Get The App

બુલબુલનું મહા આક્રમણ

Updated: Nov 8th, 2019

GS TEAM

Google News
Google News

માત્ર ભારતીય ઉપખંડમાં જ નહીં પરંતુ જગતના લગભગ દરેક પ્રદેશમાં કુદરતી હોનારતોએ આજકાલ ઉત્પાત મચાવ્યો છે. એકવીસમી સદી આવવાની હતી ત્યારે કેટલાક હવામાન શાસ્ત્રીઓએ એવી આગાહી કરી હતી કે હવે આવનારી સદી ઝંઝાવાતો અને અણધાર્યા જળપ્રપાતોથી ભરેલી હશે. એની પાછળનું વિજ્ઞાાન પણ એ લોકોએ રજૂ કર્યું હતું જેનો સારાંશ એટલો જ હતો કે સમુદ્ર પોતાની જરૂરિયાત પ્રમાણે મીઠા પાણીનું ઉત્પાદન કરે છે અને એને ફરી ફરી પોતાનામાં સમાવે છે. 

જેવું તુચક્ર હોય છે એવું જ એક જળ ચક્ર છે. જે સમગ્ર પૃથ્વીને જીવ સૃષ્ટિનું પાલન-પોષણ કરવા માટે સમર્થ બનાવે છે. માનવ શરીર જ પંચતત્ત્વ નું બનેલું છે એ પંચતત્ત્વમાંના દરેક તત્ત્વ દરેક પોતાના અસ્તિત્વ માટે એક ચોક્કસ પ્રકારના ક્રમને અનુસરે છે. એકવીસમી સદી એ રીતે પંચતત્ત્વના પુનર્ગઠનની સદી છે. જેમાંથી હવે થોડુક બધાને સમજાય છે. ભારતની બંને ભુજાઓ તરફના સમુદ્ર પર સર્જાયેલા હવાના હળવા દબાણે દાયકાઓ પછી દેશમાં બેવડા ઝંઝાવાતની ઓળખ આપી છે.

ઝંઝાવાત મુખ્યત્વે ચોમાસામાં જ આવે છે એમ આમજન માનતા હોય છે. પરંતુ એવું નથી. ચોમાસામાં તો હળવું દબાણ જ વરસાદનો પ્રાણાધાર હોય છે. એટલે કે ચોમાસામાં તો હવાનું દબાણ હળવું એ સ્વાભાવિક ક્રમ છે. ચોમાસા પૂર્વે દર વર્ષે ભારતમાં એક પ્રિમોન્સૂન ઈફેક્ટ તરીકે વાવાઝોડાની શક્યતા રહે છે. ઉપરાંત શિયાળામાં પણ ગમે ત્યારે વાવાઝોડું આવે છે જેને સામાન્ય રીતે આપણે શિયાળુ માવઠુ કહીએ છીએ. ભારતની ત્રણેય તરફ સમુદ્ર છે અને અરબી સમુદ્ર પરથી વિષુવવૃત્ત ની રેખા પસાર થાય છે.

એને કારણે સમુદ્રની વરાળથી હવામાં રહેલી ઘનતા ઓછી થઈ જાય છે. એથી સામુદ્રિક ઉષ્ણતા જ હવાનું દબાણ હળવું કરે છે. એ પ્રક્રિયા જો લાંબો સમય ચાલે અને આસપાસ પણ તોફાની પવન ન હોય તો પાતળી થયેલી હવા એક શૂન્યાવકાશનું સર્જન કરે છે. પછીથી એ શૂન્યાવકાશમાં ચારે બાજુથી વાદળાઓના દળ ખાલી જગ્યા પૂરવા માટે ધસી આવે છે. પછી જ અસલ ચક્રવાત આકાર લે છે. 

અરબી સમુદ્રમાં મહા અને બંગાળના અખાત પર બુલબુલ નામક બન્ને ઝંઝાવાતે આ રીતે જ આકાર લીધો છે. ચક્રવાતને બાકીના પવન દિશા આપે છે. ચક્રવાતમાં શૂન્યાવકાશનું પ્રમાણ જેટલું વધારે અને હવા જેટલી વધુ પાતળી એટલું જ વાવાઝોડું આક્રમક થવાની સંભાવના રહે છે. એકવીસમી સદીમાં ટાપુ પરના જનજીવનની સલામતી ઓછી થઈ ગઈ છે. કારણ કે દુનિયામાં જે દેશો ટાપુ પર વસેલા છે અથવા તો વિવિધ દેશો હસ્તકના જે ટાપુઓ છે તેમની ક્ષમતા હવેના ઝંઝાવાતોને સહન કરવાની નથી.

