Get The App

કોંગ્રેસનું આંશિક વિસર્જન

Updated: Jul 8th, 2019

GS TEAM

Google News
Google News
કોંગ્રેસનું આંશિક વિસર્જન 1 - image


મિલિન્દ દેવરા અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પદ છોડયા પછી પણ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો અટક્યો નથી. ગત લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજયે કોંગ્રેસના મોભ અને મોભીના હૈયાં ભાંગી નાંખ્યા છે. પુનઃ બેઠા થતા શીખવે એવો મંત્ર કોંગ્રેસના કાનમાં ફૂંકનાર જાણે કે કોઈ નથી. છતાં સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા ખુદ પરોક્ષ રીતે તો હજુ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં છે જ. 

પક્ષને જ્યારે પોતાની હયાતી માટેની રણનીતિ નક્કી કરવાની જરૂર છે ત્યારે દેશમાં સત્તાવિયોગથી સર્જાયેલા આઘાતના પ્રત્યાઘાતનું જે પ્રદર્શન થઈ રહ્યું છે તે આ ઐતિહાસિક રાજકીય પક્ષના નવા સ્વનિર્ણિત પતનની પણ નોબત વગાડે છે. કોંગ્રેસના લગભગ તમામ નેતાઓ પરાજયને પોતાનું અપમાન માને છે, જે દર્શાવે છે કે કોંગ્રેસમાં હવે રાજવિદ્યાની પુખ્તતા નામશેષ થઈ છે. જો કોંગ્રેસને કામ જ કરવું હોય તો દેશમાં ઠેર ટેર અઢળક કામો છે. શું સત્તામાં હોવું એને જ કોંગ્રેસ કામ માને છે? ભાજપ જેવું નહિ તોય કોંગ્રેસ પાસે રાષ્ટ્રવ્યાપી કાર્યકરોનું એક ચોક્કસ સ્તરનું માળખું તો છે જ.

દેશના રાજકારણમાં એ પ્રણાલિકા હવે બહુ આગળ વધી ગઈ છે કે અમે સત્તામાં હોઈએ તો જ કામ કરીએ. રાજકારણ તો અહર્નિશ પ્રજાની સેવા કરતા રહેવાનું ક્ષેત્ર છે, એમાં ક્યારેક સત્તા હોય અને ન પણ હોય, કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ છંછેડેલી રાજીનામાની આંતરિક ઝુંબેશ બીજી રીતે એ વાતને પણ પ્રતિધ્વનિત કરે છે કે જો સત્તા મળવાની જ ન હોય તો જવાબદારીઓનું વહન શા માટે કરવું? રાહુલ ગાંધી જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે તેમની વાતો પરથી દેશના લોકો એમ સમજતા હતા કે કોંગ્રેસમાં નવી પેઢીને હવે વધારે આગળના પગથિયાઓ પર પગ મૂકવાની તક મળશે.

પરંતુ રાહુલે કેટલાક રાજ્યોમાં પોતાના દાયકા જુના જીહજુરોને જ પ્રમોટ કર્યા! ભાજપ દર વરસે સદસ્યતા નોંધણી કે અન્ય બહાને જે રીતે નવા પાણી પક્ષમાં દાખલ કરે છે એવી કોઈ પદ્ધતિ રાહુલે અપનાવી નહિ. વધારામાં તેમણે વારંવાર એવા દૃષ્ટાન્તો પૂરા પાડયા કે જ્યાં નવયુવાન અને બુઝુર્ગની વચ્ચે ફેંસલો લેવાનો હોય ત્યાં કોંગ્રેસ વૃદ્ધજનો સાથે જ રહી.

રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં યૌવનનો જે તરવરાટ હતો એને પોતાના અનેક ખોટા નિર્ણયોથી ગ્રાઉન્ડેડ કરી દીધો, જેથી કોઈ પાંખ ફફડાવી ન શકે, આજે પરિસ્થિતિ એ આવી કે પાયલોટપુત્ર ખુદ પણ ગ્રાઉન્ડેડ થઈ ગયા. કોંગ્રેસની પાંખો હરીફ પક્ષ તરીકે ભાજપે કાપી છે એનાથી તો ક્યાંય વધુ કોંગ્રેસની ભૂલભરેલી નીતિઓએ  પોતે જ વધુ નુકસાન નોતર્યું છે. રાહુલે માત્ર કહેવા ખાતર જ નવી-જૂની પેઢી વચ્ચે સંતુલન સાધવાની કોશિશ કરી, વાસ્તવમાં તેમણે યુવાનીનું મહોરું ધારણ કરીને સદાય ઘરડાઓના ગાડામાં જ વિહાર કર્યો છે.

