Get The App

ભાજપનું રામ(ભરોસે)રાજ્ય

Updated: Jun 9th, 2020

GS TEAM

Google News
Google News
ભાજપનું રામ(ભરોસે)રાજ્ય 1 - image


આપણા ગુજરાત સહિત દેશની વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોરોનાના રોગચાળાને પહોંચી વળવા લાંબા સમયથી અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. સરકારી સંસ્થાઓ દ્વારા તકેદારી લેવાઈ રહી છે એવા અહેવાલો પણ સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં છે. પરંતુ વાસ્તવમાં સરકારની તજવીજો જે દેખાઈ રહી છે એ પરથી સ્પષ્ટ લાગે છે કે જેટલી ગંભીરતા એમણે ઘોષણાઓ અને દાવાઓમાં બતાવી એ પ્રમાણે એના પર અમલ નથી થઈ રહ્યો. ગંભીરતા બતાવવી અને ગંભીરતા દાખવવી બંનેમાં ફરક હોય છે. લોકડાઉનમાંથી મહત્ મુક્તિ આપવાનો અર્થ એવો તો ન થવો જોઈએ કે પ્રજાને તેના ભાગ્ય પર છોડી દેવામાં આવે. ગુજરાતમાં જે રીતે અમદાવાદ વિશ્વના નકશામાં એક નવા વુહાન થવા તરફ આગળ ધપી રહેલું દેખાય છે તેના મૂળમાં રાજ્ય સરકારની અસંખ્ય ભૂલો, મૂર્ખતાઓ અને વ્યર્થ અખતરાઓ જવાબદાર છે.

જેવા છે તેવા પણ દિલ્હી પાસે એના લીડર કેજરીવાલ છે. અમદાવાદની પ્રજાને પૂછો તો લોકજીભે કોઈ કોમન નામ નથી. એટલે કે નેતૃત્વ શૂન્યતાની ગંભીર સજા અમદાવાદ ભોગવી રહ્યું છે. કુતુબ મિનાર પરથી વડાપ્રધાનને અમદાવાદ સિવાયની આખી દુનિયા દેખાય છે એ પણ હકીકત છે. કોરોનાનો ચેપ જેમને લાગ્યો હોય તેવા દર્દીઓની સારવાર તો થઈ રહી છે. પરંતુ સારવારને લગતા વ્યવસ્થાતંત્રને સંલગ્ન જે આંકડાઓ આવી રહ્યા છે તે ચિંતાજનક છે. સારવાર માટે ધ્યાનમાં રાખવી પડતી તકેદારીઓનું પણ વિવિધ જગ્યાએ જુદું અર્થઘટન થાય છે. આ બધું ધ્યાનમાં લેતા એવું લાગે છે કે રહેણાંકોથી લઈને હોસ્પિટલો સુધીની નક્કર વ્યવસ્થાઓ અને ત્યાં ફરજ પરના આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોની સંવેદનશીલ વર્તણૂક વગેરે પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. સરકારના દાવાઓનું પ્રશસ્તિગાન કરતા ઘણા અહેવાલો રોજબરોજ પ્રસિદ્ધ થાય છે. પણ લાગે છે કે કોરોનાના દર્દીઓને સરકાર એના ભરોસે છોડી દે છે. રામરાજ્યની હજુ સુધી તો સ્થાપના નથી થઈ પણ એવા કિસ્સાઓ નજર સામે આવ્યા છે જેમાં દર્દી અને દર્દીનું કુટુંબ રામભરોસે હોય.

કોરોના સંક્રમણની તપાસમાં એક યુવાનને જે પરિસ્થિતિનો સામનો કરવો પડયો તે વ્યાવહારિક રીતે સારવાર અને દેખરેખની વાસ્તવિકતાને સમજાવવા માટે પૂરતો છે. સમાચાર મુજબ, એક યુવકે પોતાની વ્યથા વર્ણવી કે તેના એક પિતરાઇ ભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આને કારણે તેને પણ અમુક લક્ષણો હોય એવું લાગતું હતું. જેથી તેણે જાતે તેની તપાસ કરાવવાનું નક્કી કર્યું. પરંતુ લેબોરેટરી શોધવાથી લઈને બધી હોસ્પીટલમાં ટેસ્ટ સંબંધી વિધિમાં તેને નિરાશ થવું પડયું. કોઈએ તેનો હાથ ન પકડયો, કોઈએ મદદ ન કરી. નિરાધાર યુવક આવી સ્થિતિમાં એક સ્થળેથી બીજા સ્થળે રઝળપાટ કરતો રહ્યો. આવા અગણિત કિસ્સાઓ રોજ સામે આવે છે. ટ્વીટર અને સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કુટુંબીજનો હૈયાવરાળ વ્યક્ત રહે છે. ભાજપ માટે સોશ્યલ મીડિયા પોતાના પક્ષનો પ્રચાર કરવાનું માધ્યમ છે, એમાં આવતા પ્રજાના પ્રતિસ્પંદનો વાંચવા કે સાંભળવાની વ્યવસ્થા ભાજપના કર્ણ કે નેત્રપટલમાં નથી.

સવિષાદી આશ્ચર્યની વાત છે કે કદાચ કોઈ વ્યક્તિને પોતાને જ સંક્રમણ હોવાની શંકા હોય અને એ એની તપાસ માટેની બધી જ શક્ય કોશિશ કરે છતાં ય એને નિરાશા જ સાંપડે. આ તપાસનું કામ ખુદ સરકારે બેહદ ગંભીરતાથી કરવું જોઈએ તે ઇચ્છનીય છે. સમય નાજુક છે અને સરકારની જવાબદારી વધી છે. સિસ્ટમના દરેક સ્તર પર આ માટે વ્યવસ્થા હોવી જોઈએ, બીજાની કે અગર પોતાની પણ તપાસ કરાવવા કોઈ વ્યક્તિ આવે તો એને સરળતાથી તપાસ અને ઇલાજની સુવિધા મળી રહેવી જોઈએ. ફક્ત હજારો બેડની હોસ્પિટલ રાતોરાત બંધાઈ ગઈ એવા સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા કરવા પૂરતું નથી. સામાન્ય માણસ લેબોરેટરીથી લઈને દવાખાના સુધી બધે ધક્કા ખાય અને તો પણ એની તપાસ ધરાર ન જ કરવામાં આવે તો કોરોનાનો અંજામ કેવો આવશે તેની કોઈને કલ્પના છે?

જો તે વ્યક્તિને અસલમાં ચેપ લાગ્યો હશે અને એના દ્વારા બીજા વ્યક્તિઓ સુધી તે ફેલાયો હશે તો પરિણામસ્વરૂપ કોઈનો જીવ જાય તો એના માટે જવાબદાર કોને ગણવાના ? સરકારે તો લોકડાઉનમાંથી આપેલી મુક્તિને પોતાની જવાબદારીમાંથી મુક્તિ માની લીધી નથી ને ? માસ્ક વિનાના હજારો લોકો રસ્તા પર ભટકતા જોવા મળે છે. ટેસ્ટ કરવાની બાબતમાં સરકારની ઘોર બેદરકારી અને ઉદાસીનતા હવે છુપી નથી રહી. પ્રજા બધું જાણે છે પણ અત્યારે લોકો મહિનાના બે છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે. સરકારે વધુ નવા ટાસ્ક ફોર્સ રચીને નવેસરથી કોરોના સામે લડવાની જરૂર છે. 

Tags :