Get The App

મુઝફ્ફરપુર પર પરદો ?

Updated: Aug 9th, 2018

GS TEAM

Google News
Google News
મુઝફ્ફરપુર પર પરદો ? 1 - image

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ અને અન્ય વિરોધ પક્ષો પર નીતિશકુમાર આજકાલ જેટલા ખિન્ન થઈ રહ્યા છે તેટલી જ ખિન્નતા એક મુખ્યમંત્રી તરીકે તેમણે બાલિકા ગૃહના અત્યાચારીઓ પર દાખવવાની જરૃર છે. દેશના અને રાજ્યના તમામ ટોચના નેતાઓને વિવિધ ઘટનાક્રમોમાં પોતાની સત્તા ડોલતી દેખાય છે ત્યારે તેઓ ફરિયાદો ઠંડી પાડવા પ્રયાસ કરતા જોવા મળે છે. તેઓ જાણતા જ હોય છે કે અજાણતા જ ઉહાપોહ શાંત કરવા જતાં તેઓ દુર્યોધનો અને દુ:શાસનોનો પક્ષ લઈ બેસે છે. નીતિશકુમારે મુઝફ્ફરપુર બાલિકા ગૃહના અત્યાચાર અને જાતીય શોષણ પ્રકરણમાં ગંભીરતા ત્યારે જ દાખવી જ્યારે સર્વોચ્ચ અદાલતે એ પ્રકરણ પર પ્રથમ ગંભીર ટકોર કરી.

પોતાને હંમેશા સુશાસન બાબુ તરીકે ઓળખાવનારા નીતિશ બિહારમાં છવાયેલી દુ:શાસનો તરફ કેમ આક્રમક અભિગમ અપનાવતા નથી ? અત્યારથી જ નીતિશકુમારે તપાસના પરિણામો ધારેલી દિશામાં આવે એ માટેની વ્યવસ્થા કરી હોય એમ લાગે છે. કારણ કે તેમના કહેવાથી સીબીઆઇ આ કેસની તપાસ કરશે પરંતુ બિહાર હાઇકોર્ટને તેમણે તપાસ પર નજર રાખવાનું કે હાઇકોર્ટના સીધા માર્ગદર્શનમાં જ તપાસ કરવાનુંં કહ્યું નથી.

બિહારના અનેક બહુચર્ચિત કિસ્સાઓની તપાસમાં સીબીઆઇનો હસ્તક્ષેપ ફાયદાકારક રહ્યો નથી. આમ પણ છેલ્લા ચારેક વરસમાં સીબીઆઇની ઘટેલી પ્રતિષ્ઠા વધુ ઓછી થઈ છે. ઈ.સ. ૧૯૭૫માં તાકાતવાન કેન્દ્રિય પ્રધાન લલિતનારાયણ મિશ્રાની હત્યાનો કેસ અને ઈ.સ. ૧૯૮૩માં સનસનાટી મચાવનાર બોબી હત્યાકાંડમાં સીબીઆઇએ સત્તાધારીઓના ઇશારે જ તપાસ કરીને પ્રકરણો પર ઠંડુ પાણી રેડી દીધું હતું જેથી અપરાધીઓ મુક્ત જ રહ્યા હતા અને જેઓ બંધનમાં હતા તેઓ પણ મુક્ત થઈ ગયા હતા. લલિત મિશ્રાના હત્યા કેસમાં તો બે આરોપીઓએ અદાલતમાં કબૂલાત પણ કરી દીધી હતી કે કઈ મહાન રાજકીય હસ્તીના કહેવાથી તેમણે હત્યા કરી.

પરંતુ પછીથી કેસ સીબીઆઇ હસ્તક જતાં તેઓ બંને મુક્ત થઈ ગયા અને રાજકીય હસ્તીનું નામ અદાલતની ચાર દિવાલો વચ્ચે જ છુપાઈ ગયું. બિહાર વિધાનસભા સચિવાલયની ટાઇપિસ્ટ અને દેખાવે અભિનેત્રી જેવી સૌન્દર્યમય શ્વેતનિશા ઉર્ફે બોબીને ખરેખર તો ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ બોબી બિહાર વિધાન પરિષદના તત્કાલીન સભાપતિ અને કોંગ્રેસી મહિલા અગ્રણી રાજેશ્વરી સરોજ દાસની દત્તક લીધેલી પુત્રી હતી. આ કેસ એક રહસ્યકથા જેવો છે જેને છેવટે સીબીઆઇએ રાજકારણીઓના સંકેત પ્રમાણે 'થાળે પાડી'ને સંકેલી આપ્યો.

