માયાવતી: નામ એવા ગુણ
ગયા ગ્રીષ્મકાળમાં કર્ણાટકમાં વિરોધ પક્ષોના ફોટો- ગઠબંધન જોઈને દેશ આખો એમ માનવા લાગ્યો હતો કે ભાજપ વિરુદ્ધનો મોરચો અડીખમ તૈયાર થઈ ગયો છે.
જો કે એ છબીઓએ ઇ.સ. ૨૦૧૯ની તૈયારી કરી રહેલી એનડીએ સરકારની પણ ઊંઘ ઉડાડી દીધી હતી, કારણ કે કર્ણાટકના મુખ્યમંત્રીની શપથવિધિના બે મહિના અગાઉ પણ બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચેની સંધિ થઈ ચૂકી હતી.
આ બધા નવા ઘટનાક્રમોએ ગયા ઉનાળામાં ભાજપના ટોચના નેતાઓના પ્રિય એવા કેસર અને હાફુસ કેરીના સ્વાદને ફિક્કો બનાવી દીધો હતો. એ સમયે કોંગ્રેસ અને માયાવતીના સંબંધો ગાઢ હતા. પરંતુ પછીથી રહસ્યમય રીતે પરમ સખી દેખાતા સોનિયા ગાંધી- માયાવતી વચ્ચે ક્રમશઃ અંતર ઘટવા લાગ્યું જે હવે સરવાળે ભાજપના ફાયદામાં ઢળતું દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસ અને માયાવતી વચ્ચે જે તિરાડ પડી એ, એ બન્નેના પરસ્પરના કારણોથી પડી કે કોઈક ખેલાડીના ઇશારે પડી એ તો હજુ રહસ્ય જ છે.
પરંતુ એક વાત નક્કી છે કે કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી બન્ને એમ માને છે કે દેશમાં ભાજપ વિરોધી પવન ફૂંકાયેલો છે, એટલે વિપક્ષો આસાનીથી જીતી જશે, એથી બન્ને પક્ષોના હિતો ટકરાવા લાગ્યા અને છેવટે માયાવતીએ પોતાની અલગ ઓળખ જાળવવાનો નિર્ણય લીધો. લોકસભાની ચૂંટણી પૂર્વેના આ ઘટનાક્રમને કારણે હવે એ નિશ્ચિત થઈ ગયું છે કે મતોના વિભાજન કરાવવા માટે માયાવતી, એનડીએ સરકારની એક નવી ચાલ બની રહ્યા છે.
જો કે હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં માયાવતીનું વધતું પ્રભુત્વ એમનો કોઈ સામાન્ય વિકાસ નથી, તેમની માયાવી રાજનીતિને ઓળખવી હવે સપા અને કોંગ્રેસ બન્ને માટે એક અઘરો અધ્યાય છે.
કોંગ્રેસથી વિખૂટા પડવાની ઘટના અંગે ખુદ માયાવતી આજકાલ સભાઓમાં કહી રહ્યા છે કે બસપાના સંસ્થાપક કાંશીરામની સૈદ્ધાન્તિક ઇચ્છા દેશના દલિતો અને વંચિતોનું પ્રતિનિધિત્વ કરવાની હતી એ પ્રમાણે હવે બસપા કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહિ કરે.
જો કે માયાવતીની આ પ્રકારની વાતો માત્ર પ્રાસંગિક સત્ય જ હોય છે અને સમય બદલાતા એમનું રાજસત્ય પણ બદલાઈ જાય છે અને એમનો ઇતિહાસ એમ જ કહે છે.
અત્યારે દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને અગિયારમી ડિસેમ્બરે આવનારા એના પરિણામોના સંદર્ભમાં રાજકીય ઉષ્ણતામાન ઊંચે જઈ રહ્યું છે. માયાવતીએ આ શિયાળાના પ્રારંભે સૌથી પહેલા છત્તીસગઢમાં અજિત જોગીની જનતા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. મતોનું વિભાજન કરવાનો એ આમ તો માસ્ટર સ્ટ્રોક છે.
માયાવતી આ જ મોડેલમાં દેશના વિવિધ રાજ્યોમાં બિનકોંગી વિપક્ષો સાથે જોડાણ કરશે અને ઇ.સ. ૨૦૧૯માં ભાજપને પરદા પાછળથી ઉપકારક નીવડશે એ વાત હવે સ્પષ્ટ થતી જાય છે.
માયાવતીએ જાણે કે ભાજપની જ કોઈ વ્યૂહાત્મક બ્લ્યૂ પ્રિન્ટ હોય એ રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ સાથેના પોતાના સર્વબંધનો અને ગઠબંધનોમાંથી મુક્તિ મેળવીને એડવાન્સમાં છેડો ફાડી લીધો છે. અગાઉ કર્ણાટકની ચૂંટણી વખતે બસપાએ જનતા દળ (સેક્યુલર) સાથે ગઠબંધન કર્યંન હતું અને માયાવતીના એક જ ઉમેદવાર જીત્યા હતા, તો પણ એ ઉમેદવાર અત્યારે કર્ણાટકમાં પ્રધાન છે !
માયાવતી સ્પષ્ટ કહે છે કે, ભાજપ અને કોંગ્રેસ સાથે અમારું ગઠબંધન ન હોઈ શકે. વળી તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ સાથે તો બિલકુલ નહીં. એનો અર્થ એ છે કે માયાવતીના જે ઉમેદવાર જીતે એ ભાજપ માટે એક પ્રકારની સ્ટેન્ડ બાય હેલ્પલાઇન બની રહેવાના છે. મધ્યપ્રદેશના દિગ્વિજયસિંહે તો માયાવતીને ભાજપના એજન્ટ કહી જ દીધા છે.
હવે માયાવતી એમ કહે છે કે, અમારી અને કોંગ્રેસ વચ્ચેની તિરાડનું કારણ દિગ્વિજયસિંહ ખુદ છે પરંતુ એ સિવાય માયાવતી માત્ર ભાજપને ડરાવવા માટે, કોંગ્રેસના ટોચના નેતાઓ વિશેષ તો સોનિયા ગાંધી અને રાહુલ વિરુદ્ધ બોલતા નથી.
દરેક દિશામાં એક બારી ખુલ્લી રાખવાની રાજનીતિ માયાવતીને ફાવી ગઈ છે. એટલે કે માત્ર રાજ્ય સ્તરના કોંગ્રેસી નેતાની જ ટીકા કરતા રહીને એમણે લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના મોવડી મંડળ સાથે પણ એક પ્રકારનો ગુપ્ત મલાજો જાળવી રાખ્યો છે.
માયાવતીનું નામ જ માયાવતી છે અને એ પણ એક કમાલ જ છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓના મેઘાડંબર ભારતીય આકાશે રચાય છે, ત્યારે તેઓ પોતાના નામ પ્રમાણેના ગુણનું જ પ્રદર્શન કરે છે, વળી, તેઓ બહુ જ અભ્યાસી છે. તેમને અંદર- બહારના તમામ રાજકીય પ્રવાહોની નખશિખ ખબર હોય છે.
કોંગ્રેસના મણિશંકર અય્યર કે કમલનાથે હમણાં કર્યા તેવા બોલવાના છબરડાઓ તેઓ કરતા નથી. ઉત્તરપ્રદેશની બહાર તેમણે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે. જેના મીઠા ફળ ચાખવા ભાજપ આતુર હોય જ પણ નક્કી નથી કે માયાવતીને છેલ્લી ઘડીએ જોડાણો માટે અન્ય કયા પક્ષની માયા લાગે !