જે ટાપુઓ પર જનજીવન છે એ પણ દરિયામાંથી સર્જાતા ચક્રવાત સામે ટકી શકે એમ નથી. આપણે ત્યાં આન્ધ્ર પ્રદેશ અને ઓરિસ્સા કંઈ ટાપુ નથી તો પણ આ બન્ને રાજ્યો પર આકસ્મિક વરસાદી તોફાનની તલવાર સદાય લટકતી રહે છે. આન્ધ્રસરકારે કરોડો રૂપિયાના ખર્ચથી એના દરિયા કિનારે સલામતીના બંકર બનાવેલા છે. જે સાવ કાંઠે વસતી પ્રજા માટે વારંવાર જીવન રક્ષક પુરવાર થયેલા છે. 

ગુજરાતમાં પહેલીવાર અમરસિંહ ચૌધરીની સરકારે દરિયાને જમીન તરફ આગળ વધતા અટકાવવા માટે મહત્ત્વનો પ્રોજેક્ટ ઉપાડયો હતો. દૂરદર્શન પર 'અમે દરિયો બાંધ્યો રે લોલ' એવું એક દસ્તાવેજી વૃત્તચિત્ર પણ પ્રસારિત થયુ હતું પરંતુ એમના પછી કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નથી.

ગુજરાતનો દરિયો કિનારાની ભેખડોને ધ્વસ્ત કરીને કરોડો ટન માટી ગળી ગયો છે અને એ પ્રક્રિયા હજુ ચાલુ જ છે. ગુજરાતના અનેક કાંઠાળ જિલ્લાઓના પેટાળમાં દરિયાની ખારાશ દૂર સુધી અંદર આવી ગઇ છે. એને કારણે વૈજ્ઞાાનિક રીતે જુઓ તો એવા વિસ્તારોનું પાણી પીવા લાયક નથી.

ગુજરાતમાં આજકાલ જે 'નિ' રિપ્લેસમેન્ટ એટલે કે પગના ગોઠણની ઢાંકણી નવી કૃત્રિમ બેસાડવાની જે ધૂમ સિઝન ચાલે છે એનું એક કારણ એ છે કે ગુજરાતની અરધી પ્રજા ફ્લોરાઈડયુક્ત પાણી પીવે છે જેનાથી આર્થ્રાઈટિસ જેવી હાડકાની સમસ્યાઓ ઉદભવે છે. દરિયાના પાણીને ઈઝરાયેલ પદ્ધતિથી મીઠુ બનાવીને પીવામાં કોઈ નુકસાન નથી પરંતુ ભૂતળમાં પ્રવેશેલી ખારાશને કારણે કૂવા અને બોરના જે પાણી કાંઠાળ જિલ્લાઓની પ્રજા પીવે છે તે ખતરનાક છે.

તુઓની સમગ્ર ક્રમિકતા બદલાઈ ગઈ છે જે સ્વીકારતા જન સમુદાયને હજુ થોડો સમય લાગશે. વરસાદ જે પ્રમાણસરનો હતો તે હવે અલ્પ અથવા અતિમાં રમવા લાગ્યો છે. મોસમો અણધારી રહેવાની છે. ગુજરાતના કિનારે સોમનાથની ધજાને ઘડીક વીંટળાઈને વાવાઝોડું મહા દૂરથી જ પસાર થઇ ગયું એને કારણે બચેલો કપાસ ફરી બચી ગયો છે.

તોય ક્યાંક ભારે નુકસાન થયું છે ને પાકવીમાના પ્રશ્ને ખેડૂતોને વળતર આપવા-અપાવવા અંગે પાટનગર ગાંધીનગરમાં અસમંજસ ચાલે છે. ચક્રવાત બુલબુલ વધુ ભયંકર બનીને પશ્ચિમ બંગાળ તથા ઓરિસ્સા તરફ આગળ વધે છે જે અકલ્પનીય વરસાદને લઈ આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેમના હવામાન વિભાગોને અપગ્રેડ કરવાની અને આપત્કાલીન વ્યવસ્થાતંત્રને હજુ વધુ હાઈટેક બનાવવાની જરૂર છે.

Tags :