Get The App

એકમ કસોટીનું નાટક .

Updated: Jan 8th, 2019

GS TEAM

Google News
Google News
એકમ કસોટીનું નાટક                                  . 1 - image


ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ફરી એક નવો અખતરો 'એકમ કસોટી'ની શરૂઆત કરી છે. ધોરણ-૧ થી ધોરણ-૮ સુધીના તમામ વિદ્યાર્થીઓ હવે દર શનિવારે આ એકમ કસોટી આપવા લાગ્યા છે. સરકારે શાળાઓની સ્થિતિ, શિક્ષણનું સ્તર અને શિક્ષકોની ઉપલબ્ધિ પર કોઈ વિચાર કર્યા વિના આ પ્રકારના સાપ્તાહિક પરીક્ષણ-મૂલ્યાંકનની શરૂઆત કરી છે.

દર શનિવારે દરેક શાળામાં પ્રશ્નપત્રો પહોંચી જાય છે. આ કસોટીમાં શરૂઆતથી જ સરકારે છબરડાઓની મૌક્તિકમાળા પ્રસ્તુત કરી જ દીધી છે! અસંગત અને ખોટા વિકલ્પો ધરાવતા પ્રશ્નોથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકો દર શનિવારે મુંઝવણમાં મૂકાઈ રહ્યા છે. એકમ કસોટી એક પ્રકારની યુનિટ ટેસ્ટ અને વીકલી ટેસ્ટ છે. કોઈ પણ એક પાઠ આધારિત અથવા પાઠયક્રમના એકાદ મુસદ્દા આધારિત સમગ્ર પ્રશ્નપત્ર હોય છે.

નવાઈની વાત એ છે કે આ કસોટીમાં સરકાર વચ્ચે વચ્ચે પાઠયપુસ્તકમાં આપવામાં આવેલા ચિત્રો આધારિત પ્રશ્નો પણ પૂછે છે અને તેથી વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ પાઠયપુસ્તક ખોલવાની મુક્તિ અથવા તક આપવામાં આવે છે. હોશિયાર વિદ્યાર્થી ચિત્ર જ જુએ છે પરંતુ વધુ પડતા હોશિયાર (એટલે કે ઢ) વિદ્યાર્થીઓ ચિત્રના બહાને પાઠય પુસ્તકમાંથી જ જવાબો ઉતારી લે છે. રાજ્ય સરકારમાં જેમણે પણ એકમ કસોટીનું આ સ્વરૂપ નિરધાર્યું છે તે ખુદ અશિક્ષિત હોવાની છાપ ઉપસી છે.

રાજ્યની પચાસ ટકાથી વધુ શાળાઓમાં ગણિત અને વિજ્ઞાાનના શિક્ષકો નથી. સરકાર આ વાત જાણે છે અને એ સંયોગોની ઘોર ઉપેક્ષા કરે છે. ગણિતની અને વિજ્ઞાાનની એકમ કસોટી એ જ કારણે ફ્લોપ જાય. પછી સરકાર કહે છે કે કસોટીના પરિણામોને આધારે સુધારાત્મક પગલા લો! ગુજરાતી, ભૂગોળ અને સંસ્કૃત ભણીને આવેલા શિક્ષકો ગણિત-વિજ્ઞાાન કઈ રીતે ભણાવે? છતાં ભણાવે છે, તો એમાં ગણિત કેવું હોય ને વિજ્ઞાાન કેવું હોય?

ગુજરાતના વિરાટ સાગરકાંઠે પ્રાથમિક શાળાઓની એક જુદા જ પ્રકારની કુંજડીની હાર જેવી શ્રેણી છે. એ શાળાઓમાં દરિયા સાથે નિસ્બત ધરાવતી આવતીકાલની નવી પેઢી, આજે ભણે છે. એ વિદ્યાર્થીઓ ચોમાસા સિવાય શાળાએ આવે નહિ અને આવે તો ભાગ્યે જ આવે, કારણ કે ચોમાસુ દરિયાખેડૂને ઘરના ઢળ્યા ઢોલિયે બાંધી દે છે.

