વાદા તેરા વાદા .
નજીક આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે ભાજપે આખરે સુદીર્ઘ બૌદ્ધિક વ્યાયામ બાદ સંકલ્પપત્ર સ્વરૂપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ સંકલ્પપત્રના લોકાર્પણ કાર્યક્રમમાં મંચ પર દેશના અને ભાજપના નેતાઓ હતા પરંતુ છતાં મંચ સૂમસામ લાગતો હતો, કારણ કે ભાજપના અનેક દિગ્ગજોની અહીં ગેરહાજરી હતી છતાં વડાપ્રધાને કરેલું પ્રાસંગિક વ્યાખ્યાન તેમની ટેવ પ્રમાણેની ગાજવીજથી મુક્ત અને સીધી સાદી વાતોથી મુખરિત હતું. આ સંકલ્પપત્ર સિવાય ભાજપના કોઈ પણ નેતા જ્યારે પણ કોઈ વચન આપે છે ત્યારે લોકોની એમાંથી શ્રદ્ધા ડગી ગઈ હોવાના કારણે વિશેષ પ્રભાવ પડતો નથી.
ઈ.સ. ૨૦૧૪ના કેટલાક વચનોની અહીં સુધારાવધારા સાથેની પુનરાવૃત્તિ પણ જોવા મળે છે. વડાપ્રધાન મોદીએ કરેલા વ્યાખ્યાનમાંથી એ વાત પણ સહજ રીતે ઉદિત થાય છે કે દેશના સામાન્ય નાગરિકના આજના દર્દને તેઓ જાણી શક્યા નથી અને ભારતીય પ્રજાના પારિવારિક પ્રશ્નોથી ભાજપે જાણે કે વિમુખ રહેવાનું પસંદ કર્યું છે.
ભાજપે કદાચ નક્કી જ કરી લીધું છે કે દેશનો યુવા વર્ગ એને મત નહિ આપે તો ચાલશે, કારણ કે આ મેનિફેસ્ટોમાં ક્યાંય બેરોજગારો અને બેરોજગારીનો ઉલ્લેખ જ નથી. છેલ્લા પાંચ વરસ સળંગ જે સમસ્યાથી ભાજપ ભાગે છે, એ સમસ્યાને ઉકેલવાની દિશામાં કામ કરવાનો કોઈ સંકેત અહીં મળતો નથી.
યુવાનોની વાત કરતી વખતે સોલાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની વાત તેઓ કરે છે પરંતુ રોજગારીનું સર્જન કરવા માટેનો કોઈ રોડમેપ ભાજપ પાસે નથી. દેશના કરોડો યુવાનોને રોજગાર અભિમુખ અને યુક્ત કરવામાં જે રીતે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત વાસ્તવિક વિઝન નથી તે જ રીતે ભાજપના બુદ્ધિપ્રદેશમાં પણ રોજગારી અંગે શૂન્યાવકાશ પ્રવર્તે છે એ હકીકત કમ સે કમ બેરોજગારોએ તો જાણી જ લેવી જોઈએ અને કોઈ પણ નાનકડા કામથી ય તેમની રોજીરોટી રળવાની શરૂઆત કરી દેવી જોઈએ.
ભાજપના આ સંકલ્પપત્રમાં છેલ્લા પાંચ વરસમાં તેમણે જે કામ પૂરા કરવાના હતા પણ જેની શરૂઆત પણ થઈ નથી એની એક યાદી પણ મળી આવે છે. નાના વેપારીઓ માટે ૬૦ વરસની વય પછીની પેન્શન યોજના મૂકીને ભાજપે નોટબંધી અને જીએસટી દ્વારા આપેલા આઘાતની ક્ષમાપના ચાહી છે. એ બહાને પણ દેશની રોજ-બ-રોજની જિંદગીની આધારશીલા સમાન નાના વેપારીઓ તરફ જતાં જતાં ય ધ્યાન તો ગયું એ સારી વાત છે.
