણ એમાં છે. કેટલીક પોસ્ટ તો કોઇ ઇદમ તૃતીયમ નિવૃત્ત મેજરના નામે ફરતી કરી દેવામાં આવી છે, જેમાં પણ રાષ્ટ્રના હિતની કે ગૌરવની સંભાળ લેવામાં આવી નથી. દેશની ટેલિવિઝન ચેનલો પણ ઉતાવળમાં ગોથા ખાઈ રહી છે.

સૌથી નવાઈની વાત એ છે કે, 'રાજ્યસભા ટીવી' એ દૂરદર્શનની જ એક સરકારી ચેનલ છે જેમાં તટસ્થતાપૂર્વક જ તાજેતરના ઘટનાક્રમોનું વર્ણન છે, એને જોતાં અને સાંભળતા એમ લાગે કે બહારની ખાનગી ચેનલોને ખરીદી લેવાની દોડમાં એનડીએ સરકાર આ એક સરકારી પોપટને પીંજરે પૂરવાનું વીસરી ગઈ લાગે છે, કારણ કે રાજ્યસભા ટીવી ચેનલ પરની ચર્ચાઓમાં સરકારની ગંભીર ભૂલો અને છબરડાઓને પણ અન્ડરલાઇન કરવામાં આવે છે જ્યારે કે સંખ્યાબંધ બિનસરકારી ચેનલો તો એનડીએની સ્તુતિ અર્ચના કરવામાંથી જ ઊંચી આવતી ન હોવાથી સંપૂર્ણ નિષ્પ્રભાવી સાબિત થઈ છે.

Tags :