પરિકરના વર્તુળમાં રાફેલ
વ્યક્તિગત જિંદગીમાં મનોહર પરિકર એક ગંભીર અધ્યાયમાંથી પસાર થઈ રહ્યા છે. વિદેશમાં થોડા સમય પહેલા જ્યારે તેઓ અસાધ્ય રોગની સુસાધ્ય સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમણે કહેલી વાતો તરફ દેશનું ધ્યાન નથી.
એમણે કહ્યું કે જિંદગીના આ અંતિમ કિરણોથી ઢળતી સંધ્યાએ મને લાગે છે કે જાહેર જીવનમાં સમર્પિત થઈને મેં મારી જિંદગીના અત્યંત મહામૂલા વરસો ગુમાવી દીધા છે. એમની એ અફસોસ ગાથાનો સાર એવો જ છે કે તેઓ કોઈને કોઈ રીતે ખોટા રસ્તેથી જિંદગીનો પ્રવાસ કરી રહ્યા છે.
ગોવા વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી સાવ નજીક છે ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે વિવિધ પાંચ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને પેટાચૂંટણીઓ પૂરી થાય કે તુરત અમે ગોવામાં સરકારની રચનાનો દાવો કરીશું. જો કે ગોવા કોંગ્રેસે અગાઉ પણ આવી વાતો વહેતી કરી હતી. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ ૧૨ ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધપક્ષ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના માતુશ્રી સાથે ગોવાની પંચતારક હોટેલમાં હમણાં જ ત્રિદિવસીય મુલાકાતે આવી ગયા છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજિત રાણે જે દિવસથી આવ્યા તે દિવસથી જ આમ તો મુખ્યમંત્રી મનોહર પરિકરનું અને પક્ષનું સ્વાસ્થ્ય કથળતું રહ્યું છે એ દુઃખદ યોગાનુયોગ છે. રાણેએ કહ્યું હતું તો એમ કે હું પરિકરનું પિતાતુલ્ય સન્માન જાળવીશ, પરંતુ રાણેએ પરિકરની વિદાયના વાજા એડવાન્સ વગાડવાનો એક પણ મોકો જતો કર્યો નથી.
આ રાણેએ જ રાફેલની ગુપ્ત ફાઈલો જે પરિકરના કબજામાં છે તેની વાતો કરીને એ ફાઈલોને હવામાં 'ઉડાડી' છે, જેને કારણે ભાજપમાં જ રાણેએ પોતાની સિનિયોરીટી પર તો કુઠારાઘાત કર્યો અને સાથોસાથ વડાપ્રધાનને પણ સંકટમાં મૂક્યા છે.
હવે તો એ ફાઈલો ઘટનાસ્થળ છોડીને નવા સરનામે પણ પહોંચી ગઈ હોવી જોઈએ, પરંતુ જે ઓડિયો ટેપને કારણે રાફેલ ફાઈલોનો રાણેએ ધડાકો કર્યો એ ઓડિયો ટેપ સાચી પુરવાર થઈ રહી છે. કારણ કે પરિકરે એની ફોરેન્સિક તપાસ કરવાનો હુકમ કરવાની વાત કરી હતી, પરંતુ હુકમ તેમણે કર્યો નથી.
આમ તો એ વાત જાણીતી છે કે મનોહર પરિકરે પોતાની અનિચ્છાએ સંરક્ષણ મંત્રાલય છોડીને ગોવામાં વાસ્તવિક ધરાતલ પર પાછા આવવું પડયું હતું. પરિકરને તેમના કયા અપરાધ બદલ કોઈને ખબર ન પડે એવી ઠાવકાઈથી ભાજપે દિલ્હીથી તડીપાર કર્યા એ હજુ રહસ્ય જ છે.
પછી તો પરિકરનું સ્વાસ્થ્ય જ એવું રહ્યું કે કેન્દ્રીય કેબિનેટ કે ભાજપની ટોચની નેતૃત્વ રેસમાંથી તેઓ આપોઆપ જ બાકાત થઈ ગયા. દિલ્હીમાં મનોહર પરિકરની જે ઈમેજ છે તે અને ગોવામાં છે તે બન્ને વચ્ચે બહુ તફાવત છે. ગોવામાં પરિકરને આપખુદી, અભિમાની અને વ્યર્થ ગુલબાંગ ચલાવનારા નેતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કે દિલ્હીમાં એમનો ચહેરો એક ભદ્ર રાજનીતિજ્ઞાનો રહ્યો છે, જે હવે માત્ર ઈતિહાસના છુટાછવાયા પૃષ્ઠોમાં જ દ્રશ્યમાન છે.
પરિકર જ્યારે સારવાર અર્થે વિદેશ હતા ત્યારે જ વિશ્વજિત રાણેને ગોવાના મુખ્યમંત્રી બનાવવાની વાત જોરશોરથી ચાલી હતી. પરંતુ રાફેલમાં પણ પરિકરની વિશેષ ગોપનીય ભૂમિકા હોવાને કારણે એ વૈકલ્પિક બાબતો પર ભાજપે વિચાર ન કરીને પરિકરનું પદ સ્થિર રાખ્યું હતું.
આમ પણ ગોવાની સરકાર છેલ્લા ઘણા સમયથી તો ફિરંગીઓ ચલાવતા હતા એ રીતે અધિકારીઓ જ ચલાવે છે અને ગોવાની પ્રજાને ભાજપના શાસનનો અનુભવ સારો નથી. કારણ કે ગોવામાં પ્રવાસન ક્ષેત્રના ખેલાડી ઉદ્યોગપતિઓની એક અંધારી આલમ જેવી જ એક તારકથી પંચતારક સુધીની દુનિયા છે જે સરકારના તમામ નિયમોને અભરાઈ પર ચડાવીને કરોડોના બિઝનેસમાં નિમગ્ન છે, જેની પહોંચ જો કે સરકારના ઉચ્ચાધિકારીઓ અને પ્રધાનો સુધી છે.
મનોહર પરિકરના શયનખંડમાં રાફેલ સંબંધિત તમામ મહત્ત્વની જે ફાઈલો છે તેમાં રાફેલના અતાર્કિક ભાવફેરના ગુપ્ત દસ્તાવેજો હોવાની કોંગ્રેસને આશંકા છે. સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસે પરિકરના શયનખંડની આ દિલધડક દાસ્તાન બહુ ચતુરાઈપૂર્વક રજૂ કરી હતી અને એ સંદર્ભમાં જ રાહુલ ગાંધીએ ગોવાનો પ્રવાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ બધા જ વિપરીત સંયોગો વચ્ચે મિસ્ટર પરિકર ખૂબ થાકી ગયા છે. કોંગ્રેસના ગોવાના નેતાઓએ તો એવો કટાક્ષ પણ કર્યો છે કે પરિકર જો રાફેલના સર્વ રહસ્યો જાણતા હોય તો એમને પૂરતી સુરક્ષા પૂરી પાડવી જોઈએ જેથી જસ્ટીસ લોયાની જેમ તેમની તબિયત અચાનક ન કથળે!