Get The App

તેજીનું પ્રભાત દૂર છે ?

Updated: Dec 8th, 2019

GS TEAM

Google News
Google News
તેજીનું પ્રભાત દૂર છે ? 1 - image


આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ વારંવાર ફેરફાર કરીને છેવટે વૈશ્વિક અર્થતંત્રનો કુલ વિકાસ દર ૩. ૫ ટકાથી ઘટાડીને ૩.૨ ટકા કર્યો છે. આ અંદાજ ઇસુના નવા વર્ષ ૨૦૨૦ માટે છે. એનો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હજુ તેજીને આવતા વાર લાગશે. આ પ્રકારની ધારણાઓ કાલ્પનિક નથી હોતી. એ એડવાન્સ ઈકોનોમિકસની પ્રણાલિકાથી વૈજ્ઞાાનિક પદ્ધતિએ તૈયાર થાય છે. ભારતીય પ્રજાને અત્યારે મંદીનો જે અનુભવ છે તે એક તો નાણાંભીડનો અને બીજો ઔદ્યોગિક સ્થગિતતાનો છે.

પરંતુ એને સમાંતર કૃષિ ઉત્પાદનો તથા ગ્રાહકલક્ષી ઉત્પાદનો તો ચાલુ જ છે. એમાં અસર બે પ્રકારની છે કે એક તો લોકોની ખરીદશક્તિ ઘટતી જાય છે, એને કારણે ગ્રાહકલક્ષી વસ્તુઓનો ઉપાડ ઓછો થતો જાય છે. ભારતમાં મુખ્યત્વે પરંપરાગત ખેતી પ્રણાલિકા હોવાથી કૃષિ ઉત્પાદનમાં ચડતી-પડતી આવે છે એને કારણે જ ખરેખર તો સરકારે એ ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવું પડે છે. 

આ વરસે વરસાદ સારો થયો હોવા છતાં એનાથી સરેરાશ કૃષિ ઉત્પાદનમાં બહુ મોટો ફેર પડવાનો નથી. કારણ કે કોઈ પણ સારા ચોમાસા માટે એક જ શરત છે તે સમયસરનો અને પ્રમાણસર વરસાદ. ગયા ચોમાસામાં વારંવારનો અને અધિક વરસાદ હતો. જે વરસાદ હજુ પણ હિમાલયના બદલાતા પવનો અને અરબી સમુદ્ર એમ બન્ને બાજુથી ડોકિયા કરે છે અને હવામાનશાીઓ એ ઉલઝનમાં જ ગળાડૂબ છે.

ભારતીય તુચક્રનો આ વરસનો પલટો એમને હજુ જંપવા દે એમ નથી. આ વરસની મંદીમાં પણ ચોમાસાનું યોગદાન છે. ડુંગળીનો દડો સોનાનો થયો એનું કારણ પણ અપ્રમાણસરનો એટલે કે ક્યાંક અધિક તો ક્યાંક અલ્પ એવો વરસાદ છે. છતાં સહુની નજર ચાલુ રવિપાક પર છે જેનો અંદાજ આવતા હજુ વાર લાગશે. 

દુનિયાના ઘણા બધા દેશોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે સૌથી વધારે વિપદામાંથી તો ચીન પસાર થઈ રહ્યું છે. પરંતુ તેની સરકાર પ્રચાર-પડઘમ નિષ્ણાત છે અને સામ્યવાદ હોવાને કારણે સરકાર નિકાસ અને સંરક્ષણ બે જ બાબતમાં ધ્યાન આપે છે. ચીનના સર્વસામાન્ય શિક્ષણની હાલત આપણા કરતાં પણ ખરાબ છે પરંતુ અધૂરા ભણતરે બહુ ઝડપથી લોકો કામે લાગી જતાં હોવાને કારણે એની કુલ ઉત્પાદકતા અને કુલ રોજગારી ભારતની તુલનામાં ઘણી સારી છે.