મહાગઠબંધન રચવાના દાવાઓથી ભારતની દસેય દિશાઓ ગાજતી હતી તો પછી એનું શું થયું? ચૂંટણી પહેલાં જ એ વિચારધારાનો વિનાશ થયો અને એનું કારણ માત્ર કોંગ્રેસનો અહંકાર! બે નવા અને એક જૂનાં- એમ ત્રણ રાજ્યોમાં સત્તા મળી એટલે મહાગઠબંધનના સંભવિત તમામ સાથીઓને કોંગ્રેસે તુચ્છ માની લીધા. કંઈ આપવું જ ન હતું, બધું લઈ લેવું હતું અને એટલે જ કોંગ્રેસે ચૂંટણી પહેલા જ લગભગ બધુ ગુમાવ્યું હતું જેનું દસ્તાવેજીકરણ પરિણામોએ કરી આપ્યું.

ભાજપનો ક્રમિક વિકાસ અને કોંગ્રેસના તબક્કાવારના પતનમાંથી દેશની પ્રજાએ ઘણું શીખવાનું છે. ભાજપમાં બધા સજ્જનો નથી અને કોંગ્રેસમાં બધા દુર્જનો નથી છતાં એકનું ઉત્થાન અને બીજાનું પતન નજર સામે જ છે! કોંગ્રેસ સંસદીય દળના નેતા બનાવવામાં આવેલા અધીર રંજન ચૌધરી પણ અધૂરપની અજાયબ પ્રતિમા છે.

નિયમોનું પાલન, ન જાણે કેમ તેમને ફાવતું જ નથી. એના બોલવાનો હજુ ધડો નથી. ભલે છેલ્લા બે દાયકાથી કોંગ્રેસના સાંસદ હોય, પરંતુ કોંગ્રેસની પુખ્ત વિચારણા અને કુનેહની પરંપરા તેમનામાં નથી. એટલે નાઈટ વોચમેનની જેમ એક વચગાળાના કામચલાઉ ઉકેલ તરીકે કોંગ્રેસે એમને તક આપી છે.

કોંગ્રેસના પતનના આ દિવસોમાં જૂના દિગ્ગજો કેવા ચૂપ બેઠા છે! એ તમામ લોકો કે જેમનો કોંગ્રેસ સંગઠનમાં ઉચ્ચ કે સર્વોચ્ચ પદ માટે યોગ્યતાજન્ય અધિકાર હતો, તેઓ કદાચ મનોમન આ પતનથી રાજી છે. કોંગ્રેસના એ દિગ્ગજો રાહુલના રાષ્ટ્રીય ફ્લોપ શોની ઘણા લાંબા સમયથી પ્રતીક્ષા કરતા હતા. કોંગ્રેસ જેવા પક્ષમાં પ્રમુખપદ એ જો કોઈનો જન્મસિદ્ધ અધિકાર હોય તો આંતરિક લોકશાહી પ્રણાલિકાથી પક્ષ માટે સમર્પિત થયેલા વિદ્વાન રાજપુરુષોનું શું?

કોંગ્રેસમાં આજકાલ જે આંતરિક અસમંજસ પ્રવર્તે છે એનું પ્રમુખ કારણ તો એની ક્ષીણ થતી જતી વૈચારિક ક્ષમતા છે. કોઈપણ રાજકીય પક્ષનું પ્રાણતત્ત્વ એની વિચારધારા છે. ભાજપનો જન્મ હાર્ડ હિન્દુવાદમાંથી થયો છે, પરંતુ ભારતીય ક્ષિતિજે ઉદયમાન થયા પછી એને ખ્યાલ આવ્યો કે સમન્વયની સંસ્કૃતિ પૂર્વજોએ અમથી તો નિરધારી નથી, એટલે એણે પ્રથમ સુધારા તરીકે હિન્દુવાદને સોફ્ટ કર્યો. પછી એ જ એના આધારરૂપ હિન્દુવાદને હાંસિયામાં ધકેલીને એના વિકલ્પે વિકાસને સ્થાન આપ્યું. વિકાસની પ્રતિજ્ઞાા, પ્રતિબદ્ધતા અને પરિભાષાએ ભાજપને દેશમાં એક નવી સર્વસ્વીકૃતિ આપી. આ સંજોગોમાં કોંગ્રેસ માત્ર દ્વિધા અને દ્વિધામાં રહેલો પક્ષ બની રહ્યો અને એ જ એના સંકટનું મુખ્ય કારણ છે.

Tags :