એ જ રીતે ગત બજેટમાં જેનો ઉલ્લેખ હતો એ માછીમારો માટે સ્વતંત્ર અલગ મંત્રાલય બનાવવાની વાત વડાપ્રધાને મૌખિક રીતે કરી તે પણ રસપ્રદ છે, કારણ કે દેશના વિરાટ સાગર કિનારાની પ્રજા તરફ અને એમની સમસ્યાઓ તરફ આજ સુધીની વિવિધ સરકારોએ ભાગ્યે જ ધ્યાન આપ્યું છે. એ સિવાય ભાજપે આ મેનિફેસ્ટોમાં રામ મંદિરથી કાશ્મીર સુધીના એ તમામ મેજિક મિક્સ મુદ્દાઓ તો છે જ જેની વાતો ભાજપનો સામાન્ય કાર્યકર પણ પોળ કે શેરીના નાકે સદાય ઉચ્ચારતો રહ્યો છે.
ભાજપે દેશના પાંચ લાખથી વધુ ગામડાંઓના અભિનવ વિકાસની વાતો પણ કરી છે, પરંતુ એ તો ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઈથી થાય એમ નથી. કારણ કે ગ્રામવિસ્તારો ડેલહાઉસીની યોજના વિનાય ખાલસા થતા રહ્યા છે. દરેક સરકારની દરેક નવી પોલીસીએ શહેરીકરણને પ્રોત્સાહન આપ્યું છે. દેશના લગભગ તમામ રાજ્યોમાંથી છેલ્લા બે વરસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જ્યાં પણ ચૂંટણીઓ યોજાઈ છે ત્યાંથી ભાજપની હકાલપટ્ટી થઈ છે.
આજે પણ દેશના સામાન્ય ગ્રામવાસીની એ સાર્વત્રિક માન્યતા છે કે ભાજપ શહેરોની પાર્ટી છે. આજ સુધીની વિધાનસભા અને લોકસભા (૨૦૧૪)ની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીની તુલના કરો તો પણ ખ્યાલ તો આવે જ છે કે ભાજપ અને ગામડા એકબીજાથી વિમુખ છે. છેલ્લા પાંચ વરસમાં એનડીએ સરકારે ગામડાઓ સાથે અંતર વધારવાનું જ કામ કર્યું છે.
ઉપરાંત દેશના મહત્ ગ્રામવિસ્તારોમાં કૃષિ નિર્ભર નાગરિકતાનો સમુદાય છે, જેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં ભાજપે એમાં અનેક ગોથા ખાધા છે. ક્યાંક લોકસંપર્ક અને નિષ્ઠાને કારણે ઉમેદવારો જીતી જાય તો એ એક અલગ વાત છે, પરંતુ ભાજપ અને ગ્રામજગત વચ્ચે હજુ કોઈ સેતુ રચાયો નથી જેનો લાભ કોંગ્રેસને મળવાની શક્યતા રહે છે.
ઇ.સ. ૨૦૨૨માં ભારતીય આઝાદીને ૭૫ વરસ પૂરા થવાના છે તેની ઉજવણી ભાજપ કેન્દ્રમાં પોતાની સરકાર વિદ્યમાન હોય એવા સંયોગોમાં થાય એમ ચાહે છે માટે સંકલ્પપત્રને પણ વિવિધ ૭૫ ઉપક્રમોમાં વર્ગીકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પ્રજાની આંખમાં નવા સપનાઓ આંજીને મત આંચકી લેવાની ભાજપની પ્રાચીન પ્રયુક્તિ આ વખતના મેનિફેસ્ટોમાં પણ બરકરાર રહી છે. છ મહિના પહેલા દેશમાં મોદી સરકાર વિરુદ્ધનો જે વંટોળ હતો તે હવે કંઈક શમી ગયો છે અને એનો લાભ લેવાની ભાજપની સુવિધિસરની યોજના આ મેનિફેસ્ટોમાં પ્રતિધ્વનિત થાય છે.
ઇ.સ. ૧૯૭૧માં રાજેશ ખન્ના અભિનિત દુશ્મન ફિલ્મમાં આનંદ બક્ષીના ગીતની પંક્તિ છે, 'વાદે પે તેરે મારા ગયા, બંદા મેં સીધા સાદા, વાદા તેરા વાદા...' જેવી પરિસ્થિતિ ઈ.સ. ૨૦૧૪થી ઈ.સ. ૨૦૧૯ સુધી ભારતીય મતદારોની રહી છે. ત્યારે એના ઉપરના ભાજપના નવા વાદા એટલે કે વચનો અને વાયદાઓ એનડીએના જહાજને કઈ દિશામાં લઈ જાય છે તે જોવાનું રહે છે.