એ કારણસર જ એની નબળી આથક સ્થિતિ ઢંકાઈ જાય છે. અમેરિકા અને યુરોપમાં પંદર વર્ષે સંતાનો પોતાના આત્મવિશ્વાસથી અને આત્મગૌરવ જાળવવાના હેતુથી જોબ પર લાગી જાય છે. એને કોઈએ કહેવું પડતું નથી. ચીનમાં તો ૧૫ વર્ષ પછી માતા-પિતાએ જ સંતાનોને ઘરમાંથી હાંકી કાઢવા પડે એવી પરિસ્થિતિ છે. 

ઉપરાંત જે ચીનાઓ ૧૫ થી ૧૭ વર્ષ વચ્ચે કામે લાગતા નથી તેના પર સરકારની નજર પડે છે અને એવા લોકોને સરકાર કોઈ પણ મજૂરી કરવા માટે લઈ જાય છે. ત્યાં દરેક નાગરિકની કાર્યશક્તિ પર રાષ્ટ્રનો સંપૂર્ણ અધિકાર છે. સામ્યવાદ પણ માત્ર કહેવા ખાતરનો જ રહ્યો છે. 

માઓના નામે લગભગ રાજાશાહી જેવું જ શાસન છે. આપણે ત્યાં કેન્દ્રની એનડીએ સરકારે શરૂઆતમાં રાષ્ટ્રવાદના નામે પોતાના કેટલાક હેતુ સિદ્ધ કર્યા પરંતુ પછીથી પ્રજાને ખ્યાલ આવ્યો કે આ રાષ્ટ્રવાદ છેતરામણો છે. એટલે ભાજપે પોલીસી બદલી અને નમૂનારૂપ કામો હાથમાં લીધા. તો પણ ભાજપે સત્તાનું જે હદ બહારનું - આત્યંતિક કેન્દ્રીકરણ કર્યું અને વડાપ્રધાનના ટેબલ પર જ બધા નિર્ણયો અટકી રહ્યા એની રઘુરામ રાજને ઘોર નિંદા કરી છે. 

એમનો કહેવાનો અર્થ છે કે દેશમાં સંખ્યાબંધ આથક નિર્ણયો લટકી રહ્યા છે. નીતિ આયોગ પણ વડાપ્રધાનના ટેબલ સામે બેસે અને નાણામંત્રી પણ ત્યાં જ. રિઝર્વ બેન્કના ગવર્નર પણ વડાપ્રધાનના કાર્યાલયના પગથિયે જ મળે અને પછી રાષ્ટ્રપતિ ભવન વિશે તો શું કહેવાય ? કંઈક મર્યાદા તો રાખવી પડે ને ! સત્ય આખા દેશને નરી આંખે દેખાય છે અને એમાં જ મંદીના કારણો પણ છે જેનું ગઈકાલે રઘુરામ રાજને ઉદગાન કર્યું. દેશના આથક વિકાસમાં કેન્દ્રને બદલે રાજ્યોની ભૂમિકા હવે વિશેષ મહત્ત્વની છે.

 દેશના આથક એન્જિન કહેવાય એવા કુલ ગુજરાત સહિતના બાર રાજ્યો પર મંદીમાંથી ભારતને બહાર લાવવાની જવાબદારી આપોઆપ આવે છે. પણ એ રાજ્યોમાં હજુ પણ આથક વિકાસના રોડમેપનો કોઈ ધડો નથી. એટલે હાલની ચાલુ મંદીની પાછળ આવતી મંદીનો અણસાર આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે નાછૂટકે અને સસંકોચ જાહેર કરવો પડયો છે. છતાં ગયા એપ્રિલમાં અમેરિકા વિશે નાણાંભંડોળે જાહેર કરેલા અંદાજ કરતા અમેરિકા અત્યારે આગળ ચાલી રહ્યું છે અને બ્રાઝિલ જેવા થોડા દેશો સાવ તળિયે બેસી ગયા છે.

Tags :