બિહારના બાલિકા ગૃહ અત્યાચાર પ્રકરણમાં બ્રજેશ ઠાકુર ગેંગ લીડર છે જે હજુ પણ જેલમાં અને મહેલમાં હેરાફેરી કરે છે. આ બ્રજેશે ગઈકાલે સ્વાસ્થ્યના બહાને ફાઇવ સ્ટાર હોટેલમાં આરામ ફરમાવવાની મંજુરી લીધેલી છે. મુઝફ્ફરપુરના આ બાલિકા ગૃહમાં રાત પડેને માસુમ અનાથ બાલિકાઓને નિયમિત રીતે આગંતુક રાક્ષસો ઘેરી વળતા હતા.

મુંબઈના રેડલાઇટ એરિયામાં હોય છે તેવી આન્ટીઓ અહીં ગૃહમાતા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ બાલિકા ગૃહ સરકારી છે ને ગયા એપ્રિલમાં જ અનેક પ્રકારની શંકાઓ ઉપજાવતો અને વિવિધ ઘટસ્ફોટો કરતો ઓડિટ રિપોર્ટ નીતિશકુમારના કાર્યાલયને સુપ્રત કરવામાં આવ્યો હતો છતાં નીતિશે કે એની સરકારે એના પર કોઈ પગલા લીધા નહિ એ હકીકત જ લાલુની છાવણીનો મુખ્ય આક્ષેપ છે. નીતિશકુમારની સરકારમાં એક પ્રધાન શ્રીમતી મંજુલા વર્મા છે.

આ શ્રીમતી વર્માના દુષ્ટ પતિ પણ બાલિકા ગૃહ પ્રકરણમાં સંડોવાયેલા છે ને એની પણ ધરપકડ બિહાર સરકાર કરી શકી નથી. આપણે ત્યાં કચ્છના નવા બળાત્કાર પ્રકરણમાં જે રીતે ભાનુશાળીને બચાવવા ભાજપના કલાકારો અને કારીગરી જાણનારા કારીગરો કૂદી પડયા હતા તે જ રીતે મિસ્ટર વર્માને બચાવવા બિહારના પ્રધાનો કૂદી પડયા છે. ભાનુશાળી પ્રકરણમાં તો જો કે ફરિયાદી યુવતી દ્વારા જ ફરિયાદ પાછી ખેંચાવવા સુધી ભાજપે આગેકૂચ કરી છે ને હાઇકોર્ટે ફરિયાદ પાછી ખેંચવાની મંજૂરી પણ આપી દીધી છે.

ફરિયાદી જ ફરિયાદ પાછી ખેંચે તો તેમાં અદાલત શું કરે અને કેસ કઈ રીતે આગળ ચાલે ? ચાલે, જો નવેસરથી સરકાર ખુદ ફરિયાદી બને તો. એવી તાકાત ભાજપમાં ક્યાં છે ? આ પ્રકારની ઘટનાઓ તરફ સમગ્ર દેશનું ધ્યાન હોય છે અને આમાં જ સરકાર જો આક્રમક તથા વીજળીકવેગી પગલા લઈ અપરાધીઓને સખત સજા અપાવે તો લોકોનો સરકારમાં વિશ્વાસ પ્રતિષ્ઠાપિત થતો હોય છે, પરંતુ ભાજપના દુર્ભાગ્યે આ તમામ ઘટનાઓ ભાજપને ગંભીર નુકસાન કરી રહી છે. કોંગ્રેસે પણ એના સત્તાના સુવર્ણયુગમાં અપરાધીઓ સાથે સંબંધો રાખીને હંમેશા તપાસ પ્રક્રિયાઓ પર પરદા પાડવાનું કામ કરેલું જ છે.

શિક્ષણ અને રાજકારણ આ બે એવા ક્ષેત્રો છે જેનાથી દેશની પ્રજાની સુખાકારી, સલામતી અને સફળતાઓનું ક્રમશ: ઘડતર થાય છે. ખરેખર કેન્દ્ર સરકારે જ આ એક- બે બાલિકા ગૃહોના અત્યાચાર પ્રકરણો બહાર આવતાવેંત તુરત જ દેશના તમામ બાલિકા ગૃહો પર દરોડા પાડી રાતોરાત તપાસ શરૃ કરવી જોઈએ એના બદલે સર્વોચ્ચ અદાલતે ભારે ઠપકા અને ગુસ્સા સાથે કેન્દ્રની એનડીએ સરકારને આદેશ આપવો પડયો છે કે દેશના ત્રણ હજાર બાલિકા ગૃહોનું તાત્કાલિક સામાજિક ઓડિટ કરો.

Tags :