ખારવા સમાજનો પરિવાર ચોમાસામાં ટોળે વળીને જીવન જીવે છે, એ સિવાય તો અષ્ટપ્રહર એમને દરિયાદેવની જ જોખમી 'ઉપાસના' હોય છે, કારણ કે એ જ એમની રોજીરોટી હોય છે. દરિયા સાથે નિત્ય કામ પાડનારી પ્રજાની તાકાત બહુ વિશિષ્ટ હોય છે.

કારવાઓના સંતાનોમાં અજબની સાહસિકતા, દીર્ઘદ્રષ્ટિ અને અનેક નાની-નાની કાબેલિયત હોય છે. પરંતુ શિક્ષણથી તેઓ વિખૂટા પડી રહ્યા છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના વિરાટ સાગરના કિનારે આવેલી પ્રાથમિક શાળાઓના બાળકો માટે રાજ્યસરકારે કદી અને કંઇ પણ વિચાર્યું જ નથી. હવે તેઓ એકમ કસોટી જેવા ઉપક્રમોથી વધુ નાસીપાસ થવા લાગ્યા છે.

શિક્ષકો સરકારના આજ્ઞાાંકિત છે અને તેઓ આજકાલ એટલી હદે મુંઝાયેલા અને કદાચ ગભરાયેલા પણ છે કે કોઈ આચાર્ય એક પોસ્ટકાર્ડ પણ લખીને સરકારને જણાવતા નથી કે આ પ્રકારના કૃત્રિમ પ્રયોગો બંધ કરો અને ગુજરાતના શૈશવને ઉછેરવાના સહજ શૈક્ષણિક પ્રયાસો કરો.

થોડા સમય પહેલા ગુજરાત સરકારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 'મિશન વિદ્યા' નામનો પ્રયોગ કર્યો હતો જેમાં શિક્ષકો દરરોજ બે કલાક વહેલા જઇને વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એ બે-ત્રણ મહિના ચાલેલા પ્રોજેક્ટનું શું પરિણામ આવ્યું તે રાજ્યના શિક્ષણ ખાતાએ હજુ જાહેર કર્યું નથી. રાજ્યની શાળાઓની સાધનસંપન્નતા વધી છે, તબક્કાવાર લાખો રૂપિયા સરકારે એ તરફ વહાવ્યા છે, એની ના નથી, પરંતુ જેને શિક્ષણનું સ્તર કહેવાય એનું તો નિત્ય પતન અદ્યાપિ શરૂ જ છે. એ અટકાવી શકાયું નથી.

પ્રાથમિક શાળાના વરસો કોઈ પણ વિદ્યાર્થી માટે જિંદગીના ઘડતર માટેના અત્યંત મહત્ત્વના વરસો હોય છે. આજે રાજ્યમાં યુવા વર્ગમાં જે બેરોજગારી અને વ્યક્તિગત અધૂરાપણું દેખાય છે એના મૂળ તો તેઓની પ્રથમિક શાળાઓમાં જ રહેલા છે. ગુજરાતમાં આવતી કોઈ પણ નેશનલ કે મલ્ટીનેશનલ કંપનીને તેના સ્ટાફની ભરતી કરવામાં જે તકલીફ પડે છે તેનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે જેમની પાસે જે ડિગ્રી છે એટલું જ્ઞાાન ધરાવતા ઉમેદવારો પણ જલદી મળતા નથી.

 ડિગ્રીઓ મળે છે પરંતુ સમજણપૂર્વકની કાર્યકુશળતા ધરાવતા યુવા વર્ગની શોધ કરવી એક આકરી હ્યુમન રિસોર્સ પ્રક્રિયા છે. અને એના કારણોમાં પણ છેવટે તો વાંક પ્રાથમિક શિક્ષણનો જ આવે. એકમ કસોટી જેવા પ્રયોગોને બદલે સરકારે સમગ્રતયા પ્રાથમિક શિક્ષણને કમ સે કમ અપગ્રેડ તો કરવું જોઇએ. આવા અખતરાઓ કરવાથી અધિકારીઓ માને છે એવા કોઈ સેન્ટ્રલ બોર્ડના સ્ટાન્ડર્ડમાં શાળાઓ પહોંચી જવાની નથી.

Tags :