સંઘની સંદિગ્ધ ભૂમિકા
અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરવા માટે જાણે કે સરકારના કહેવાથી જ સરકાર પર દબાણ કરવામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આગેકૂચ જારી છે.
ટૂંક સમયમાં જ સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો આવવાનો છે છતાં એની રાહ જોયા વિના સંસદના શિયાળુ સત્રમાં પ્રારંભે જ સરકાર રામમંદિર નિર્માણ માટેનો કાયદો ઘડે એ માટેનું દબાણ કરવામાં ભાજપની બધી જ ટેકેદાર સંસ્થાઓ લાગી પડી છે.
જે પરોક્ષ રીતે તો એમ પણ બતાવે છે કે એનડીએ સરકારને કોઈક ગુપ્ત દહેશત સતાવી રહી છે કે અદાલતનો તટસ્થ ચૂકાદો એમની ગણતરી પ્રમાણે નહિ આવે તો ? છેલ્લા પાંચેક વરસમાં સંઘે એનું કદ વધાર્યું છે. જેમ પશ્ચિમ બંગાળમાં તેમ ગમે તે રાજ્યમાં ઉત્પાત મચાવવાની ક્ષમતા એણે કેળવી લીધી છે.
આજથી દસ- વીસ વરસ પહેલાં સંઘમાં રાષ્ટ્રપ્રેમની જમાવટ હતી, હવે તો ભાજપનો સત્તાવાદ એ જ સંઘનો રાષ્ટ્રવાદ છે. આગામી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની જીતવા માટેની રણનીતિ સતત બદલતી જાય છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને કોઈએ લેશન- હોમવર્ક આપેલું છે અને એ લોકસભા માટે ભારતીય મતદારોના મત પડે એના આગલા દિવસ સુધીમાં એણે પૂરું કરવાનું છે. ભારતના વિકાસ માટેની સંઘની સ્વતંત્ર વિચારધારાઓ હવે ભાજપને આધીન થતી જોવા મળે છે.
સંઘનો રૂઆબ તો અગાઉ જેવો જ છે અને પોતે ભાજપથી ઉપરના આસને હોય એવું દર્શાવે છે, પરંતુ હકીકતો હવે જુદી જ કોઈ વાત કહે છે. સંઘમાં પણ હિન્દુત્વનો ખયાલ મોડરેટ થઈ ગયો છે. હાર્ડલાઇન જેવું કંઈ છે નહિ અને હોય ત્યારે શતરંજની એક ચાલ હોય છે. કોંગ્રેસ પણ માત્ર પોતાની મૃતઃપ્રાય વોટબેન્કને પુનર્જિવિત કરવા માટે સોફ્ટ હિન્દુત્વનો આશ્રય લીધો છે.
દ્વારિકા, સોમનાથ અને જગન્નાથ મંદિરની બિનઆધ્યાત્મિક અને ગણતરીપૂર્વકની જાતરાને કારણે ગઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે કંઈ પણ ફાયદો થયો એનું રાહુલ ગાંધીને સ્મરણ છે અને હમણાં જ એમણે દેશના વિવિધ પાંચ રાજ્યોની ધારાસભા ચૂંટણી વખતે શક્ય એટલા વધુ ધર્મસ્થાનોમાં માથુ ટેકવ્યું છે.
ધર્મને જે રીતે રાજકીય પક્ષો વચ્ચે લાવી રહ્યા છે તે લોકસભાની ચૂંટણી સુધી તો પ્રજા માટે ચિંતાનો વિષય રહેશે. હમણાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ જેના પરિણામો અગિયારમી ડિસેમ્બરે છે, ત્યાં રાજકીય પક્ષોએ જે રીતે પ્રચાર કર્યો અને બકવાસ પણ કર્યો તેના પરથી લોકસભાની ચૂંટણી વખતે દેખાવાના દ્રશ્યોનો પ્રારંભિક અણસાર દેશના નાગરિકોને મળી ગયો છે.
એ નેતાઓના બકવાસમાં ધર્મ, સમાજ, ન્યાયતંત્ર અને બંધારણને પણ છોડવામાં આવ્યા નથી. એની ઝલક જ માત્ર સાંભળો તો ખ્યાલ આવે કે અસભ્ય બેવકૂફોની મોટી ફોઝ આપણા રાજકારણમાં પ્રવેશી ગઈ છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની જૂની શિસ્તનો જ્યાં સુધી ભાજપ પર પડછાયો પડતો હતો ત્યાં સુધી તો ભાજપના નેતાઓમાં પણ નેતૃત્વની અને ભારતીયતાની ગરિમા હતી, જે રીતે ઇન્દિરાજી પૂર્વેના તમામ કોંગ્રેસી નેતાઓ રાષ્ટ્ર અને પક્ષને વફાદાર રહી ઉચ્ચ સંસ્કારિતાનું પ્રદર્શન કરતા રહ્યા હતા ! ઇન્દિરાજીથી જ કોંગ્રેસ એક માલિકીની પેઢી હોય એવા નેતૃત્વનો આરંભ થયો.
ભાજપમાં પણ આજકાલ એ જ દશા છે. હવે સ્થિતિ એ છે કે ભાજપનું કદ વધી જતાં એનો પડછાયો સંઘ પર પડયો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિચારે એ પહેલાં સંઘે વિવિધ જ્ઞાાતિ- જાતિના મત અંકે કરાવી આપવા માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી છે.
ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જૂના નેતાઓના ઉંબરે દીવા કરવા જવાનો નિર્ણય કર્યો છે, એનો અર્થ છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારમાંથી પણ કોઈકને ટિકિટ આપવી, પરંતુ હવે વિવિધ સમાજના નેતૃત્વના ધોરણો બદલાઈ ગયા છે.
દિવાળી ગઈ એ તો ગઈ પરંતુ ભાજપે નવા વરસના સ્નેહમિલનો હજુ ચાલુ જ રાખ્યા છે. એ બહાને મેળાવડાઓમાં જનસમુદાયનો સાક્ષાત્કાર થાય અને બે શબ્દ બોલવા મળે ! કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનુભવો પ્રમાણે હવે સભાઓમાં ખુરશીઓ અને શેતરંજી ખાલી જ રહે છે.
દેશના નારાજ કિસાનોને ફરી ભાજપ તરફ પાછા લાવવા માટે સંઘે સલાહ આપી છે તે પ્રમાણે વડાપ્રધાન સમગ્ર દેશમાં કિસાન રેલીઓનું આયોજન કરી રહ્યા છે. એનાથી વિમુખ કિસાનો, સન્મુખ થાય છે કે નહિ એ જોવાનું રહે છે.
દેશના તમામ વર્ગો, જાતિ અને સમુદાયને સરકારી લાભ આપવાની જે ટેવ પાડવામાં આવી છે એ હવે સરકારને અને રાજકીય પક્ષોને ભારે પડવા લાગી છે, પણ એનો તો કોઈ અન્ત નથી.
સહુને ખુશ કરવા માટેના સપનાઓનો થેલો લઈને જ નેતાઓ ચૂંટણીના મંચ પર આવે છે અને સપનાઓની લ્હાણી કરે છે. વડાપ્રધાન મોદી તેમના છેલ્લા અનેક ભાષણોમાં રામમંદિરના મુદ્દાને બાકાત રાખતા હતા પરંતુ હવે તેમની વાણીમાં ફરી રામમંદિરની જગ્યા નક્કી થવા લાગી છે. માત્ર ચૂંટણીની ફસલ લણી લેવા માટેની આ યોજના છે.